×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લુધિયાણા કોર્ટમાં વિસ્ફોટ : એકનું મોત, પંજાબમાં હાઈએલર્ટ


- વિસ્ફોટમાં આરોપી પોતે જ માર્યો ગયો : સીએમ ચન્નીનો દાવો

- હુમલામાં આઈઈડીના ઉપયોગની પોલીસને શંકા, એનઆઈએ અને એનએસજીએ પણ વિસ્ફોટ કેસની તપાસ શરૂ કરી

- પંજાબમાં ચૂંટણી પહેલાં શાંતિ ડહોળવા વિસ્ફોટ કરાયો હોવાનો મુખ્યમંત્રી ચન્ની અને કેજરીવાલનો આક્ષેપ

લુધિયાણા : લુધિયાણામાં જિલ્લા કોર્ટ પરિસરમાં થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં એકનું મોત થયું હતું અને પાંચને ઈજા પહોંચી હતી. કોર્ટ પરિસરના બીજા માળના બાથરૂમમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે પરિસરની એક દિવાલને ભારે નુકસાન થયું હતું અને કેટલીક બારીઓ તૂટીને પરિસરમાં નીચે પાર્ક વાહનો પર પડતાં તેમને પણ નુકસાન થયું હતું. મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ કહ્યું કે, પ્રારંભિક તપાસમાં જણાય છે કે બોમ્બ ઓપરેટ કરી રહેલા માણસનું જ વિસ્ફોટમાં મોત નીપજ્યું હતું. 

કોર્ટનું કામકાજ ચાલુ હતું તેવા સમયે આ વિસ્ફોટ થયો હતો. અગાઉ પોલીસે વિસ્ફોટમાં બે લોકોનાં મોત થયા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પાછળથી એક વ્યક્તિ માર્યો ગયો હોવાનું જણાવ્યું હતું. વિસ્ફોટની ઘટનાની ટીકા કરતા મુખ્યમંત્રી ચરણજીત ચન્નીએ જણાવ્યું હતું કે કેટલાક રાષ્ટ્ર-વિરોધી તત્વોએ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં શાંતિ ખોરવવાનું કામ કર્યું હતું. સ્થિતિની સમીક્ષા માટે ચન્નીએ લુધિયાણાની મુલાકાત લીધી હતી. તેમણે વિસ્ફોટ થયો હતો તે જગ્યાની મુલાકાત લીધી હતી અને ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા હોસ્પિટલ પણ ગયા હતા. પ્રારંભિક તપાસમાં જણાય છે કે બોમ્બ ઓપરેટ કરનાર માણસનું વિસ્ફોટમાં મોત થયું હતું.

લુધિયાણાના પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લારે જણઆવ્યું હતું કે, આ વિસ્તારને સીલ કરી દેવાયો છે અને ફોરેન્સિક ટીમો વિસ્ફોટ સ્થળેથી સેમ્પલ એકત્રીત કરશે. પ્રાથમિક તપાસના સંદર્ભમાં તેમણે કહ્યું કે, હાલના સમયમાં કંઈ પણ કહેવું ઘણું મુશ્કેલ છે અને તેમણે ઉમેર્યું કે, હાલ તપાસ ચાલુ છે. જોકે, પોલીસે હુમલામાં આઈઈડીનો ઉપયોગ થયાની શંકા વ્યક્ત કરી છે. લુધિયાણા કોર્ટમાં વિસ્ફોટની તપાસ એનઆઈએ અને એનએસજીને પણ સોંપાઈ છે. એનઆઈએની બે ટીમ જ્યારે એનએસજીની એક ટીમ આ કેસની તપાસ કરશે. પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં બે લોકોના મોતની ઘટનાના સમાચારથી તેમને ખૂબ જ દુઃખ થયું છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી તેઓ પ્રાર્થના કરે છે. પંજાબ પોલીસે આ ઘટનાના મૂળ સુધી પહોંચવાની જરૂર છે. અકાલીદળના વડા સુખબિર સિંહ બાદલે પણ વિસ્ફોટ અંગે આઘાત વ્યક્ત કર્યો હતો.

દરમિયાન આપના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ લુધિયાણા કોર્ટમાં વિસ્ફોટની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, પહેલા દરબાર સાહિબમાં બેઅદબીની ઘટના થઈ, હવે લુધિયાણામાં વિસ્ફોટ થયો. કેટલાક લોકો ચૂંટણી પહેલા દરેક વખતે પંજાબની શાંતિ ડહોળવા માગે છે. ગઈ વખતે આ લોકોએ મોડમાં બોમ્બ વિસ્ફોટ કરાવ્યો હતો. પરંતુ પંજાબની ૩ કરોડ જનતા મુઠ્ઠીની જેમ એક છે. આપણે બધાએ એકબીજાના હાથ પકડીને રાખવાના છે અને સાથે રહેવાનું છે. પંજાબની જનતા આ લોકોના ઈરાદાને સફળ નહીં થવા દે.

વિસ્ફોટમાં પાક. સ્થિત ખાલિસ્તાની જૂથની સંડોવણી

લુધિયાણા કોર્ટમાં થયેલા વિસ્ફોટ કેસમાં હવે ખાલિસ્તાની ગૂ્રપનો હાથ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.  આ વિસ્ફોટમાં પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાની જૂથ સંડોવાયેલું છે. પ્રારંભિક તપાસમાં એજન્સીઓ અને પોલીસે હુમલા પાછળ કાવતરાંની આશંકા વ્યક્ત કરી છે. લુધિયાણાની અદાલતમાં ૬૦ જજ બેસે છે. અહીં અદાલત પરિસરની સાથે જિલ્લા સચિવાલય છે.

 જિલ્લા કોર્ટમાં પ્રવેશવા માટે બે દરવાજા પર મેટલ ડિરેક્ટર લગાવાયા છે, પરંતુ તે કામ નથી કરી રહ્યા. વધુમાં બંને દરવાજા પાસે સુરક્ષા કર્મીઓ પણ હાજર નહોતા. 

દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પંજાબ સરકારને વહેલી તકે આ વિસ્ફોટનો અહેવાલ મોકલવા જણાવ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એનવી રમણે પણ પંજાબ-હરિયાણાની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે વાત કરીને લુધિયાણા કોર્ટમાં વિસ્ફોટ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.