×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધીએ કરી ટ્વિટર પર ફોલોઅર્સ ઘટવાની ફરિયાદ, કંપનીએ આપ્યો આવો જવાબ


- તમારા પર આ સુનિશ્ચિત કરવાની મોટી જવાબદારી છે કે, ભારતમાં સત્તાવાદના વિકાસમાં ટ્વિટર સક્રિયરૂપે મદદ ન કરેઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા. 27 જાન્યુઆરી, 2022, ગુરૂવાર

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત મહિને ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને એક પત્ર લખીને અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ લગાવવાનો આરોપ લગાવ્યો હતો. ગત 27 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે, ભારતમાં અભિવ્યક્તિની આઝાદી પર અંકુશ લગાવવામાં ટ્વિટરની અજાણતામાં જ મિલીભગત રહી છે. 

ફોલોઅર્સ ઘટવાની ફરિયાદ

રાહુલ ગાંધીએ પત્રની સાથે એક એનાલિટિકલ રિપોર્ટ પણ મોકલ્યો હતો. તેમાં તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટના ડેટાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસી નેતા શશિ થરૂરના એકાઉન્ટનું વિશ્લેષણ દર્શાવ્યું હતું. 

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, વર્ષ 2021ના પહેલા 7 મહિનામાં તેમના એકાઉન્ટ પર દર મહિને સરેરાશ 4 લાખ ફોલોઅર્સ વધ્યા પરંતુ ઓગષ્ટમાં 8 દિવસના સસ્પેન્શન બાદ આ ગ્રોથ અચાનક અટકી ગયો. જોકે આ સમયગાળા દરમિયાન અન્ય રાજનેતાઓના ફોલોઅર્સની સંખ્યા જળવાઈ રહી. 

ટ્વિટરનો જવાબ

રાહુલ ગાંધીના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા ઘટવા સંબંધીત પત્રના જવાબમાં ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું હતું કે, 'અમે ઈચ્છીએ છીએ કે, સૌ વિશ્વાસ રાખે કે ફોલોઅર્સની સંખ્યા સાર્થક અને સટીક છે. ટ્વિટર પોતાના પ્લેટફોર્મ પર હેરફેર અને સ્પૈમ પ્રત્યે ઝીરો-ટોલરન્સની નીતિ અપનાવે છે.'

પ્રવક્તાએ જણાવ્યું કે, 'ટ્વિટર પ્લેટફોર્મ પર હેરફેર અને સ્પૈમ કરવું અને અમારી નીતિઓના ઉલ્લંઘન મામલે અમે દર સપ્તાહે લાખો એકાઉન્ટ્સ દૂર કરીએ છીએ. વધુ જાણકારી માટે તમે નવીનતમ ટ્વિટર પારદર્શિતા કેન્દ્ર અપડેટ જોઈ શકો છો. અમે સ્પૈમ અને દુર્ભાવનાપૂર્ણ સ્વચાલન વિરૂદ્ધ મોટા પાયે કાર્યવાહી કરી રહ્યા છીએ. સારી સેવા ઉપલબ્ધ કરાવવા અને વિશ્વસનીય ખાતાઓનું સંચાલન સુનિશ્ચિત કરવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે માટે ફોલોઅર્સની સંખ્યામાં ઉતાર-ચઢાવ આવી શકે છે.'

'નિષ્પક્ષ ભાષણ રોકવામાં ટ્વિટરની મિલીભગત'

રાહુલ ગાંધીએ પત્રમાં પરાગ અગ્રવાલને ઉદ્દેશીને લખ્યું હતું કે, 'હું આ મામલે તમારૂં ધ્યાન દોરવા માગું છું કે, મારા મતે ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ભાષણ રોકવામાં ટ્વિટરની અજાણતામાં જ મિલીભગત છે.'

'અવાજ દબાવવા સરકારનું દબાણ'

વધુમાં લખ્યું હતું કે, 'લોકો દ્વારા મને વિશ્વસનીયરૂપે અને વિવેકપૂર્ણ રીતે સૂચિત કરવામાં આવ્યું છે કે, મારો અવાજ ચૂપ કરાવવા માટે સરકાર દ્વારા ટ્વિટર ઈન્ડિયા પર અત્યાધિક દબાણ કરવામાં આવેલું છે. તમારા પર આ સુનિશ્ચિત કરવાની મોટી જવાબદારી છે કે, ભારતમાં સત્તાવાદના વિકાસમાં ટ્વિટર સક્રિયરૂપે મદદ ન કરે.'

રાહુલ ગાંધીનું એકાઉન્ટ 8 દિવસ બંધ

રાહુલ ગાંધી એપ્રિલ 2015થી ટ્વિટરનો ઉપયોગ કરી રહ્યા છે અને હાલ તેમના ફોલોઅર્સની સંખ્યા 19.6 મિલિયન છે. ગત વર્ષે ઓગષ્ટ મહિનામાં તેમનું ટ્વિટર એકાઉન્ટ 8 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમણે એક 9 વર્ષીય બાળકીના માતા-પિતાની તસવીર ટ્વિટ કરી હતી. તે બાળકી સાથે કથિત રીતે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેની હત્યા થઈ હતી. છોકરીના પરિવારનો સહમતિ પત્ર મળ્યા બાદ રાહુલ ગાંધીનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેમણે રાહુલ ગાંધીને વીડિયો પોસ્ટ કરવાની મંજૂરી આપી હતી.