×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

MP: સેક્સ રેકેટ મામલે રાજકીય હંગામો, 3 આરોપીઓનું BJP સાથે કનેક્શન, ફોટોના કારણે મંત્રી પર નિશાન


- ઈન્દોર સ્પા સેન્ટર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી થાઈલેન્ડની 7 યુવતીઓમાંથી 4એ જેન્ડર ચેન્જ કરાવ્યું હતું

નવી દિલ્હી, તા. 09 જાન્યુઆરી, 2022, રવિવાર

મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે ક્રાઈમ બ્રાન્ચ અને મહિલા પોલીસે તાજેતરમાં જ સંયુક્ત કાર્યવાહી અંતર્ગત એક હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટનો ભાંડો ફોડ્યો હતો. આ દરમિયાન 10 યુવતીઓ અને 8 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે આ કેસ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે. 

હકીકતે મધ્ય પ્રદેશ કોંગ્રેસ દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે, ઈન્દોરના સેક્સ રેકેટ ભાંડાફોડમાં ઝડપાયેલા લોકોમાં ભાજપની યુવાશાખાના 3 પદાધિકારીઓ પણ સામેલ છે. એટલું જ નહીં, કોંગ્રેસી પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ ધરપકડ કરવામાં આવી છે તે યુવાનોનો મંત્રી સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કરીને 3 આરોપીઓ મંત્રી સાથે નજીકના સંબંધો ધરાવતા હોવાનો દાવો કર્યો છે. 

એમપી કોંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ દાવો કર્યો છે કે, ધરપકડ કરવામાં આવેલા યુવાનોમાંથી 3 ભારતીય જનતા યુવા મોરચા (ભાજયુમો)ના નેતા હતા. એટલું જ નહીં, તેમણે એવો દાવો પણ કર્યો છે કે, આરોપી એમપીના વનમંત્રી વિજય શાહ સાથે નજીકના સંબંધો ધરાવે છે જે ખંડવાના રહેવાસી છે. 

વનમંત્રીએ કહ્યું- કાયદો પોતાનું કામ કરે

એજન્સીના અહેવાલ પ્રમાણે વનમંત્રી વિજય શાહે કહ્યું હતું કે, અમે લોકો જ્યારે સાર્વજનિક જીવનમાં કામ કરીએ છીએ ત્યારે કોઈ ફોટો લે તો અમે ના નથી પાડી શકતા. જો તે લોકોએ ખોટું કામ કર્યું છે તો કાયદો પોતાનું કામ કરે, અમે એને બચાવવા નથી જઈ રહ્યા. રાજકીય સંબંધ હોવાના કારણે કોઈ અંગત નથી બની જતું. રાજકીય સંબંધો પોતાની જગ્યાએ હોય છે અને વ્યક્તિગત સંબંધો પોતાની જગ્યાએ. 

કોઈની સાથે સેલ્ફી લેવી ગુનો નથી

વિજય શાહે જણાવ્યું કે, મંત્રી અને ધારાસભ્ય સાથે કોઈની સેલ્ફી હોય, કોઈની સાથે ગાડીમાં બેઠા હોય, કોઈ કાર્યક્રમમાં એકસાથે હોય તે ગુનો નથી. ખોટું કામ કર્યું હોય તો કાયદો પોતાનું કામ કરે. 

ભાજપના પ્રવક્તાએ કહ્યું હકાલપટ્ટી થશે

આ તરફ ભાજપના પ્રવક્તા ઉમેશ શર્માએ કહ્યું કે, પાર્ટીનું ખંડવા જિલ્લા એકમ આ કેસ જોઈ રહ્યું છે. જો પોલીસ કાર્યવાહીમાં ધરપકડ કરવામાં આવેલા 3 આરોપીઓ ભાજયુમોના પદાધિકારીઓ હશે તો હકાલપટ્ટી જેવી કાર્યવાહી અમલમાં મુકાશે. 

પોલીસે 18 યુવક-યુવતીઓને પકડેલા

પોલીસે ગુરૂવારે ઈન્દોરના વિજયનગર સ્થિત એક સ્પા સેન્ટરમાં દરોડો પાડીને સેક્સ રેકેટ પકડ્યું હતું. તેમાં ઈન્દોર અને થાઈલેન્ડની 10 યુવતીઓ સાથે 8 યુવાનો ઝડપમાં આવ્યા હતા. તેમાં 3 યુવાનો ખંડવાના છે જે ભાજપના ખાલવા મંડળમાં યુવા મોરચાના પદાધિકારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

જેન્ડર ચેન્જ કરાવ્યા બાદ આ ધંધામાં જોડાઈ 4 યુવતીઓ

ઈન્દોર સ્પા સેન્ટર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી થાઈલેન્ડની 7 યુવતીઓમાંથી 4એ જેન્ડર ચેન્જ કરાવ્યું હતું. પોલીસને પાસપોર્ટ દ્વારા આ વાતની જાણકારી મળી છે. તેમના પાસપોર્ટમાં મેલ (પુરૂષ) લખેલું છે.