×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2022: સરકાર રૂ. 39.45 લાખ કરોડનો ખર્ચ કરશે ત્યારે જીડીપીમાં રૂ. 25.85 લાખ કરોડ વધશે


અમદાવાદ, તા. 01 ફેબ્રુઆરી, 2022, મંગળવાર 

બજેટ૨૦૨૨-૨૩માં મૂડીખર્ચમાં જંગી વધારાની જાહેરાતને શેરબજાર અને દેશના તજજ્ઞોએ આવકારી છે પણ હકીકતે કુલ ખર્ચમાં સામાન્ય વધારાના કારણે દેશની જીડીપીમાં આગલા વર્ષ કરતા ધીમો સુધારો જોવા મળે એવી શક્યતા છે. કેન્દ્રના ઇકોનોમિક સર્વે અનુસાર ૨૦૨૧-૨૨માં દેશનું અર્થતંત્ર ૯.૨ ટકાના દરે જયારે ૨૦૨૨-૨૩માં ૮ થી ૮.૫ ટકાના દરે વધવાની વાત કરવામાં આવી છે જે પણ સૂચવે છે કે દેશની આર્થિક પ્રવૃત્તિ ધીમી પડવાની છે. મહામારીપછી અર્થતંત્રમાં જોવા મળેલો સુધારો ઠંડો પડવાનો છે.

કેન્દ્ર સરકારે બજેટ ૨૦૨૨-૨૩માં કુલ રૂ.૩૯.૪૪ લાખ કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે જે બજેટ ૨૦૨૧-૨૨ના સુધારેલા અંદાજ કરતા રૂ.૧.૭૫ લાખ કરોડ કે ૪.૬૩ ટકા વધારે છે. નાણામંત્રીએ બજેટમાં મૂડીખર્ચમાં વધારો કરવાની જાહેરાત કરી છે જે આવકાર્ય છે. કારણ કે મૂડી ખર્ચ વધે તો અર્થતંત્રને ફાયદો થાય એવી ઉત્પાદક ચીજો વધે છે અને તેનાથી માત્ર એક જ વર્ષ નહી પણ ભવિષ્યમાં પણ ફાયદો મળે છે. જોકે, ઉંચી મહેસુલી ખાધ અને નાણા ખાધના કારણે દેશમાં મૂડીરોકાણ માટે સરકારના હાથ બંધાયેલા છે.

જોકે, આટલાજંગી ખર્ચ પછી પણ દેશના જીડીપીમાં માત્ર રૂ.૨૮.૮૫ લાખ કરોડની જ વૃદ્ધિ થશે એવું બજેટના દસ્તાવેજો જણાવે છે. બજેટ અનુસાર વર્ષ ૨૦૨૧-૨૨ના અંતે દેશની કકુલ જીડીપી રૂ.૨૩૨.૧૪ લાખ કરોડ અને આવતા વર્ષે એટલે કે માર્ચ ૨૦૨૩ના અંતે જીડીપી વધી રૂ.૨૫૮ લાખ કરોડ થશે. એનો મતલબ થયો કે કેન્દ્ર સરકાર જેટલો ખર્ચ કરી રહી છે તેના કરતા જીડીપીમાં વૃદ્ધિ ઓછી રહેશે.

 

૨૦૨૧-૨૨

૨૦૨૨-૨૩

કેન્દ્ર સરકારના કુલ ખર્ચમાં વૃદ્ધિ રૂ. કરોડ

૨,૬૦,૧૬૪

૧,૭૪,૯૦૯

જીડીપીમાં વધારો રૂ. લાખ કરોડ

૩૫.૦૨

૨૫.૮૬

 

કેન્દ્રનો કુલ ખર્ચ (મૂડી અને મહેસુલ ભેગા મળી) વર્ષ ૨૦૨૧-૨૨ના સુધારેલા અંદાજ અનુસાર આગલા વર્ષ કરતા રૂ.૨.૬૦ લાખ કરોડ વધ્યો હતો અને તેની સામે જીડીપીમાં રૂ.૩૫.૦૨ લાખ કરોડની વૃદ્ધિ આ સમયગાળામાં જોવા મળી હતી. હવે, વર્ષ ૨૦૨૨-૨૩માં કેન્દ્રનો ખર્ચ રૂ.૧,૭૪,૯૦૯ કરોડ જ વધ્યો હોવાથી જીડીપીમાં વૃદ્ધિ પણ આગલા વર્ષ કરતા ઘટી જશે અને  રૂ.૨૫.૮૬ લાખ કરોડ જ રહેશે.

નાણામંત્રીએ બજેટમાં જે જાહેરાત કરી હતી કે મૂડીખર્ચજીડીપીની સામે વધારવામાં આવી રહ્યો છે. બજેટ દસ્તાવેજ અનુસાર આગલા વર્ષ કરતા ૨૦૨૧-૨૨ના સુધારેલા અંદાજમાં મૂડીખર્ચ ૩૭.૨૪ ટકા વધ્યો છે પણ આ સુધારેલા અંદાજ સામે બજેટના ૨૦૨૨-૨૩માં તે માત્ર ૨૪.૪૮ ટકા જ વધ્યો છે. નાણામંત્રીએ સિફતપૂર્વક મૂડીખર્ચ ૩૫.૪ ટકા વધ્યો હોવાની ભાષણમાં જાહેરાત કરી છે જે હકીકતે ૨૦૨૧-૨૨ના સુધારેલા અંદાજ સામે નહી પણ બજેટ અંદાજ સામે સાચી છે.

બીજી તરફ, મૂડીખર્ચ વધારવા માટે કેન્દ્ર સરકારે પોતાના મહેસુલી ખર્ચમાં ધરખમ કાપ મૂક્યો છે. મનરેગા કે જે ગ્રામીણ ભારતમાં રોજગારીની ગેરેંટી આપી લોકોને આજીવિકા આપે છે તેનું બજેટ ઘટાડી નાખવામાં આવ્યું છે અને તેવી જ રીતે પેટ્રોલીયમ, ફૂડ અને ફર્ટીલાઈઝર સબસિડીમાં પણ કાપ મુકવામાં આવ્યો છે. આ દર્શાવે છે કે ઊંચા મૂડીખર્ચ માટે થઇ કેન્દ્ર સરકારે ચાલાકીથી કેટલીક મહત્વની યોજનાઓમાં ખર્ચ ઘટાડ્યો છે.