×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંગીત જગતમાં મોટી ખોટઃ ભારત રત્ન વડે સન્માનિત સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરનું અવસાન


- ભારતીય સિનેમાના મહાન પાર્શ્વ ગાયકોમાંથી એક લતા મંગેશકરે 1942ના વર્ષમાં માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની કરિયરની શરૂઆત કરી હતી

મુંબઈ, તા. 06 ફેબ્રુઆરી, 2022, રવિવાર

દેશના શાન સમાન અને સંગીત જગતના શિરમોર સ્વરકોકિલા ભારત રત્ન લતા મંગેશકરનું તા. 06 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારના 08:12 કલાકે અવસાન થયું છે. તેમના બહેન ઉષા મંગેશકરે લતાજીના અવસાન અંગે જાણ કરી હતી. 

ગત 8 જાન્યુઆરીના રોજ 92 વર્ષીય લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને ન્યૂમોનિયા પણ થઈ ગયો હતો માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. એકાદ સપ્તાહથી તેમની તબિયતમાં સુધારો જણાતાં વેન્ટિલેટર સપોર્ટ દૂર કરી દેવામાં આવ્યો હતો પરંતુ 05 ફેબ્રુઆરીના રોજ તેમની તબિયત ફરી ગંભીર થઈ જતાં વેન્ટિલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. 

2019ના વર્ષમાં પણ લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં 28 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું પડ્યું હતું. 80 વર્ષ જેટલા લાંબા સમય સુધી સંગીતની દુનિયામાં પોતાના અવાજનો જાદુ પાથરનારા લતા મંગેશકરના નામે 30,000 કરતાં પણ વધારે ગીતો બોલે છે. 

ભારતના સ્વરકોકિલા લતાજીનું 1969માં પદ્મભૂષણ, 1989માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, 1999માં પદ્મ વિભૂષણ, 2001માં ભારત રત્ન, 2008માં વન ટાઈમ એવોર્ડ ફોર લાઈફ ટાઈમ અચિવમેન્ટ સહિત અનેક એવોર્ડ્સ વડે સન્માન કરવામાં આવેલું છે. 

ભારતીય સિનેમાના મહાન પાર્શ્વ ગાયકોમાંથી એક લતા મંગેશકરે 1942ના વર્ષમાં માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે વિભિન્ન ભારતીય ભાષાઓના 30 હજાર કરતાં પણ વધારે ગીતોમાં પોતાનો સ્વર આપ્યો હતો. 

સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ ઈંદોર ખાતે મશહૂર સંગીતકાર દીનાનાથ મંગેશકરના ઘરે થયો હતો. છેલ્લા અનેક દશકાઓથી તેમણે પોતાના મધુર અવાજ વડે શ્રોતાઓના દિલો-દિમાગ પર પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હતું.