×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એરપોર્ટ જીવતો પહોંચ્યો, પંજાબના સીએમનો આભાર : નરેન્દ્ર મોદી




- પંજાબમાં ખેડૂતો દ્વારા પીએમનો વિરોધ, ફ્લાયઓવર પર કાફલો 20 મિનિટ ફસાયો : અંતે રેલી રદ 

- મોદી પંજાબના ફિરોઝાબાદથી ભાજપના પ્રચારનો પ્રારંભ કરવા જવાના હતા એરપોર્ટ પહોંચ્યા બાદ પીએમ મોદી પંજાબના અધિકારીઓ પર ભડક્યા

- પીએમ મોદીની સુરક્ષામાં મોટી ખામી, પંજાબ પોલીસે પ્રદર્શનકારીઓને કાફલા સુધી આવવા જ કેમ દીધા? : ભાજપ

- પંજાબના મુખ્યમંત્રીએ ફોન જ નહોતો ઉઠાવ્યો : નડ્ડા

ભટિંડા : પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાએ ભારે વિરોધનો સામનો કરવો પડયો હતો. પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી યોજાવાની હતી, જેનાથી વડાપ્રધાન મોદી પંજાબમાં ભાજપના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવાના હતા. જોકે મોદીનો કાફલો ફિરોઝપુર પહોંચે તે પહેલા જ ભારે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોનો સામનો કરવો પડયો હતો. રસ્તામાં આવેલા એક ફ્લાયઓવર પર પીએમ મોદીના કાફલાને ખેડૂતોએ રોકી લીધો હતો. જેને પગલે ૨૦ મિનિટ સુધી મોદીનો કાફલો અટકી પડયો હતો. બાદમાં પીએમ મોદીની આ રેલીને રદ કરી દેવી પડી હતી. બીજી તરફ પીએમ મોદીએ પંજાબના અધિકારીઓને કહ્યું હતું કે હું એરપોર્ટ જીવતો પહોંચ્યો તે બદલ મુખ્યમંત્રીને આભાર વ્યક્ત કરજો.

બીજી તરફ મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણા જ નારાજ છે. તેમણે પંજાબના મુખ્યમંત્રી ચન્ની પર નિશાન સાધતા પંજાબના અધિકારીઓને કહ્યું હતું કે તમારા સીએમનો આભાર માનજો કે હું ભટીંડા એરપોર્ટ પર જીવતો પહોંચી શક્યો. જોકે પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ફિરોઝપુરમાં રેલીને સંબોધવાના હતા ત્યાં સવારથી જ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા. એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે આ અંગેની જાણકારી એજન્સીઓ સુધી કેમ ન પહોંચી અને પીએમ મોદીની સુરક્ષામાં મોટી ભુલ થઇ ગઇ હોવાના દાવા થઇ રહ્યા છે. 

ગૃહ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના ભટિંડા પહોંચી ગયા હતા. જ્યાંથી તેઓએ બાદમાં હેલિકોપ્ટરના માધ્યમથી હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાનું હતું. જોકે વરસાદ અને ઓછા પ્રકાશને કારણે પીએમ મોદીએ ૨૦ મિનિટ સુધી રાહ જોવી પડી હતી. જોકે આકાશ સાફ ન હોવાથી હેલિકોપ્ટરના બદલે પીએમ મોદીએ કારમાં જ જવાનું પસંદ કર્યું હતું. જેમાં આશરે બે કલાકનો સમય લાગ્યો હતો. એવા અહેવાલો છે કે જ્યારે પીએમ મોદીનો કાફલો રાષ્ટ્રીય શહીદ સ્મારકથી ૩૦ કિમી દુર હતો ત્યારે એક ફ્લાયઓવર વચ્ચે આવ્યો હતો. જેને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ રોકી રાખ્યો હતો. જેથી આ ફ્લાયઓવર પર મોદીનો કાફલો ૧૫થી ૨૦ મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. જેને પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક થઇ હોવાનું ગૃહ મંત્રાલયે પણ માન્યું હતું. 

