×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકામાં કોરોનાના રેકોર્ડબ્રેક નવા 3.12 લાખ કેસ :વધુ 1800નાં મોત


- સમગ્ર વિશ્વમાં એક જ સપ્તાહમાં કોરોનાના 50 લાખ કેસ નોંધાયા

- અમેરિકામાં કોરોનાના કુલ કેસનો આંકડો 5.4 કરોડને વટાવી ગયો અને મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને 8,42,000 પર પહોંચી ગઈ

- અમેરિકામાં કેલિફોર્નિયામાં 50 લાખ કરતાં વધુ કેસ, ટેક્સાસમાં 44 લાખ, ફ્લોરિડામાં 39 લાખ અને ન્યૂયોર્કમાં 33 લાખ કેસ

વોશિંગ્ટન : અમેરિકામાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. અમેરિકામાં કોરોનાના એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ ૩,૧૨,૦૦૦ કેસ આવ્યા છે. કોરોના ૨૦૨૦માં આવ્યો તેના પછી અમેરિકામાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં આવેલો આ સૌથી મોટો ઉછાળો છે. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસનો આંકડો ૫.૪ કરોડને વટાવી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૭૬૨ દર્દીઓ  કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આમ અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો આંકડો ૮,૪૨,૦૦૦ પર પહોંચી ગયો છે. 

અમેરિકામાં કોરોનાના એક્ટિવ કેસ ૧,૧૯,૮૧,૨૭૩ છે અને ૪,૧૩,૨૫,૧૧૦ લોકો તેમાથી સાજા થયા છે. આ પહેલા અમેરિકામાં આ વર્ષે ૮મી જાન્યુઆરીના રોજ એક જ દિવસમાં ૨,૯૪,૦૧૫ કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો હતો. અમેરિકામાં કેલિફોર્નિયા અને ન્યૂયોર્કમાં કોરોનાના કેસોમાં સૌથી વધુ ઉછાળો નોંધાયો છે. કેલિફોર્નિયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૬,૦૦૦થી પણ વધારે કેસ નોંધાયા છે. ન્યૂયોર્કમાં પણ દૈનિક કેસોની સંખ્યા ચિંતાજનક સ્તરે વધી છે. ચાર કરોડની વસ્તી ધરાવતા કેલિફોર્નિયામાં કોરોનાનો પહેલો કેસ ૨૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ નોંધાયો હતો. તે વર્ષે નવેમ્બરમાં કેલિફોર્નિયામાં કોરોનાએ દસ લાખ કેસનો આંકડો પસાર કર્યો હતો. જ્યારે વીસ લાખ કેસ થવામાં ફક્ત ૪૪ દિવસ લાગ્યા હતા. ચાર કરોડથી વધુ વસતી ધરાવતા કેલિફોર્નિયામાં કોરોનાના અત્યાર સુધી ૫૩.૮ લાખ કેસ નોંધાયા છે. જ્યારે ટેક્સાસમાં ૪૪ લાખ અને ફ્લોરિડામાં ૩૯ લાખ કેસ નોંધાયા છે.  કેલિફોર્નિયામાં કોરોનાના લીધે સૌથી વધુ ૭૫,૫૦૦ના મોત થયા છે. 

વિશ્વસ્તરે કોરોનાના કેસ સળંગ બીજા દિવસે દસ લાખથી વધુ

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના લીધે વિશ્વસ્તરે સળંગ બીજા દિવસે કોરોનાના કેસ દસ લાખથી વધારે નોંધાયા હતા. સોમવારે  સમગ્ર વિશ્વમાં કોરોનાના ૧૪.૪ લાખ દર્દી નોંધાયા હતા. સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા તેમા અડધા કેસ તો એકલા અમેરિકામાં જ નોંધાયા હતા. 

ફ્રાન્સમાં એક જ દિવસમાં બે લાખથી વધુ  કેસ

ફ્રાન્સમા એક જ દિવસમાં કોરોનાના બે લાખથી વધારે કેસ નોંધાયા છે. કોરોનાના વધતા વ્યાપના પગલે ફ્રાન્સ સરકારે કોરોનાની રસીનો બીજો ડોઝ ન લીધો હોય તેના પ્રયાસોને વેગવંતા બનાવ્યા છે. સરકારે રસીના બંને ડોઝ લેનારાઓને જ રેસ્ટોરા, સિનેમા, થિયેટર, મ્યુઝિયમ અને સ્પોર્ટ્સમાં ભાગ લેવાની છૂટ આપી છે. ફ્રાન્સે તેની વસ્તીના ૭૫ ટકા હિસ્સાનું સંપૂર્ણ રસીકરણ કર્યુ છે. હવે તેણે ઓમિક્રોન સામે લડવા બૂસ્ટર ડોઝના પ્રયાસો વધુ સઘન કર્યા છે. સરકાર આ વખતે લોકડાઉનના બદલે રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવીને વાઇરસનો સામનો કરવા માંગે છે. 

વિશ્વમાં કોરોનાના કેસમાં 11ટકા વધારો

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (હુ)એ જણાવ્યું હતું કે વિશ્વના કોરોનાના કેસોમાં ગયા સપ્તાહની તુલનાએ ૧૧ ટકાનો વધારો થયો છે. તેમા સૌથી મોટો ફાળો અમેરિકાનો છે. યુએન હેલ્થ એજન્સીએ જણાવ્યું હતું કે ૨૦થી ૨૬ ડિસેમ્બર દરમિયાન સમગ્ર વિશ્વમાં ૪૯.૯ લાખ કેસ નવા નોંધાયા હતા. તેમા યુરાપનો ફાળો અડધા કરતાં વધારે ૨૮.૪ લાખ કેસનો હતો. આમ યુરોપ કોઈપણ ખંડમાં સૌથી ઊંચો ચેપગ્રસ્ત દર ધરાવે છે. યુરોપમાં દર લાખે ૩૦૪.૬ નવા કેસ જોવા મળી રહ્યા છે. અમેરિકામાં દર લાખે ૧૪૪.૪ નવા કેસ જોવા મળી રહ્યા છે. આફ્રિકામાં નવા કેસો સાત ટકા વધી ૨,૭૫,૦૦૦ થયા છે.