×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તિહાડમાં તાંડવઃ 5 કેદીઓએ પોતાની જાતને ઘાયલ કરી, એક કેદી મોબાઈલ ગળી ગયો


- કોરોનાના કારણે અને કેદીઓ એકબીજા પર હુમલો કરતા હોવાના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ આકરી બનાવાઈ

નવી દિલ્હી, તા. 07 જાન્યુઆરી, 2022, શુક્રવાર

તિહાડ જેલ નંબર 3ના 5 કેદીઓએ બેરેકમાં માથા ભટકાડીને પોતાની જાતને જ ઈજા પહોંચાડી છે. જેલના કર્મચારીઓએ સીસીટીવી કેમેરામાં તેમની આ હરકત જોયા બાદ ત્યાં જઈને તેમનો જીવ બચાવ્યો હતો. જેલ પ્રશાસનના કહેવા પ્રમાણે જેલમાં વારંવાર કેદીઓ એકબીજા પર હુમલા કરતાં હોવાથી આકરૂં વલણ અપનાવાઈ રહ્યું છે જેથી પરેશાન થઈને કેદીઓએ પોતાની જાતને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ તે સૌ કેદીઓની જેલ હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી. જેલના ડીજી સંદીપ ગોયલે જણાવ્યું કે, કેદીઓએ પોતાની જાતને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે.  

જેલના અધિકારીઓના કહેવા પ્રમાણે આ ઘટના મંગળવારે બની હતી. જેલ નંબર-3માં કેદ 5 કેદીઓએ અચાનક જ હંગામો શરૂ કરી દીધો હતો. તેઓ બેરેકમાં લગાવાયેલી લોખંડની પાઈપ સાથે પોતાનું માથું ભટકાડવા લાગ્યા હતા. જેલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તેમની હાલત જોઈને જેલના કર્મચારીઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને પાંચેયને બહાર કાઢ્યા હતા. 

તપાસ દરમિયાન કેદી મોબાઈલ ગળી ગયો

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાંથી તિહાડ જેલ નંબર-1ના એક કેદીને સારવાર માટે દાખલ કરાવાયો હોવાની સૂચના મળી હતી. તે કેદીનું નામ સંતોષ છે. પોલીસના કહેવા પ્રમાણે તપાસ દરમિયાન વોર્ડરે સંતોષ નામના એક કેદી પાસે નાનો ફોન જોયો હતો. વોર્ડરના કહેવાથી જેલના કર્મચારીઓ મોબાઈલ જપ્ત કરવા માટે કેદીની નજીક પહોંચ્યા હતા પરંતુ પકડાઈ જવાના ડરથી સંતોષ તે મોબાઈલ ગળી ગયો હતો. આ કારણે તેની તબિયત બગડવા લાગી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાવવો પડ્યો હતો.