×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાસાએ દુનિયાનું સૌથી વિશાળ અને શક્તિશાળી ટેલિસ્કોપ લોંચ કર્યું



નાસાનું મહાત્વાકાંક્ષી ટેલિસ્કોપ જેમ્સ વેબ આખરે સફળતાપૂર્વક લોંચ થયું હતું. દક્ષિણ અમેરિકામાં આવેલા ફ્રેન્ચ ગુએના સ્પેસ સ્ટેશનમાંથી એરિયન રોકેટની મદદથી ટેલિસ્કોપ લોંચ થયું હતું. આ મિશન પાછળ ૧૦ અબજ ડોલરનો ખર્ચ થયો છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ અંતરિક્ષમાં ઉપગ્રહોની ભ્રમણકક્ષા કરતાં પણ દૂર સેટ થશે.


અસંખ્ય વખત જેમ્સ વેબ ટેલિસ્કોપ મિશનનું લોન્ચિંગ રદ્ થયા પછી આખરે નાસાએ યુરોપીયન સ્પેસ એજન્સીની મદદથી ટેલિસ્કોપ સફળતાપૂર્વક લોંચ કર્યું હતું. હબલ સ્પેસ ટેલિસ્કોપ નિષ્ક્રિય થાય એવી શક્યતા છે. તે પહેલાં નાસાનું આ સૌથી વિશાળ, સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ અંતરિક્ષમાં ગોઠવાઈ જશે.


જેમ્સ વેબ ટેલિસ્કોપ અંતરિક્ષમાં પૃથ્વીવાસીઓની નવી આંખ બનશે. નાસાએ ટ્વિટરમાં ટેલિસ્કોપના લોન્ચિંગનો વીડિયો રીલિઝ કર્યો હતો.એ વીડિયોને કરોડો લોકોએ જોયો હતો. લોન્ચિંગ પછી આ વીડિયો વાયરલ બન્યો હતો. નાસાએ મિશન લોંચ થયાની જાહેરાત કરતા લખ્યું હતુંઃ અમે ટેલિસ્કોપ લોંચ કરી દીધું. આ મિશન પછી આપણી અંતરિક્ષને સમજવાની દૃષ્ટિ બદલાઈ જશે. લાંબાં ઈન્તઝારનો અંત આવ્યો. આ મિશનની પ્રક્રિયા ખૂબ જ રોમાંચક રહી હતી.


નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે આ મિશન ખૂબ જ મહત્વનું સાબિત થશે. અંતરિક્ષમાં ઈતિહાસમાં આ મિશન ઘણાં નવા આયામો સર કરશે. બ્રહ્માંડના કેટલાય રહસ્યો સમજવામાં એ મદદરૃપ બનશે. આપણી અંતરિક્ષની સમજને વિકસાવવામાં જેમ્સ વેબ ટ્રેન્ડસેટર સાબિત થશે.
નાસાએ છેક ૧૯૯૬માં મિશનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ ૧૯૯૭થી ફંડ ફાળવવાનું શરૃ કર્યું હતું. ૨૦૦૭માં લોંચ કરવાનું આયોજન પાછું ઠેલાયું હતું. પછી ૨૦૨૧, ૨૦૧૪ અને ૨૦૧૯માં લોંચ કરવાનું વિચારાયું હતું, પરંતુ દરેક વખતે મિશન પાછું ઠેલાયું હતું. એ દરમિયાન મિશનનું બજેટ પણ એક અબજ ડોલરથી વધીને ૧૦ અબજ ડોલર થઈ ગયું હતું. આખરે ૨૦૨૧માં નાસાનું મહાત્વાકાંક્ષી ટેલિસ્કોપ લોંચ થયું હતું.


પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર અંતરિક્ષમાં જેમ્સ વેબ ટેલિસ્કોપને સેટ કરાયા પછી એ કાર્યરત થશે. ચંદ્ર કરતાં ચાર ગણું દૂર જઈને ટેલિસ્કોપ સેટ થશે અને ત્યાં સુધીની યાત્રામાં જેમ્સ વેબ ટેલિસ્કોપને લગભગ એક મહિનાનો સમય લાગશે. તે પછી કાર્યરત થતાં બીજા પાંચ મહિના લાગશે. લોંચ થયાના છ મહિના પછી તે પહેલી તસવીર પૃથ્વી ઉપર મોકલી આપશે એવી આશા વ્યક્ત થઈ છે.  જો અંતરિક્ષમાં બધું બરાબર રહ્યું તો ઓછામાં ઓછાં ૧૦ વર્ષ સુધી એ કામ કરવા સક્ષમ છે.