×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લુધિયાણા બ્લાસ્ટઃ 3 વખ્ત મળ્યું હતું ઈન્ટેલિજન્સ એલર્ટ, ધમાકાના દિવસે પણ મળી હતી ચેતવણી, કોની ચૂક?


- ફોરેન્સિક અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિસ્ફોટમાં હાઈ ગ્રેડ એક્સપ્લોઝિવનો ઉપયોગ થયો છે

નવી દિલ્હી, તા. 24 ડિસેમ્બર, 2021, શુક્રવાર

પંજાબની લુધિયાણા કોર્ટના પરિસરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં હાઈ ગ્રેડ એક્સપ્લોસિવનો ઉપયોગ થયો હોવાની જાણકારી સામે આવી છે. ફોરેન્સિક અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને હાઈ ગ્રેડ એક્સપ્લોસિવ મળ્યા છે. તે સિવાય એક મહત્વની જાણકારી એ પણ સામે આવી છે કે, ગુપ્તચર એજન્સીઓએ 3 વખત એલર્ટ જાહેર કર્યું હતું કે, પંજાબમાં આતંકવાદી હુમલા થશે. તેમ છતાં આ વિસ્ફોટ થયો તેને લીધે સુરક્ષા સામે સવાલ થઈ રહ્યા છે. 

જાણવા મળ્યા મુજબ ગુપ્તચર એજન્સીઓએ 3 વખત આતંકવાદી હુમલાને લઈ એલર્ટ જાહેર કર્યું હતું. પહેલી વખત 9 જુલાઈના રોજ એલર્ટ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ 7 ડિસેમ્બર અને 23 ડિસેમ્બરના રોજ પણ એલર્ટ આપવામાં આવ્યું હતું. ગુરૂવારે એટલે કે, 23 ડિસેમ્બરના રોજ જ કોર્ટમાં વિસ્ફોટ થયો હતો. ગુપ્તચર વિભાગે એલર્ટ આપ્યું હતું કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને ખાલિસ્તાની ગ્રુપ સંવેદનશીલ ઈમારતો અને ભીડભાડવાળા વિસ્તારોને ટાર્ગેટ કરી શકે છે. એલર્ટમાં IEDનો ઉપયોગ થવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી. 

લુધિયાણા કોર્ટ પરિસરમાં થયેલા બોમ્બ વિસ્ફોટની હવે આતંકવાદી હુમલાના એન્ગલથી પણ તપાસ થશે કારણ કે, ઘટના સ્થળેથી હાઈ ગ્રેડ એક્સપ્લોઝિવ મળી આવ્યા છે. તપાસ એજન્સીઓને જે વિસ્ફોટક મળ્યા છે તે ખૂબ શક્તિશાળી હતા અને કોર્ટ પરિસરની ઈમારતને ભારે નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર હતું. બાલ પ્રાથમિક સ્તરે તપાસ થઈ રહી છે પરંતુ ઘટના સ્થળેથી IED મળ્યા તે આતંકવાદી હુમલા તરફ ઈશારો કરે છે. 

સૂત્રોના કહેવા પ્રમાણે ફોરેન્સિક અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ટીમને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ વિસ્ફોટમાં હાઈ ગ્રેડ એક્સપ્લોઝિવનો ઉપયોગ થયો છે. હાઈ ગ્રેડ એક્સપ્લોઝિવ સામાન્ય રીતે PETN કે RDX હોય છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી થયું કે, PETN છે કે, RDX. સૂત્રોના કહેવા પ્રમાણે ઘટના સ્થળેથી જે બોમ્બ મળી આવ્યો તેની તપાસ કરવામાં આવી રહી છે અને ત્યાર બાદ જ કશુંક કહી શકાશે. 

કોર્ટ પરિસરના બીજા માળે બનેલા ટોયલેટમાં બપોરે 12:28 કલાકે જોરદાર વિસ્ફોટ થયો હતો. તે વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને એવું માનવામાં આવે છે કે, જે વ્યક્તિનું મૃત્યુ થયું છે તે જ વિસ્ફોટ કરવાનો હતો. એવી શંકા છે કે, યુવક ટોયલેટમાં બોમ્બ એસેમ્બલ કરી રહ્યો હતો તે જ વખતે આ વિસ્ફોટ થયો અને તેનું મોત થયું. વિસ્ફોટમાં યુવકના શબના ચિંથરા ઉડી ગયા છે માટે તેને ઓળખવો મુશ્કેલ બની ગયો છે. આ વિસ્ફોટમાં 5 લોકોને ઈજાઓ પહોંચી હતી.