×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોના વકર્યો : મહારાષ્ટ્રમાં નવા 26,000, બંગાળમાં 14,000, દિલ્હીમાં 10,000 કેસ


- દેશભરમાં એક દિવસમાં કોરોનાના નવા 70 હજારથી વધુ કેસ

- રાજસ્થાનમાં ઓમિક્રોનથી દેશનું પ્રથમ મોત, દેશમાં ઓમિક્રોનના કેસ વધીને 2135ને પાર પહોંચ્યા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાઇરસના કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં નવા ૭૦ હજારથી વધુ કેસો સામે આવ્યા છે. જેમાં નવા ૨૬૦૦૦ કેસો સાથે મહારાષ્ટ્ર પ્રથમ, ૧૪૦૦૦ સાથે પ. બંગાળ બીજા ક્રમે છે. જ્યારે રાજધાની દિલ્હીમાં પણ નવા ૧૦ હજારથી વધુ કેસો સામે આવ્યા છે. ઓમિક્રોન વેરીઅન્ટના કેસો પણ વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને ૨૧૩૫ને પાર પહોંચી ગઇ છે.

ઓમિક્રોન વેરિઅન્ટ હાલ દેશભરના ૨૪ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાઇ ગયો છે. જોકે દેશમાં અત્યાર સુધી કોઇનું ઓમિક્રોનને કારણે મોત નહોતુ થયું પણ રાજસ્થાનમાં ઓમિક્રોનના કારણે મૃત્યુ થયાનો દેશનો પ્રથમ કેસ સામે આવ્યો છે. ગયા સપ્તાહે ઉદયપુરમાં એક ૭૩ વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જેનો કોરોના રિપોર્ટ હાલ આવ્યો છે અને તેને ઓમિક્રોન વેરિઅન્ટ હોવાનું સાબિત થયું છે. તેથી દેશમાં હવે ઓમિક્રોનને કારણે મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે. 

દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોરોનાના કેસો વધ્યા છે. ગુવાહાટીની આઇઆઇટીમાં ૬૦ વિદ્યાર્થીઓ અને સ્ટાફનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે આખી શૈક્ષણિક સંસ્થાને જ કન્ટેન્મેન્ટ ઝોનમાં ફેરવી નાખવામાં આવી છે અને દરેક વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. ઓમિક્રોન કેસોમાં મહારાષ્ટ્ર ટોચના સ્થાને છે. મહારાષ્ટ્ર બાદ દિલ્હી અને કેરળમાં પણ ઓમિક્રોનના નવા કેસો દેશના અન્ય રાજ્યો કરતા બમણા સામે આવ્યા છે. 

રાજધાની દિલ્હીમાં સ્થિતિ કથળી રહી છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈને કહ્યું હતું કે કોરોના મહામારીની ત્રીજી લહેર દિલ્હીમાં આવી ગઇ છે. દેશમાં એક્ટિવ કેસોમાં પણ મોટો ઉછાળો આવ્યો છે અને એક સમયે જે એક્ટિવ કેસ એક લાખની નીચે હતા તે હવે ગણતરીના દિવસોમાં જ બે લાખને પાર પહોંચી ગયા છે.  દરમિયાન કોરોનાને કારણે દેશભરમાં વધુ ૫૩૪ લોકોના મોત નિપજ્યા છે જેમાં ૪૫૩ કેરળ, અને ૨૦ મહારાષ્ટ્રના છે. એટલે કે દેશભરમાં કોરોનાને કારણે સૌથી વધુ મોત કેરળમાં થઇ રહ્યા છે.