×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં કોરોનાના નવા 27 હજાર કેસ : ગડકરી, અમરિંદર પોઝિટિવ


- રાજધાનીમાં કોરોનાથી વધુ 40ના મોત, 1700 પોલીસકર્મીને કોરોના

- મુંબઇમાં નવા 16420 કેસ, એક જ દિવસમાં 40 ટકાનો ઉછાળો : પોઝિટિવિટી રેટ પણ 24 ટકાને પાર

- દર્દીઓને ડિસચાર્જ કરવા અંગે કેન્દ્રની નવી ગાઇડલાઇન, ઓક્સિજનનો સ્ટોક રાખવા રાજ્યોને સુચના

- અત્યાર સુધીમાં 15થી 18 વર્ષની વયના બે કરોડથી વધુ યુવાઓને રસી અપાઇ, વડાપ્રધાન મોદીએ પણ વખાણ કર્યા


નવી દિલ્હી : દેશભરમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. સૌથી ખરાબ સ્થિતિ રાજધાની દિલ્હીની થવા લાગી છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૭૫૬૧ કેસો સામે આવ્યા છે જ્યારે ૪૦ જેટલા દર્દીઓના કોરોનાને કારણે મોત નિપજ્યા છે. દિલ્હીમાં સંક્રમણ દર વધીને ૨૬ ટકાને પાર જતો રહ્યો છે. દિલ્હીની સાથે મંુબઇમાં સ્થિતિ પણ ફરી ખરાબ થવા લાગી છે. મુંબઇમાં નવા કેસોમાં એક જ દિવસમાં ૪૦ ટકાનો ઉછાળો આવ્યો છે. 

મુંબઇમાં કોરોનાના નવા ૧૬૪૨૦થી વધુ કેસો સામે આવ્યા છે. જોકે આ સંખ્યા એક જ દિવસ પહેલા ૧૧ હજાર જેટલી હતી. બીએમસીના આંકડા અનુસાર મુંબઇમાં પોઝિટિવિટી રેટ દિલ્હી જેટલો જ ૨૪.૩૮ ટકા નોંધાયો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે દર્દીઓને ડિસચાર્જ કરવાની નીતિમાં ફેરફાર કર્યા છે. આ ફેરફારો પીએમ મોદી દ્વારા સમિક્ષા બેઠક યોજ્યા બાદ કરવામાં આવ્યા હતા. 

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઇરસના મામલાઓને સામાન્ય અને મધ્ય કેટેગરીમાં વહેચી દીધા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે આ કેટેગરી અંગે જણાવતા કહ્યું હતું કે મધ્યમ મામલાઓમાં જો લક્ષણોનું નિરાકરણ થઇ શકે તેમ હોય અને દર્દીનું ઓક્સિજન લેવલ ત્રણ દિવસ સુધી ૯૩ ટકાથી વધુ જોવા મળે અને તે પણ ઓક્સિજન સપોર્ટ વગર તો દર્દીને રજા મળી શકે છે. જ્યારે સામાન્ય કેસોમાં દર્દીઓને તેના ટેસ્ટિંગના સાત દિવસો બાદ સ્વાસ્થ્ય સ્થિર રહે તો તેને હોસ્પિટલમાંથી રજા આપી શકાશે. આવા કેસોમાં ડિસચાર્જ પહેલા ફરી ટેસ્ટ કરાવવાની જરુર પણ નહીં રહે. 

દિલ્હીમાં સ્થિતિ વધુ ખરાબ થવા લાગી છે. દિલ્હીમાં પહેલી જાન્યુઆરીથી અત્યાર સુધી ૧૭૦૦ જેટલા પોલીસકર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે તેમને ક્વોરન્ટાઇન કરાયા છે અને તેમનું સ્વાસ્થ્ય ઠીક હોવાનું રાજ્ય સરકારે કહ્યું હતું. દેશમાં એક્ટિવ કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. હાલ એક્ટિવ કેસ છેલ્લા ૨૧૧ દિવસમાં સૌથી ટોચ પર છે. દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને સાડા નવ લાખને પાર પહોંચી છે. દિલ્હી અને મહારાષ્ટ્રની સાથે કેરળની સ્થિતિ  સ્ફોટક બની રહી છે. 

કેરળમાં કોરોનાના નવા ૧૨૭૪૨ કેસો સામે આવ્યા છે જ્યારે ઓડિશામાં ૮૭૭૮ કેસો નોંધાયા છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેમને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.  કેન્દ્ર સરકારે રાજ્યોને ઓક્સિજનનો સ્ટોક રાખવાની સલાહ આપી છે. કેસો વધી રહ્યા હોવાથી હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા પણ વધવા લાગી છે જેને પગલે આ સલાહ રાજ્યોને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાઓએ વધુ પ્રમાણમાં કોરોનાની રસી લીધી હોવાથી તેમના વખાણ કર્યા હતા. મોદીએ આંકડા જાહેર કરતા કહ્યું હતું કે ૧૫થી ૧૮ વર્ષના બે કરોડથી વધુ યુવાઓએ રસી લીધી છે.