×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આજે ગુરૂ ગોવિંદસિંહની જયંતી, 5 વસ્તુઓને બનાવી શીખોની શાન, આપી આ મોટી સમજણ


- તેમના દરબારમાં હંમેશા 52 કવિઓ અને લેખકોની ઉપસ્થિતિ રહેતી જેથી તેઓ 'સંત સિપાહી' પણ કહેવાતા હતા

નવી દિલ્હી, તા. 09 જાન્યુઆરી, 2022, રવિવાર 

શીખોના 10મા ગુરૂ ગોવિંદસિંહજીની આજે જયંતી છે. તેમનો જન્મ પટનાસાહિબ ખાતે થયો હતો. તેમના પિતા શીખોના 9મા ગુરૂ તેગબહાદુર હતા. ગુરૂ ગોવિંદસિંહે 1699માં ખાલસા પંથની સ્થાપના કરી હતી અને તેમણે જ ગુરૂ ગ્રંથ સાહિબને શીખોના ગુરૂ તરીકે ઘોષિત કર્યો હતો. એવું કહેવાય છે કે, તેમણે પોતાનું સમગ્ર જીવન લોકોની સેવામાં અને સત્યના માર્ગે ચાલવામાં વીતાવી દીધું હતું. 

5 વસ્તુઓને બનાવી શીખોની શાન

ગુરૂ ગોવિંદસિંહે ખાલસા પંથની રક્ષા કરવા માટે અનેક વખત મુગલોનો સામનો કર્યો હતો. શીખો માટે 5 વસ્તુઓ- કેશ, કડું, કિરપાણ, કંગી અને કચ્છો ધારણ કરવાનો આદેશ ગુરૂ ગોવિંદસિંહે જ આપ્યો હતો. આ 5 વસ્તુઓ 'પાંચ કકાર' તરીકે ઓળખાય છે અને તેને ધારણ કરવી તમામ શીખો માટે અનિવાર્ય છે. ગુરૂ ગોવિંદ સિંહ જ્ઞાન, સૈન્ય ક્ષમતા વગેરે માટે પ્રખ્યાત છે. 

ગુરૂ ગોવિંદસિંહ સંસ્કૃત, ફારસી, પંજાબી અને અરબી ભાષાઓ શીખ્યા હતા. આ સાથે જ તેઓ ધનુષ-બાણ, તલવાર, ભાલો ચલાવવાની કળા પણ શીખ્યા હતા. ગુરૂ ગોવિંદસિંહ એક લેખક પણ હતા અને તેમણે પોતે જ અનેક ગ્રંથોની રચના પણ કરી હતી. તેઓ વિદ્વાનોના સંરક્ષક ગણાતા હતા. એવું કહેવાય છે કે, તેમના દરબારમાં હંમેશા 52 કવિઓ અને લેખકોની ઉપસ્થિતિ રહેતી હતી. આ કારણે જ તેઓ 'સંત સિપાહી' પણ કહેવાતા હતા.  

ગુરૂ ગોવિંદસિંહે આપી આ સમજણ

ગુરૂ ગોવિંદસિંહે કહ્યું હતું કે, ધરમ દી કિરત કરની એટલે કે, પોતાનું જીવન ઈમાનદારીપૂર્વક કામ કરીને વિતાવવું. કોઈનું અહિત ન કરવું. પોતાની કમાણીનો 10મો હિસ્સો દાનમાં આપવો અને ગુરૂબાણી કંઠસ્થ કરી લેવી. કામમાં ખૂબ મહેનત કરવી અને જરા પણ ઉણપ ન રાખવી. પોતાની જવાની, જાતિ અને કુળ, ધર્મને લઈ ઘમંડ ન કરવો. દુશ્મન સામે બાખડતાં પહેલા સામ, દામ, દંડ, ભેદનો સહારો લઈ જોવો અને અંતમાં આમને-સામને ઉતરવું. પોતાની જાતને સુરક્ષિત રાખવા શારીરિક સૌષ્ઠવ, હથિયાર ચલાવવાની અને ઘોડેસવારીની પ્રેક્ટિસ જરૂરથી કરવી. આજના સંદર્ભે નિયમિત વ્યાયામ જરૂર કરવો.