×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઇવીએમને સંસદની મંજૂરી નથી, બેલેટ પેપર જ યોગ્ય : સુપ્રીમમાં પીઆઇએલ


- ઇવીએમનો ઉપયોગ ગેરકાયદે હોવાનો સુપ્રીમમાં દાવો

- ગત લોકસભાની ચૂંટણી રદ કરો, વિધાનસભાની ચૂંટણીઓ ઇવીએમથી ન કરવો તેવી પણ માગ, સુપ્રીમ વિચારણા માટે તૈયાર

નવી દિલ્હી : પાંચ રાજ્યોમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીનને લઇને દર ચૂંટણીમાં વિવાદો થતો હોય છે. ત્યારે સુપ્રીમ કોર્ટમાં ઇવીએમના ઉપયોગને પડકારતી જાહેર હિતની અરજી થઇ છે. જેની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ તૈયાર થઇ ગઇ છે. 

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી પીઆઇએલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ઇવીએમથી ચૂંટણી કરાવવાનો નિર્ણય સંસદમાંથી પસાર નથી કરવામાં આવ્યો. જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એન વી રમન્નાએ કહ્યું હતું કે અમે એ ચકાસીશું કે અરજીમાં સુનાવણી કરવાની ક્ષમતા છે કે નહીં. જો તેમ હશે તો કોર્ટ તેના પર સુનાવણી કરશે. 

ઇવીએમથી ચૂંટણી કરાવવાના નિર્ણયને પડકારતી અરજીમાં વકીલ મનોહર લાલ શર્મા દ્વારા દલીલ કરવામાં આવી રહી છે. તેમણે આ અરજીમાં જન પ્રતિનિધિત્વ કાયદાની કલમ ૬૧(એ)ને પડકારતા કહ્યું છે કે ઇવીએમથી ચૂંટણી કરાવવાની સંસદ દ્વારા અનુમતી નથી આપવામાં આવી. તેથી ઇવીએમથી થયેલી અને થનારી ચૂંટણીઓને અટકાવવામાં આવે. જ્યારે હવે જે પણ ચૂંટણીઓ યોજાય તેમાં બેલેટ પેપરનો જ ઉપયોગ કરવામાં આવે તેવી માગ પણ આ અરજીમાં કરાઇ છે. 

વકીલે એવી પણ દલીલ કરી છે કે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ થયો હતો માટે તે ચૂંટણીને પણ રદ કરવામાં આવે. કેમ કે સંસદે ઇવીએમનો ઉપયોગ કરવાની અનુમતી આપી જ નથી. વકીલે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભાની ચૂંટણીઓને પણ ઇવીએમ નહીં બેલેટ પેપરથી કરાવવી જોઇએ. બાદમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે અમે આ અરજીને લઇને વિચાર કરીશું.