×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UP: ટિકિટ મળ્યા બાદ પણ બ્રેકઅપ, કોંગ્રેસને હરાવવામાં લાગ્યા છે પ્રિયંકા ગાંધીના 'મહોરા'


- અત્યાર સુધીમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા જ પાર્ટી છોડી દીધી

નવી દિલ્હી, તા. 24 જાન્યુઆરી, 2022, સોમવાર

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું રાજકીય સંકટ ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં જે મજબૂત યોદ્ધાઓના સહારે 2022નો ચૂંટણી જંગ જીતવાના સપના જોઈ રહ્યા છે તેઓ તાશના પત્તાની જેમ વિખેરાઈ રહ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણીના પ્રવાહમાં પ્રિયંકા ગાંધીનો 'હાથ' પકડીને આગળ વધવાની જગ્યાએ તેમને અડધા રસ્તે છોડીને અન્ય પક્ષની હોડી પર સવાર થઈ રહ્યા છે. 

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત પહેલા જ તમામ દિગ્ગજ કોંગ્રેસી નેતાઓએ પાર્ટીનો સાથ છોડીને સપા અને ભાજપનો હાથ પકડ્યો અને હવે કોંગ્રેસના એક પછી એક ઉમેદવારો ચૂંટણી મેદાન છોડી રહ્યા છે. પ્રાંતના 3 કોંગ્રેસી નેતાઓએ એવા સમયે પાર્ટી છોડી દીધી જ્યારે તેમને વિધાનસભા ચૂંટણીની ટિકિટ મળી ચુકી હતી. આ કારણે પ્રિયંકા ગાંધી માટે યુપીની ચૂંટણીનો માર્ગ વધારે વિકટ બની રહ્યો છે. તેવામાં કોંગ્રેસની ઉમેદવાર માટેની પસંદગીને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. 

અત્યાર સુધીમાં કોંગ્રેસના 3 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાં ઉતરતા પહેલા જ પાર્ટી છોડી દીધી છે. સૌથી પહેલા રામપુરની ચમરૌઆ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયેલા પૂર્વ ધારાસભ્ય યુસૂફ અલીએ પાર્ટી છોડી દીધી હતી. ત્યાર બાદ રામપુર જિલ્લાની જ સ્વાર-ટાંડા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર જાહેર કરવામાં આવેલા હૈદર અલી ખાન ઉર્ફે હમજા મિયાંએ પાર્ટી છોડી દીધી હતી. તે સિવાય બરેલી કેન્ટ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઘોષિત કરવામાં આવેલા સુપ્રિયા એરને પણ પાર્ટી છોડી દીધી છે. 

પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસની પહેલી યાદીમાં ત્રણેય ઉમેદવારોના નામ સામેલ કર્યા હતા. કોંગ્રેસ છોડનારા ત્રણેય નેતાઓ રૂહેલખંડ વિસ્તારના છે અને પોતપોતાના ક્ષેત્રમાં મજબૂત પકડ ધરાવે છે.