બીજી તરફ ભાજપે સુરક્ષામાં ખામી રહી ગઇ હોવાનો આરોપ પંજાબની કોંગ્રેસ સરકાર પર લગાવ્યો હતો. ભાજપના મંત્રી સ્મૃતિ ઇરાનીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે પંજાબમાં કોંગ્રેસના ખુની ઇરાદા નિષ્ફળ રહ્યા હતા. જે લોકો વડાપ્રધાન મોદીને નફરત કરે છે તેઓ પીએમની સુરક્ષાને કેવી રીતે ભંગ કરી શકાય તે દિશામાં જ સક્રિય થઇ ગયા છે. પંજાબ પોલીસે આશ્વાસન આપ્યું હતું કે પીએમના કાફલાને રસ્તામાં કોઇ અવરોધ નહીં નડે, જોકે આ એક પ્રકારનું જુઠ હતું. જે લોકોએ પીએમની સુરક્ષાને ભંગ કરી તેને પીએમની ગાડી સુધી કેવી રીતે પહોંચવા દેવાયા? જ્યારે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે સુરક્ષાને લઇને પંજાબના મુખ્યમંત્રીને ફોન કરવામાં આવ્યો હતો પણ તેઓએ ફોન જ નહોતો ઉઠાવ્યો. કોંગ્રેસ પંજાબમાં મોદીની રેલીમાં અવરોધો ઉભા કરવા માગે છે.  

મોદીની રેલીમાં ખુરશીઓ ખાલી રહેતા ભાજપે સુરક્ષા પર ઢોળ્યું : કોંગ્રેસ

પંજાબમાં પીએમ મોદીનો કાફલો વિરોધને પગલે ૨૦ મિનિટ ફસાયેલો રહ્યો હતો, જોકે ભાજપે દાવો કર્યો હતો કે પીએમ મોદીની સુરક્ષામાં પંજાબ પોલીસે મોટી ખામી રાખી હતી. 

જેનો વળતો જવાબ આપતા કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોદી જે રેલી માટે જઇ રહ્યા હતા તેમાં ભીડ જ ભાજપ એકઠી નહોતી કરી શક્યું. ખુરશીઓ ખાલી રહી હતી જેને પગલે દોષનો ટોપલો સુરક્ષા પર ઢોળવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પીએમ મોદીએ પદની ગરીમા જાળવવી જોઇએ અને ખેડૂતોના વિરોધ અંગે આત્મમંથન કરવું જોઇએ. રોડ માર્ગે જવાનો નિર્ણય અગાઉથી જ નક્કી નહોતો, ખુદ મોદીએ રોડ માર્ગેથી જવાનું નક્કી કર્યું હતું.

પીએમ મોદીનો અભેદ્ય સુરક્ષા કાફલો કેવી રીતે પ્રવાસ કરે છે 

દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા સૌથી સુરક્ષીત હોય છે. જેની જવાબદારી એસપીજીને સોપવામાં આવેલી છે. એસપીજી ઓપરેશન્સ, ટ્રેનિંગ, ઇંટેલિજંસ અને ટૂર્સ તેમ જ એડમિનિસ્ટ્રેશન એમ ચાર રીતે કામ કરે છે. પીએમ મોદી બુલેટપ્રુફ રેંજ રોવર, મર્સડીઝ અને બીએમડબલ્યુ ૭૬૦એલઆઇમાં સફર કરે છે. હાલમાં જ મોદીના કાફલામાં મર્સડીઝની લિમોજિનને સામેલ કરાઇ હતી. મોદીની કારની સાથે તેના જેવી જ બે ડમી કાર પણ ચાલે છે. સાથે જ જામર પણ સાથે હોય છે જેમાં એન્ટીના લાગેલા હોય છે. 

જેમાં રોડ પર ૧૦૦ મીટર દુર પર કોઇ વિસ્ફોટ છુપાવ્યો હોય તો તેની જાણકારી મળી જાય છે. પીએમના કાફલાની આગળ જે તે રાજ્યની પોલીસની ગાડીઓ ચાલે છે. સ્થાનિક પોલીસ જ એસપીજીને આગળના રસ્તા અંગે જાણકારી આપતી હોય છે. કાફલાને જવા માટે હંમેશા બે વૈકલ્પીક રસ્તા અગાઉથી જ નક્કી કરાયા હોય છે. આટલી સુરક્ષા હોવા છતા પીએમ મોદીનો કાફલો પંજાબના એક ફ્લાયઓવર પર ૨૦ મિનિટ સુધી અટવાયો હતો.