×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અરૂણાચલ પ્રદેશ: કામેંગ સેક્ટરમાં હિમસ્ખલનમાં ફસાયા ભારતીય સેનાના 7 જવાન


- હિમાચલ પ્રદેશના 4 રાષ્ટ્રીય રાજમાર્ગ સહિતના 731 કરતાં પણ વધારે માર્ગ બંધ થઈ ગયા 

નવી દિલ્હી, તા. 07 ફેબ્રુઆરી, 2022, સોમવાર

અરૂણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરથી એક મોટી ઘટના સામે આવી છે. કામેંગ સેક્ટરના ઉંચાઈવાળા ક્ષેત્રમાં હિમસ્ખલન થવાના કારણે ભારતીય સેનાના 7 જવાનો દટાઈ ગયા છે. ભારતીય સેનાના કહેવા પ્રમાણે હિમસ્ખલનની લપેટમાં આવેલા સેનાના પેટ્રોલિંગ જૂથને બચાવવા માટે બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચાવ કાર્યોમાં સહાયતા માટે વિશેષ ટીમોને એરલિફ્ટ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ભારે બરફવર્ષાના કારણે ક્ષેત્રનું હવામાન ખૂબ જ ખરાબ છે. 

ભારે બરફવર્ષાના કારણે હિમાચલ પ્રદેશની સ્થિતિ વધારે બગડી ગઈ છે. જાણવા મળ્યા મુજબ મનાલી-લેહ હાઈવે પર હિમસ્ખલન થયું છે. આ કારણે રજાઓ ગાળવા માટે ગયેલા પર્યટકોને ખાસ સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. રાજ્યના 4 રાષ્ટ્રીય રાજમાર્ગ સહિતના 731 કરતાં પણ વધારે માર્ગ બંધ થઈ ગયા છે. રસ્તાઓ પર બરફ જામવાના કારણે અનેક ઠેકાણે ગાડીઓ ફસાઈ ગઈ છે. 

હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ બરફવર્ષાના કારણે રસ્તાઓ બંધ હોવાનું સામે આવ્યું છે. આ કારણે વીજળી-પાણીનો પુરવઠો પણ ઠપ થઈ ગયો છે અને સામાન્ય લોકોના જીવન પર ખૂબ જ અસર પડી છે. 

IMDનું નિવેદન

હિમાચલ પ્રદેશની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, રાજ્યની 102 જળપૂર્તિ યોજનાઓ બાધિત થઈ છે. આ સાથે જ 1,365 વીજ આપૂર્તિ યોજનાઓ પર પણ અસર પડી છે. હિમાચલ-ઉત્તરાખંડથી લઈને દિલ્હી તથા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ મોસમનો આવો જ માર પડી રહ્યો છે. આ મોસમમાં વરસાદના કારણે ઠંડી વધી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજુ 1-2 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેશે.