×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોરોનાનો હાહાકાર : યુએસમાં નવા 2.32 લાખ, બ્રિટનમાં 1.19 લાખ કેસ


- સ્ટાફના કર્મચારીઓમાં ચેપ વધતાં એપલે સ્ટોર બંધ કરી ઉપકરણોની ફ્રી ડિલિવરી શરૂ કરી 

- અમેરિકામાં કોરોનાથી વધુ 1634ના મોત, સૌથી વધુ નવા 27,299 કેસ ન્યુ યોર્કમાં નોંધાયા : યુકેમાં ક્રિસમસ પહેલાં નવા નિયંત્રણો લાદવામાં નહીં આવે

- આગામી બે મહિનામાં કોરોનાના ત્રણ અબજ નવા કેસો નોંધાવાની આગાહી

- ઇઝરાયલ બાદ જર્મનીએ રસીનો ચોથો ડોઝ આપવાની જાહેરાત કરી 

લંડન : ઓમિક્રોન વેરિઅન્ટે યુએસને ભરડાંમાં લેતાં કોરોનાના નવા ૨,૩૨,૩૮૩ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને ૫૨,૫૧૦,૯૭૮ થઇ હતી. ૧૬૩૪ જણાના મોત થતાં યુએસંમાં કોરોનાનો કુલ મરણાંક ૮,૩૩,૦૨૯ થયો હતો. ન્યુયોર્કમાં કોરોનાના નવા ૨૭,૨૯૯ કેસ, ફલોરિડામાં ૨૦,૧૯૪ કેસ અને ન્યુ જર્સીમાં ૧૧,૯૦૬ કેસ નોંધાયા હતા. મિશિગનમાં નવા ૮,૧૦૮ કેસ નોંધાયા હતા પણ ૨૨૨ જણાના મોત થયા હતા. પેન્સિલવેનિયામાં નવા ૯,૮૩૮ કેસો અને ૧૬૮ જણાના મોત નોંધાયા હતા. બ્રિટનમાં ૨૪ કલાકમાં ૧,૧૯,૭૮૯ નવા કેસ નોંધાયા હતા. એ સાથે જ કોરોનાના કુલ ૧,૧૭,૬૯,૯૨૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. બ્રિટનમાં એક જ દિવસમાં કોરોનાથી ૧૪૭ લોકોનાં મોત થયા હતા. કુલ મૃત્યુઆંક ૧,૪૭,૭૨૦ થયો છે. બ્રિટનમાં કોરોનાનો હાહાકાર છેલ્લાં એક સપ્તાહથી યથાવત છે. એક જ સપ્તાહમાં ૮૮૭ લોકોનાં મોત કોરોનાના કારણે થયા છે. 

બીજી તરફ યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનની ઇન્સ્ટિટયુટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુશનના સંશોધકોએ નવા મોડેલિંગ ડેટાને ટાંંકીને જણાવ્યું હતું કે યુએસમાં ઓમિક્રોન પ્રભાવી વેરિઅન્ટ બની જતાં ૭૩ ટકા કેસો તેના હોય છે. આ ભારે ચેપી સ્ટ્રેઇનને કારણે જાન્યુઆરીથી માર્ચ દરમ્યાન ૧૪૦ મિલિયન નવા કેસો નોંધાશે જે ૬૦ અમેરિકનોને ચેપ લગાડશે. આ કેસોમાંથી મોટાભાગના કેસોમાં કોઇ લક્ષણ જણાશે નહીં. ચેપ વધશે પણ ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં હોસ્પિટલાઇઝેશન અને મરણાંક ઓછો રહેશે. કોરોનાના કેસો જાન્યુઆરીના અંતમાં દૈનિક ધોરણે ૨.૮ મિલિયનની ટોચે પહોંચશે. સંશોધક ડો. ક્રિસ મરેએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૪૦ ટકા અમેરિકનોને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે તે આગામી બે-ત્રણ મહિનામાં ૬૦ ટકા અમેરિકનોને ઓમિક્રોનનો ચેપ લાગવાની આગાહી છે. મરેએ જણાવ્યું હતું કે ઓમિક્રોનનો ચેપ ધરાવતાં ૯૦ ટકા કરતાં વધારે લોકોમાં ચેપના કોઇ લક્ષણો જોવા નહીં મળે. જેના પરિણામે આશરે ચાર લાખ કેસો જ નોંધાશે. કેમ કે અમેરિકન લોકો ચેપ લાગવાને પગલે માંદા નહીં પડે એટલે તેઓ ટેસ્ટ પણ નહીં કરાવે. ગયા વર્ષે યુએસમાં જાન્યુઆરીમાં એક દિવસમાં અઢી લાખ કરતાં વધારે કેસો નોંધાયા હતા. મોડેલ અનુસાર આગામી બે મહિનામાં દુનિયામાં ત્રણ અબજ નવા કેસો નોંધાશે. જેમાં જાન્યુઆરીની મધ્યમાંં રોજના ૩૫ મિલિયન કેસો નવા નોંધાશે. 

