×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને કેન્સલ કર્યા પોતાના લગ્ન, કોરોના પ્રોટોકોલના કારણે લીધો નિર્ણય


- એક લગ્ન બાદ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા ત્યાર બાદ ત્યાં કોમ્યુનિટી સ્પ્રેડનું જોખમ વધ્યું 

નવી દિલ્હી, તા. 23 જાન્યુઆરી, 2022, રવિવાર

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને દેશમાં વધી રહેલા ઓમિક્રોન સંક્રમણને રોકવા માટે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો અંતર્ગત પોતાના લગ્ન કેન્સલ કરી દીધા છે. ન્યૂઝીલેન્ડમાં રવિવાર રાતથી જ આકરા પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોનના કારણે સંક્રમણના કેસ વધી રહ્યા છે. 

ન્યૂઝીલેન્ડમાં રવિવાર રાતથી જ માસ્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. તે સિવાય મેળાવડાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને કોઈ પણ કાર્યક્રમમાં સીમિત સંખ્યામાં જ લોકો સામેલ થઈ શકશે. હકીકતે ન્યૂઝીલેન્ડમાં એક લગ્ન બાદ ઓમિક્રોનના 9 કેસ સામે આવ્યા હતા. ત્યાર બાદ ત્યાં કોમ્યુનિટી સ્પ્રેડનું જોખમ વધ્યું છે.

એક પરિવાર ઓકલેન્ડ ખાતે લગ્ન સમારંભમાં સામેલ થઈને પ્લેનથી સાઉથ આઈલેન્ડ પરત આવ્યો હતો. ત્યાર બાદ પરિવારના સદસ્યો અને ફ્લાઈટ અટેન્ડન્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાદમાં ન્યૂઝીલેન્ડમાં પ્રતિબંધ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.  

તેમણે જણાવ્યું કે, અનેક દેશવાસીઓની સાથે રહીને મેં પણ લગ્ન રદ કરવાનો નિર્ણય કર્યો છે અને આવી પરિસ્થિતિમાં મુકાનારા તમામ લોકો માટે મને ખેદ છે. હજારો દેશવાસીઓથી હું બિલકુલ અલગ નથી જેમને આ મહામારીની વિનાશક અસરોનો સામનો કરવો પડ્યો છે. સૌથી કઠિન વાત એ છે કે, આપણી ગમતી વ્યક્તિ બીમાર હોય ત્યારે આપણે તેમના સાથે પણ નથી રહી શકતા. 

ઉલ્લેખનીય છે કે, જેસિન્ડા પોતાના લોન્ગટાઈમ પાર્ટનર અને ફિશિંગ-શો હોસ્ટ ક્લાર્ક ગેફોર્ડ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે.