×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કા માટે 58 બેઠકો પર મતદાન


પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો ઉ. પ્રદેશથી પ્રારંભ

સત્તામાં આવ્યા તો 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ, 20 લાખ સરકારી નોકરી આપીશું : કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો

પ્રથમ તબક્કાની 58માંથી 53 ઉપર હાલ ભાજપનું શાસન, સપા અને અને બસપાને માત્ર બે-બે બેઠકો જ મળી હતી

લખનઉ : ઉત્તર પ્રદેશમાં 10મી તારીખથી પ્રથમ તબક્કા માટે મતદાન યોજાવા જઇ રહ્યું છે. પ્રથમ તબક્કામાં કુલ 58 બેઠકો પર મતદાન થશે. જેમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, બસપા અને ભાજપ વચ્ચે ટક્કર જોવા મળશે. હાલ જે 58 બેઠકો પર મતદાન થશે તેમાંથી 53 બેઠકો પર અગાઉ 2017માં ભાજપે જીત મેળવી હતી. જ્યારે સપા અને બસપાને માત્ર બે-બે બેઠકો જ મળી હતી. 

ઉત્તર પ્રદેશના 11 જિલ્લાઓમાં આ 58 બેઠકો આવેલી છે. ગુરૂવારે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થશે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે. પ્રથમ તબક્કામાં જે મંત્રીઓનું ભાવી ઇવીએમમાં સીલ થશે તેમાં શ્રીકાંત શર્મા, સુરેશ રાણા, સંદીપ સિંઘ, કપીલ દેવ અગ્રવાલ, અતુલ ગર્ગ અને ચૌધરી લક્ષ્મી નરૈનનો સમાવેશ થાય છે. 

દરમિયાન સમાજવાદી પાર્ટી અને ભાજપ બાદ હવે કોંગ્રેસે પણ પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. કોંગ્રેસના ઉત્તર પ્રદેશના ચૂંટણી ઢંઢેરાને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

જેમાં ખેડૂતોની લોન 10 દિવસમાં જ માફ કરવાથી લઇને 20 લાખ સરકારી નોકરી આપવાના વચનો આપ્યા હતા. અગાઉ જોકે કોંગ્રેસે બે ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યા હતા. પ્રિયંકાએ આ દરમિયાન કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોની લોન માફ કરી દેશે. 

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા ઉન્નતી વિધાન ના નામે જાહેર કર્યો હતો. જેમાં અનેક મોટા વચનો આપવામાં આવ્યા છે. કોંગ્રેસ, સપા અને ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને વધુ મહત્વ આપવામાં આવ્યું છે.

 ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ચેકિંગ દરમિયાન નોઇડામાંથી 6.38 કરોડ રોકડા અને એક લાખ લિટર દારૂ ઝડપાયો હતો. પૈસા અને દારૂથી મતદારોને આકર્ષવાનો પ્રયાસ નેતાઓ દ્વારા થઇ રહ્યો હોવાની જાણકારી મળ્યા બાદ નોઇડા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં આ સફળતા મળી હતી.

અમારી સરકાર આવે તો બાઇક પર ત્રણ સવારીને દંડ નહીં : રાજભર

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે કહ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો મોટર સાઇકલ પર ત્રણ સવાર લોકો હશે તો પણ તેમની પાસેથી કોઇ દંડ લેવામાં નહીં આવે. 

એટલે કે મોટર સાઇકલ પર ત્રણ સવારીને છૂટ આપવામાં આવશે. મીડિયા સાથે વાતચીત વેળાએ તેમણે કહ્યું કે એક ટ્રેનમાં 70 બેઠકો હોય છે છતા 300 મુસાફરો મુસાફરી કરી શકે છે તો પછી ત્રણ લોકો બાઇક પર સવાર થઇને મુસાફરી કરે તો તેમાં કઇ ખોટુ નથી. ત્રણ સવારી મુસાફરી પર કોઇ દંડ ન વસુલવો જોઇએ.