×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં મેળાવડા, સરકારી ઉત્સવો વચ્ચે કોરોનાના નવા 548 કેસ


- રાત્રે નામ પૂરતો કરફ્યૂ : દિવસે ટોળાંશાહી 204 દિવસ બાદ 500થી વધુ કેસ નોંધાયા

- અમદાવાદ શહેરમાં કોરોનાના સૌથી વધુ 265 કેસ, સુરતમાં 80 વડોદરામાં 39, રાજકોટમાં 27 કેસ 

- નવા 548 દર્દીઓ સામે માત્ર 65 દર્દીઓને જ ડિસ્ચાર્જ મળતા એક્ટિવ કેસોનો આંક 1902 પર પહોંચ્યો

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરના અસ્તિત્વને ભૂલી બેદરકારીભર્યુ વલણ દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો થઇ રહ્યો છે અને રાજ્યમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના નવાં ૫૪૮ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ૨૦૪ દિવસ બાદ આજે પહેલીવાર ૫૦૦થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લે ૧૦મી જુલાઇએ ગુજરાતમાં ૬૪૪ કેસ નોંધાયા હતા અને ત્યારથી આજદિન સુધી ૫૦૦થી ઓછાં કેસો નોંધાતા રહ્યા છે. ઉપરાંત ઓમિક્રોન  વાયરસના પણ નવાં ૧૯જ કેસ રાજ્યભરમાં નોંધાયા છ, જે પૈકી ૧૦ દર્દીઓ ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને ૯ દર્દીઓ ફોરેન કે ડોમેસ્ટિગ કોઇ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. નવાં ૫૪૮ કેસ સામે માત્ર ૬૫ દર્દીઓને જ ડિસ્ચાર્જ મળતા એક્ટિવ કેસોનો આંક ૧૯૦૨ સુધી પહોંચી ગયો છે, જે સમગ્ર રાજ્ય માટે ચિંતાજનક બાબત છે.

આજે અમદાવાદ જિલ્લામાં ૨૭૮, સુરતમાં ૮૦,  વડોદરામાં ૩૯, આણંદમાં ૨૩, ખેડામાં ૨૧, રાજકોટમાં ૨૭, કચ્છમાં ૧૩, વલસાડમાં ૯,  મોરબીમાં ૭,  નવસારીમાં ૭, ભરૂચમાં ૬, ગાંધીનગરમાં ૮. ભાવનગરમાં ૬, જામનગરમાં ૫, મહીસાગરમાં ૩, મહેસાણામાં ૩, સાબરકાંઠામાં ૩, સુરેન્દ્રનગરમાં ૩, અરવલ્લીમાં ૨, બનાસકાંઠામાં ૨, અમરેલીમાં ૧, નર્મદામાં ૧ અને પંચમહાલમાં કોરોનાનો ૧ કેસ નોંધાયો છે. આ સિવાયના ૧૦ જિલ્લાઓમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.

ઉપરાંત આજે પોરબંદર જિલ્લામાં એક કોરોનાના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક ૧૦,૧૧૬ પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે કો-મોર્બિડ કોરોના દર્દી એટલે કે કોરોના ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ કે અસ્થમા સહિતની બીમારી હોય અને તેવાં દર્દીનું મૃત્યુ થાય તો સરકાર તેને કોરોનાના કારણે થયેલું મૃત્યુ નથી ગણતું. જે દર્દીનું મૃત્યુ કોરોનાના કારણે જ થયું હોય તેમના આંકડા સરકાર દ્વારા જારી કરવામાં આવે છે.  નવાં ૫૪૮ કેસ સામે માત્ર ૬૫ દર્દીને જ ડિસ્ચાર્જ મળતા એક્ટિવ કેસોનો આંકડો ૧૯૦૩ પર પહોંચ્યો છે, જેમાંથી  ૧૧ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧૮૯૧ દર્દીઓ સ્ટેબલ છે. ઉપરાંત ગત ૨૪ કલાકમાં ૧,૯૪,૩૭૬ લોકોને કોવિડ રસી આપવામાં આવી છે, જેમાંથી  સૌથી વધુ ૧,૨૧,૬૭૮ ડોઝ ૧૮થી ૪૫ વર્ષના લોકોને રસીના બીજા ડોઝ તરીકે આપવામાંઆવ્યા છે અને અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૮,૯૦,૧૪,૮૨૮ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

ઘાતક વેરિયન્ટના કેસોમાં સતત વધારો

રાજ્યમાં ઓમિક્રોનના નવા 19 કેસ, 9 ટ્રાવેલ હિસ્ટ્રી વગરના

- અમદાવાદમાં 8, વડોદરામાં 3, સુરતમાં 6 અને આણંદમાં 2 દર્દીઓમાં ઓમિક્રોનની હાજરી

ગુજરાતમાં આજે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના નવાં ૧૯ કેસ નોંધાયા છે. આ કેસો પૌકી ૧૦ કેસ ફોરેન હિસ્ટ્રી ધરાવે છે અને બાકીના ૯ કેસ ડોમેસ્ટિક કે ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. આજના કેસો બાદ ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા ૯૭ થઇ છે.

અમદાવાદમાં ૮, વડોદરામાં ૩, સુરતમાં ૬ અને આણંદના ૨ કોરોના દર્દીઓમાં ઓમિક્રોન વેરિયન્ટની હાજરી જોવા મળી છે. જેમાંથી અમદાવાદના બે, વડોદરાના ત્રણ અને સુરતના ચાર દર્દીઓ કોઇ પ્રકારની ડોમેસ્ટિક કે ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૯૭ કેસ નોંધાયા છે, જેમાંથી ૪૧ કેસોને ડિસ્ચાર્જ મળી ચૂક્યું છે.

માંડ પાટે ચડેલું જનજીવન ત્રીજી લહેરના ફફડાટમાં 

કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો અને લોકોને વધુ ભયભીત અને હતાશ કર્યા હતા. તેવા સંજોગોમાં માંડ બધી પરિસ્થિતિ થાળે પડવા જઇ રહી છે ત્યારે લોકો અને સરકારની બેદરકારીના કારણે કોરોના કેસોનો રાફડો ફરી ફાડયો છે. 

જેનાં કારણે નાઇટ કરફ્યુ સહિતના પ્રતિબંધો ફરી લદાયા છે અ ને અન્ય પ્રતિબંધોની ભીતિ સેવાઇ રહી છે. જેથી લોકો હવે ત્રીજી લહેરના ફફડાટમાં જીવી રહ્યા છે.