×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજપથઃ મોટરસાઈકલ સ્ટંટ વડે સૌને સ્તબ્ધ કરનારા BSFના તમામ મહિલા જવાનના જીવનની એક દુખદ બાજુ પણ છે


- આ મહિલાઓ બીએસએફમાં 150 સદસ્યોવાળી મહિલા ટીમનો હિસ્સો છે જેમને પોતાના પતિ કે પોતાના પિતાના મૃત્યુ બાદ બીએસએફમાં નોકરી આપવામાં આવી છે

નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી, 2022, રવિવાર

આ વર્ષે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસના પ્રસંગે બીએસએફના મહિલા જવાનોએ મોટરસાઈકલ વડે ખૂબ જ આશ્ચર્યજનક સ્ટંટ કર્યા હતા. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનથી લઈને સામાન્ય જનતા પણ આ સ્ટંટની દીવાની બની ગઈ હતી. મહિલા જવાનોએ એટલી કારીગરીથી આ ડેરડેવિલ સ્ટંટ પરફોર્મ કર્યા કે પરેડમાં સામેલ સૌ કોઈ તેને જોતું રહી ગયું હતું. મહિલા જવાનોનું પ્રદર્શન ખૂબ જ અદ્ભૂત હતું પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે જેટલી ખતરનાક રીતે તેમણે આ પરફોર્મન્સ કર્યું તેટલા જ દુખોથી તેમની જીવનગાથા પણ ભરેલી છે. 

હકીકતે આ તમામ મહિલા જવાનના જીવન સાથે એક દુખભરી ગાથા જોડાયેલી છે. આ મહિલાઓએ બીએસએફની ડ્યુટીમાં પોતાના પતિ કે પોતાના પિતાને ગુમાવ્યા છે. ત્યાર બાદ આકરી મહેનતથી અહીં સુધી પહોંચ્યા છે. 38 વર્ષીય સુનીતા બીએસએફમાં સીમા ભવાની ટીમનો હિસ્સો છે. 2016માં બીએસએફમાં કોન્સ્ટેબલ એવા તેમના પતિનું મોત થયું હતું. યુપી એટાની સુનીતાને 3 બાળકો સાથે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પતિના મોતના થોડા દિવસોમાં જ સુનીતાને સમજાઈ ગયું હતું કે, આ દુનિયામાં જે તમારી આજુબાજુ રહે છે તે પણ તમારી મદદ નથી કરી શકતા. 

તમામ મહિલા જવાનોની એક સમાન ગાથા

સુનીતા એ 14 મહિલાઓમાં સામેલ છે જેમણે રાજપથ ખાતે ડેરડેવિલ પરફોર્મ આપ્યું હતું. આ મહિલાઓ બીએસએફમાં 150 સદસ્યોવાળી મહિલા ટીમનો હિસ્સો છે જેમને પોતાના પતિ કે પોતાના પિતાના મૃત્યુ બાદ બીએસએફમાં નોકરી આપવામાં આવી છે. આ કારણે જ તે સૌના દુખની ગાથા લગભગ એકસમાન જ છે. તે સૌએ ડ્યુટી દરમિયાન પોતાના પિતા કે પતિને ગુમાવ્યા છે. આ ટીમમાં 19 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓનો સમાવેશ થાય છે. 

માત્ર 15 દિવસની ટ્રેઈનિંગમાં આવું પરફોર્મન્સ

ચોંકાવનારી વાત એ છે કે, બીએસએફના આ મહિલા જવાનોને મોટરસાઈકલ સ્ટંટ કરવા માટે માત્ર 15 દિવસની ટ્રેઈનિંગ આપવામાં આવી હતી. સુનીતાએ જણાવ્યું કે, 15 દિવસ પહેલાથી તે સવારે 4 વાગ્યે જાગી જતા હતા. ત્યાર બાદ બાળકો માટે જમવાનું બનાવીને તેઓ 6:00 વાગતા સુધીમાં ટ્રેઈનિંગ ગ્રાઉન્ડ પર પહોંચી જતા હતા. તે ખૂબ જ આકરી ટ્રેઈનિંગ હતી પરંતુ ટ્રેઈનર ખૂબ સારા હતા અને તેમણે સૌ જવાનોમાં આત્મવિશ્વાસનું સિંચન કર્યું. 

આ ડેરડેવિલ ટીમમાં ડોલીની ઉંમર સૌથી ઓછી હતી. 19 વર્ષીય ડોલીના પિતાનું 2009માં ઝારખંડ ઈલેક્શન ડ્યુટી દરમિયાન અવસાન થયું હતું. તે વખતે ડોલીની ઉંમર માત્ર 6 વર્ષની હતી. અલીગઢમાં એક નાનકડાં ઘરમાં રહેતા ડોલીના માતાએ ખૂબ જ મહેનતથી પોતાની 4 દીકરીઓનું પાલન કર્યું. ચારેય બહેનોમાં સૌથી મોટી ડોલીએ બીએસસી કર્યા બાદ બીએસએફ જોઈન કર્યું. 

ડોલીના કહેવા પ્રમાણે ટ્રેઈનિંગ શરૂ થઈ ત્યારે શરૂઆતમાં તેને થોડો ડર લાગ્યો હતો પરંતુ 40 વર્ષના મહિલા જવાન પણ તેમાં ભાગ લઈ રહ્યા છે તે જોઈને હિંમત વધી હતી. પરફોર્મન્સ બાદ તે ઘરે ગઈ ત્યારે માતાએ તેમને 'તું મારો સૌથી મોટો દીકરો છે' એમ કહ્યું હતું. 

તક આપવામાં આવે તો દરેક કામમાં આગળઃ BSF DG

ડેરડેવિલ ટીમમાં સામેલ એવા ઝઝ્ઝરના કોન્સ્ટેબલ મંજૂ બાલા પોતાના પતિના અવસાન બાદ 38 વર્ષની ઉંમરે 2019માં બીએસએફમાં સામેલ થયા હતા. એ જ રીતે કોન્સ્ટેબલ જ્યોતિના આશ્ચર્યજનક પ્રદર્શનને અનેક સમાચારપત્રોમાં સ્થાન મળ્યું હતું. ભિવાનીના જ્યોતિ મોટરસાઈકલ સ્ટંટ દરમિયાન બાઈક પર લટક્યા હતા અને તેમને જોઈને લોકોને પરસેવો વળી રહ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે, આ મહિલા જવાનોને માત્ર 15-20 દિવસ પહેલા જ આ આશ્ચર્યજનક કારનામામાં સહભાગી બનવા કહેવામાં આવ્યું હતું. 

બીએસએફના ડીજી પંકજ સિંહે જણાવ્યું કે, તેમને આપણા મહિલા જવાનો પર ગર્વ છે. આ તમામ મહિલાઓની ભરતી તાજેતરમાં જ થઈ છે અને થોડા દિવસો પહેલા જ તેમની ટ્રેઈનિંગ પૂરી થઈ છે. બીએસએફનું માનવું છે કે, જો તક આપવામાં આવે તો આપણી મહિલાઓ દરેક કામ કરી શકે છે. તેઓ આ મહિલાઓના જીવનને નવી દિશા આપવા ઉપરાંત વધુ ઉપલબ્ધિ હાંસલ કરવા માટે તેમને આગળ વધારશે.