×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આ બેંકે ગ્રાહકોને આપી ભેટ, 5 લાખ રૂપિયા સુધીના IMPS ટ્રાન્સફર પર નહીં લાગે ચાર્જ


- એસબીઆઈ IMPS ઉપરાંત નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ કે યોનો દ્વારા RTGS અને NEFT ટ્રાન્સફર પર પણ કોઈ ચાર્જ નથી લેતી

નવી દિલ્હી, તા. 05 જાન્યુઆરી, 2022, બુધવાર

દેશની સૌથી મોટી બેંક SBIએ ગ્રાહકોને નવા વર્ષની ભેટ આપી છે. હવેથી નેટ બેન્કિંગ કે મોબાઈલ બેન્કિંગ દ્વારા 5 લાખ રૂપિયા સુધીના IMPS ટ્રાન્સફર પર ચાર્જ નહીં લાગે. જોકે બ્રાન્ચથી IMPS ટ્રાન્સફર ચાર્જ વગર નહીં થઈ શકે. 

બ્રાન્ચથી IMPS ટ્રાન્સફર પર આપવો પડશે ચાર્જ

એસબીઆઈના નિવેદન પ્રમાણે બ્રાન્ચ પર જઈને IMPS દ્વારા 2 લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર પર પહેલેથી લાગી રહેલા ચાર્જ જળવાઈ રહેશે. બેંકે જણાવ્યું કે, બ્રાન્ચ પરથી 2 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીના IMPS ટ્રાન્સફર પર 20 રૂપિયા ઉપરાંત જીએસટી ચાર્જ આપવો પડશે. તે 01 ફેબ્રુઆરી, 2022થી લાગુ થશે. મોબાઈલ બેન્કિંગ, ઈન્ટરનેટ બેન્કિંગ કે યોનો એપ દ્વારા 5 લાખ સુધીના IMPS ટ્રાન્સફર પર બેંક કોઈ જ ચાર્જ નહીં લે. 

બ્રાન્ચથી ટ્રાન્સફર પર લાગે છે આટલો ચાર્જ

SBI બ્રાન્ચ પરથી 1 હજાર રૂપિયા સુધીના IMPS ટ્રાન્સફરનો કોઈ જ ચાર્જ નથી લેતી. જ્યારે 1 હજાર રૂપિયાથી લઈને 10 હજાર રૂપિયા સુધીની ટ્રાન્સફર પર 2 રૂપિયા પ્લસ જીએસટી, 10 હજાર રૂપિયાથી 1 લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર પર 4 રૂપિયા પ્લસ જીએસટી અને 1 લાખ રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની ટ્રાન્સફર પર 12 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ વસૂલવામાં આવે છે. 

RBIએ ઓક્ટોબરમાં વધારી લિમિટ

IMPS પૈસા ટ્રાન્સફર કરવાની સરળ પદ્ધતિઓમાંથી એક છે. તે રવિવાર ઉપરાંત અવકાશના તમામ દિવસોમાં પણ 24 કલાક ઉપલબ્ધ રહે છે. રિઝર્વ બેંકે તાજેતરમાં જ IMPS ટ્રાન્સફર લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયાની કરી હતી. RBIએ આ ફેરફાર ઓક્ટોબર 2021માં કર્યો હતો. ત્યાર બાદ તમામ બેંકોને 2 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાના નવા સ્લેબ માટે ચાર્જ નિર્ધારિત કરવાની જરૂર પડી હતી. 

ડિજિટલ બેન્કિંગમાં RTGS અને NEFT ટ્રાન્સફર પર પણ કોઈ જ ચાર્જ નહીં

એસબીઆઈ IMPS ઉપરાંત નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ કે યોનો દ્વારા RTGS અને NEFT ટ્રાન્સફર પર પણ કોઈ ચાર્જ નથી લેતી. જોકે બ્રાન્ચ પરથી RTGS અને NEFT ટ્રાન્સફર ફ્રી નથી. RTGS ટ્રાન્સફર મામલે 2 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા માટે 20 રૂપિયા પ્લસ જીએસટી અને 5 લાખ રૂપિયાથી વધારેના ટ્રાન્સફર માટે 40 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ લેવામાં આવે છે. NEFT ટ્રાન્સફર મામલે આ ચાર્જ 2 રૂપિયાથી લઈને 20 રૂપિયા પ્લસ જીએસટી વચ્ચેનો છે.