×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Economic Survey: ભારત મહામારીની આર્થિક અસરોથી સંપૂર્ણ બહાર


- અર્થતંત્રને સરકારી નીતિઓએ બચાવ્યું, હવે ભવિષ્ય માટે દેશ તૈયાર 

અમદાવાદ, તા. 31 જાન્યુઆરી, 2022, સોમવાર

બજેટ 2022-23ની આખરી ઘડીઓ ગણાઈ રહી છે અને સોમવારે રજૂ થયેલા ઇકોનોમિક સર્વે અનુસાર દેશનું અર્થતંત્ર કોરોનાની મહામારીની અસરોથી બહાર આવી ગયું છે. ભારત સરકારે લીધેલા પગલાં, ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહેલો સુધારો દર્શાવે છે કે હવે મહામારીની અસરો પૂર્ણ થઇ અને ઉજ્જવળ ભવિષ્ય ભારતની રાહ જોઈ રહ્યું છે. સર્વેના 415 પાનામાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે અર્થતંત્રને કોઈ રાહતની જરૂર છે, કેન્દ્ર સરકારે અપનાવેલી નીતિઓમાં ફેરફારની જરૂર છે. સરકારે જે માર્ગ અપનાવ્યો છે એ શ્રેષ્ઠ જ છે! 

જો ક્રુડ ઓઈલના ભાવ સરેરાશ 70-75 ડોલર પ્રતિ બેરલ રહે (અત્યારે ભાવ 88-91 ડોલર છે) તો વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 8થી 8.5 ટકા રહેશે એવું સર્વે જણાવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ 9.2 ટકા રહેવાની ધારણા છે એટલે કે આવતા વર્ષે જીડીપી ઘટશે. કેન્દ્ર સરકારની કર અને કર સિવાયની આવકમાં અત્યારે જંગી વૃદ્ધિ જોવા મળી રહી છે એટલે આવતા વર્ષે પણ સરકાર મૂડીરોકાણ ચાલુ રાખી શકે એમ છે એવું સર્વે જણાવે છે. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારના બજેટનું કુલ કદ રૂ. 39 લાખ કરોડ આસપાસ રહે અને બજેટની નાણા ખાધ ઉંચી રહે એવી શક્યતા છે. આ અનુસાર, નાણાકીય વર્ષ 2022-23માં પણ કેન્દ્ર સરકાર રૂ. 13 લાખ કરોડ જેટલું જંગી માર્કેટ બોરોઇંગ કરશે એવી શક્યતા નકારી શકાય નહી. 

ઊંચા ઉર્જાના ભાવથી ભારતને ચિંતા નહી 

ફુગાવા અંગે ભારતે બિલકુલ ચિંતા કરવાની જરૂરી નથી એવું આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે. ગ્રાહક ભાવાંક ડિસેમ્બર મહિનામાં 5.6 ટકા હતો અને જથ્થાબંધ ભાવાંક બે આંકમાં છે પણ તે પાછલા વર્ષની અસર ઘટવાની આપોઆપ ઘટી જશે. “વૈશ્વિક સ્તરે ઊંચા ઊંચા ક્રુડ ઓઈલના ભાવ તથા આયાતી ચીજોના ઊંચા ભાવના કારણે ભારતે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી,” એમ સર્વેમાં જણાવાયું છે. 

સરકારની અનુપમ નીતિઓથી ભારત બચી ગયું

અન્ય દેશોની જેમ ભારત સરકારે મહામારીની અસરથી બચવા માટે એક ચોક્કસ માર્ગ અપનાવવાના બદલે અલગ જ માર્ગ અને નીતિઓ અપનાવી હતી. આ નીતિઓના કારણે ભારત 2021-22 દરમિયાન મહામારીની અસરો દૂર કરી સદ્ધર રીતે 2022-23માં પ્રવેશી રહ્યું છે. સરકારે વંચિતોને સુરક્ષિત કર્યા છે જયારે અન્ય લોકોને ટેકો આપ્યો છે. ભારત સરકારે આવી રહેલા આંકડાઓના આધારે, સંકેત અનુસાર ચોક્કસ પગલાં લઇ અર્થતંત્રને બચાવ્યું છે. 

માંગના બદલે પુરવઠા ઉપર સરકારનું ધ્યાન

મહામારીના સમયમાં માંગ ઘટી રહી ત્યારે ભારત સરકારે પુરવઠો ઉભો થાય એ પ્રકારના પગલાં લીધા હતા. ભારત સરકારે ખાનગીકરણ, રેટ્રોસ્પેકટીવ ટેક્સ, મેન્યુફેક્ચરિંગને ઉત્પાદન કેન્દ્રિત સહાય જેવા પગલાં લઇ પુરવઠાને નડતરરૂપ સમસ્યા હલ કરી છે. ભારત સરકારે મૂડીરોકાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ભવિષ્યના વિકાસનો પાયો નાખ્યો છે અને તેના કારણે ભવિષ્યના પડકારને પહોંચી વળવા દેશ વધારે સક્ષમ બન્યો છે. 

બજેટમાં સીધી રાહતો મળશે નહી

આ વાતનો સીધો અર્થ થયો કે બજેટ 2022-23માં કોઈ સીધી રાહતની અપેક્ષા રાખવી નહી. સીધી રાહત એટલે કે એવી રાહત જેમાં કરમુક્તિ મળે, કરવેરાના દરમાં ધરખમ ઘટાડો થાય કે લોકોની આવક સીધી વધે એવા કોઈ પગલાં લેવાય. સર્વે જણાવે છે કે લોકોની માંગ વધી છે, કંપનીઓના નફા વધ્યા છે અને હવે ટ્રેડ, હોટેલ્સ, ટ્રાવેલ સિવાય કોઈ ક્ષેત્રમાં મહામારીની અસર જણાતી નથી. એટલે બજેટ 2022-23માં જે કોઈ પગલાં લેવામાં આવશે તે પરોક્ષ હશે. એવા પગલાં કે જેનાથી સરકારની તિજોરી ઉપર કોઈ કરબોજ આવે નહી. સરકાર આગામી વર્ષે વધારે દેવું કરી પોતાની મૂડીરોકાણની પ્રક્રિયા ચાલુ રાખશે એટલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, શિક્ષણ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં બજેટમાંથી વધારે રકમની ફાળવણી થશે એ સિવાય બજેટમાં કેટલીક જોગવાઈઓ આવશે જેનાથી સામાન્ય જનને થોડી રાહત મળી હોય એવી છાપ ઉભી થઇ શકે.