×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં વરસાદ : સિક્કીમમાં ભારે હિમવર્ષામાં અનેક પર્યટકો ફસાયા


ઉત્તર ભારતમાં ઠંડી, વરસાદ અને હિમવર્ષાની જનજીવન પર અસર

સિક્કીમમાં પર્યટકોને રેસ્ક્યૂ કરવા સૈન્યની મદદ લેવાઇ, અનેક રાહત કેમ્પો ખોલાયા, હિમાચલમાં અટલ ટનલ બંધ કરવી પડી

કિલોંગમાં પારો માઈનસ 7.1, પહલગામમાં માઇનસ 7.5 ડિગ્રીએ પહોંચતા લોકો ઠૂંઠવાયા

રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશમાં સામાન્ય વરસાદ, ઓડિશામાં ગાઢ ધૂમ્મસની આગાહી

નવી દિલ્હી : સિક્કીમમાં ભારે હિમવર્ષાને કારણે અનેક પર્યટકો ફસાયા છે. જેને પગલે તેમને રેસ્ક્યૂ કરવા માટે સૈન્યની મદદ લેવી પડી હતી. અહીંના હાઇવે અને અન્ય રોડ ભારે હિમવર્ષાને કારણે બ્લોક થઇ ગયા છે. હાલ બરફ હટાવવા માટે મોટા મશીનોની મદદ લેવામાં આવી રહી છે. જ્યારે વચ્ચે ફસાયેલા હજારો લોકો માટે સૈન્ય દ્વારા રાહત કેમ્પો ખોલવામાં આવ્યા છે.

ફસાયેલા મોટા ભાગના લોકો બંગાળ તેમજ અન્ય રાજ્યોના પણ છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થઇ રહી છે ત્યારે દિલ્હી સહિતના કેટલાક રાજ્યોમાં વરસાદ પડયો હતો. સિક્કીમના ચાંગુ લેક પર હાલ મોટા પ્રમાણમાં બરફ પડી રહ્યો છે. જેથી અહીં તાપમાન પણ ઘણુ જ ઘટી ગયું છે. અહીં રેસ્ક્યૂ ઓપરેશન સોમવાર સુધી ચાલશે તેમ પ્રશાસને કહ્યું હતું.

શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ 1.8 ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે કોકેરનાગમાં પણ તાપમાન માઇનસ 0.3 ડિગ્રી નોંધાયું છે. કુપવાડામાં પણ ભારે ઠંડીને કારણે લઘુતમ તાપમાન માઇનસ 1.5 ડિગ્રી નોંધાયું હતું. કાશ્મીરમાં પહલગામમાં લઘુતમ તાપમાન માઇનસ 7.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જે અગાઉની રાત્રે માઇનસ 5.1 ડિગ્રી હતું.

પહલગામ કાશ્મીરનો સૌથી ઠંડો વિસ્તાર જાહેર કરાયું હતું. કાશ્મીરમાં હાલ સામાન્ય હિમવર્ષાની શરૂઆત થઇ ગઇ છે જે સોમવાર સુધી ચાલશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. સિક્કીમ, કાશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશના શિમલામાં પણ હિમવર્ષા શરૂ થઇ ગઇ છે. અહીંના મેદાની વિસ્તારોમાં હિમવર્ષા થઇ રહી છે. અહીંની અટલ ટનલને રોહતાંગમાં ભારે હિમવર્ષાને કારણે બંધ કરી દેવી પડી હતી.

જોકે બાદમાં તેને ખોલી નાખવામાં આવી હતી. અહીંના ચંબામાં હિમપ્રપાત થયો હતો, જેને પગલે પર્યટકો અને અન્ય મુસાફરોને સાવચેત રહેવાની સલાહ પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી છે કે શિમલામાં હજુ પણ બેથી ત્રણ દિવસ સુધી હવામાન ખરાબ રહેશે. અહીંના કિલોંગમાં તાપમાન માઇનસ 7.1 ડિગ્રીએ પહોંચી ગયું હતું.

પહાડી રાજ્યોમાં હિમવર્ષા થઇ રહી છે ત્યારે દિલ્હીમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદ પડયો હતો. જેને પગલે ઉત્તર ભારતમાં ઠંડી, વરસાદ અને હિમવર્ષાનું વાતાવરણ જોવા મળ્યું હતું. પરીણામે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હાલ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીરમાં હિમવર્ષા થઇ રહી છે ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, દિલ્હી અને મધ્ય પ્રદેશમાં ભારે ધુમ્મસ અને કોલ્ડ વેવ ચાલી રહ્યો છે.

દિલ્હીમાં રવિવારે વરસાદ પડયો હતો, જ્યારે તાપમાન પણ નીચુ ગયું હતું. હવામાન વિભાગનું કહેવુ છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસૃથાન, મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જેમાં દિલ્હીમાં વરસાદ પડવાનું શરૂ પણ થઇ ગયું છે. જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં કરા પડવાની આગાહી કરાઇ છે.