×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2022-23: કૃષિ ક્ષેત્રમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપશે સરકાર


નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી, 2022, મંગળવાર

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારામણે મંગળવારે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. તેમણે કૃષિ રેલવે સહિત વિભિન્ન ક્ષેત્રો માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. આગામી વર્ષોમાં કેન્દ્ર સરકાર કૃષિ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગ પર ખૂબ જ ફોકસ કરવાની છે. અનેક વર્ષોથી આર્થિક તંગી અને મુશ્કેલીભર્યું જીવન વિતાવી રહેલા કરોડો ખેડૂતો માટે સરકાર અનેક મોરચે કામ કરવાની છે.

નાણા મંત્રી નિર્મલા સીતારામણે ડ્રોન અંગે મહત્વની જાહેરાત કરતાં પોતાના ભાષણમાં કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે, 'પાકનું મૂલ્યાંકન, લેન્ડ રેકોર્ડ્સનું ડિજિટલાઈઝેશન, કીટનાશકો અને પોષકતત્વોના છંટકાવ માટે કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન મળશે.' તે સિવાય સાર્વજનિક ક્ષેત્રના અનુસંધાન અને કૃષિના હિતધારકોની ભાગીદારી સાથે ખેડૂતો માટે પીપીપી મોડમાં યોજના શરૂ કરવામાં આવશે. તેલીબિયાંના ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક યોજના લાગુ થશે. 

તેમણે જણાવ્યું કે, જે ખેડૂતો એગ્રો-ફોરેસ્ટ્રી માટે કામ કરવા માગે છે તેમને નાણાકીય મદદ આપવામાં આવશે. પોલીસિલિકોન માટે ઉચ્ચ દક્ષતાવાળા મોડ્યુલના નિર્માણ માટે પીએલઆઈ માટે 19,500 કરોડ રૂપિયા આપવામાં આવશે. સરકાર સશસ્ત્ર બળોમાં આત્મનિર્ભર ભારત માટે પ્રતિબદ્ધ છે. જ્યારે ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર પાથરવાનું કામ વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. 

કેન-બેતવા પરિયોજનાની શરૂઆત થશે

સામાન્ય બજેટમાં નાણા મંત્રીએ જણાવ્યું કે, 44 હજાર 605 કરોડના અંદાજિત ખર્ચથી કેન બેતવા પરિયોજના લાગુ કરવામાં આવશે. આ યોજનામાં દેશની 9.8 લાખ હેક્ટર કૃષિ ભૂમિમાં સિંચાઈ ઉપલબ્ધ કરાવવા, 62 લાખ લોકોને પીવાનું પાણી પૂરૂ પાડવું વગેરેનો સમાવેશ થાય છે. 

આ પરિયોજનાઓ માટે 2021-22માં 4300 કરોડ રૂપિયા અને 2022-23માં 1400 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા રાજ્ય સરકારો અને એમએસએમઈની ભાગીદારી માટે વ્યાપક પેકેજ રજૂ કરવામાં આવશે.