×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માલ્યા-મોદી પૈસા આપવા તૈયાર છે તો સરકાર કેમ લેતી નથી : સુપ્રીમ


- ભાગેડુ ડિફોલ્ટરો પાસેથી બાકી લેણાં લઇ કેસની પતાવટ કરવા સરકાર-બેન્કોને ટકોર

- ભાગેડુ ડિફોલ્ટરોના પ્રત્યાર્પણ અને લોન રિકવરી પાછળ કિંમતી સમય અને કરોડો રૂપિયાનો વેડફાટ: ભાગી ગયેલા વેપારીઓને પકડવા પાછળ સમગ્ર દુનિયામાં દોડધામ પણ હાથ કશું ન લાગ્યું

- બધે જ ડીલ કરતી સરકાર ડીફોલ્ટરો સાથે કેમ ડીલ કરી શકતી નથી : સુપ્રીમ 

નવી દિલ્હી : બેન્કો અને નાણા સંસ્થાઓને છેતરીને વિદેશમાં ભાગી ગયેલા ડિફોલ્ટરો પાછળ પડેલી સરકારને સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો ડિફોલ્ટરો બેન્કોના નાણા ચૂકવવા તૈયાર છે તો સરકાર કેમ આ દિશામાં કશું કરતી નથી. સરકાર આમ પણ આ ડિફોલ્ટરોના પ્રત્યાર્પણ અને લોન રિકવરી પાછળ કિંમતી સમય અને કરોડો રૂપિયા વેડફી રહી છે તેના બદલે જો લોનની ચૂકવણીની ઓફર જ સ્વીકારી કેમ લેતી નથી. બધે જ ડીલ કરતી સરકાર ડીફોલ્ટરો સાથે કેમ ડીલ કરી શકતી નથી. આમ હવે બોલ કેન્દ્ર સરકાર અને બેન્કો-નાણા સંસ્થાઓની કોર્ટમાં છે. 

બેંકો અને અન્ય સંસ્થાઓ-વેપારીઓ સાથે છેતરપિંડી કરીને ભારતમાંથી વિદેશ ભાગી છૂટેલા ભાગેડુઓ પાસેથી બાકી લેવાના નીકળતા પૈસા લઈને કેસ સુલટાવવા સુપ્રિમે લેણદારો અને કેન્દ્ર સરકારને હાકલ કરી છે.

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછયું હતું કે જો વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ ઉદ્યોગપતિઓ તેમના બાકી દેવા પરત કરવા તૈયાર છે તો શા માટે તેમને ભારત પાછા ન લાવવા જોઈએ અને તેમની વિરૂદ્ધ ચાલી રહેલ તમામ ગુનાહિત કેસ પરત ખેંચવા ન જોઈએ ? સુપ્રિમ કોર્ટે આ અંગે કેન્દ્ર સરકાર અને લેણદાર બેંકો અને અન્ય પક્ષકારોને વિચારણા કરવા જણાવ્યું છે.

જસ્ટિસ સંજય કિશન કૌલ અને એમએમ સુંદરે મંગળવારે કહ્યું કે બેંકો સાથે હજારો કરોડોની છેતરપિંડી કરીને વિદેશ નાસી છુટેલા ડઝનબંધ ઉદ્યોગપતિઓ સામે સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અનેક કેસો ચલાવી રહી છે અને તેમને પરત લાવવા માટે વર્ષોથી સખત મહેનત કરી રહી છે પરંતુ તેમના પાછા આવવાથી પણ બાકીની રિકવરીની કોઈ ૧૦૦% ગેરન્ટી નથી. આવી સ્થિતિમાં જો આ ઉદ્યોગપતિઓ બેંકોના પૈસા પરત કરવા તૈયાર હોય તો પૈસા પાછા લઈને તેમની સામેના તમામ કેસ કેમ પાછા ખેંચી લેતા નથી. સુપ્રિમ કોર્ટ ૧૪૫૦૦ કરોડની છેતરપિંડીના આરોપી સ્ટર્લિંગ ગ્રુપના હેમંત હાથી સામેના કેસની સુનાવણી કરી રહી હતી. આ કેસના તમામ આરોપીઓ ભારતમાંથી ફરાર છે અને વિદેશમાં રહે છે. હેમંત હાથીએ પોતાના વકીલ મારફત કહ્યું કે તેઓ પૈસા પરત કરવા તૈયાર છે. જોકે તેમને સરકાર અને ન્યાયતંત્ર પાસેથી ખાતરીની જરૂર છે કે તે ભારત પરત ફરશે ત્યારે તેની સામેના તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે અને તેને હેરાન કરવામાં આવશે નહીં.

હાથીએ કહ્યું કે તેમની પાસે બેંકોના લગભગ ૧૫૦૦ કરોડ દેવાના છે. આમાં ૬૦૦ કરોડ પાછા ચૂકવી દીધા છે. આવી સ્થિતિમાં તે બેંકોને બીજા ૯૦૦ કરોડ પરત કરવા તૈયાર છે. સુપ્રિમ કોર્ટની બેન્ચે પણ આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.

કોર્ટના નિવેદન પર સીબીઆઈ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે જો આ બિઝનેસમેન પાછા આવવા તૈયાર છે તો એજન્સીને આમાં કોઈ સમસ્યા નથી.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે આ ભાગેડુ વેપારીઓને ત્રણ મોરચે રાહત પર વિચાર કરવો જોઈએ. તેમની સામેના ફોજદારી કેસ પાછા ખેંચવા જોઈએ, તેમને ભારતમાં મુક્તપણે ફરવા દેવા જોઈએ જેથી તેઓ દેશના કોઈપણ ખૂણે નવેસરથી વેપાર કરી શકે. આ સિવાય તેમની સામે કોઈ જબરદસ્તી ન કરવી જોઈએ. જોકે આ નિયમો ત્યારે જ લાગુ થશે જ્યારે તેઓ બેંકોને પૈસા આપવા માટે તૈયાર હશે.