દરમ્યાન વિશ્વ વિખ્યાત આઇફોન બનાવનાર કંપની એપલે યુએસમાં તેના સ્ટોરમાં કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગવાને પગલે સંખ્યાબંધ સ્ટોર્સ બંધ કરી દીધાં છે. હોલી ડે સિઝનમાં મેજરમેટ્રો શહેરોમાં આઇફોન,આઇપેડ, આઇમેક અને એપલ વોચની બે કલાકમાં ફ્રી ડિલિવરી કરવામાં આવશે. સામાન્ય રીતે બે કલાકમાં ડિલિવરી માટે નવ ડોલર વસૂલવામાં આવે છે પણ ૨૪ ડિસેમ્બરથી આ ફ્રી ઓફર કરવામાં આવી છે. 

ઓમિક્રોનના વધતા જતાં કેસોને નાથવા ઇઝરાયલ બાદ હવે જર્મનીમાં પણ કોરોનાના ચોથા ડોઝની જાહેરાત કરવામાં આવી છે. જર્મન આરોગ્ય પ્રધાન કાર્લ લોટરબાકે જણાવ્યું હતું કે ઓમિક્રોનને નાથવા માટે કોરોનાની રસીનો ચોથો ડોઝ લેવાની જરૂર પડશે. જર્મનીએ ઓમિક્રોનની નવી રસીના લાખો ડોઝના ેઓર્ડર બાયોએનટેકને આપ્યો છે, જેની ડિલિવરી એપ્રિલ અથવા મે મહિનામાં થશે. હાલ બૂસ્ટર ડોઝ તરીકે મોડર્નાની રસી આપવામાં આવે છે. જર્મનીએ નવી નોવાવેક્સ રસીના ચાર મિલિયન  ડોઝનો અને વાલનેવા રસીના ૧૧ મિલિયન ડોઝનો ઓર્ડર પણ આપેલો છે. 

ઓસ્ટ્રેલિયામાં વડા પ્રધાન સ્કોટ મોરિસને લોકડાઉન કે માસ્ક ફરજિયાત કરવાનું નકાર્યું તેના બીજા જ દિવસે ન્યુ સાઉથ વેલ્શમાં કોરોનાના નવા ૫,૭૧૫ કેસો નોંધાયો હતો. હાલ ન્યુ સાઉથ વેલ્શમાં ૩૪૭ જણા હોસ્પિટલમાં છે જેમાંથી ૪૫ જણા આઇસીયુમાં છે. વિક્ટોરિયા રાજ્યમાં કોરોનાના નવા ૨૦૦૫ કેસો નોંધાયા હતા અને દસ જણાના મોત થયા હતા. ન્યુ સાઉથ વેલ્શમાં ગુરૂવાર મધરાતથી ઘરમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 

બીજી તરફ દક્ષિણ કોરિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૧૦૯ જણાના મોત થતાં કુલ મરણાંક ૫૦૧૫ થયો હતો. નવા ૬,૯૧૯ કેસો નોંધાવાને પગલે કુલ કેસોની સંખ્યા ૫,૮૯,૯૭૮ થઇ છે. ઓમિક્રોનના નવા ૧૨ કેસો નોંધાવાને પગલે કુલ ૨૪૬ કેસો થયા છે. 

દરમ્યાન યુકેની સરકારે ક્રિસમસ પહેલાં કોઇ નવા નિયંત્રણો લાદવામાં નહીં આવે તેવી જાહેરાત કરી હતી. યુકેમાં જ્યાં ઓમિક્રોન પ્રભાવી છે ત્યાં સપ્તાહમાં ૬૦ ટકા  કેસો વધ્યા છે. બીજી તરફ યુનાઇટેડ નેશન્સની મહાસભાના પ્રમુખ અબ્દુલ્લા શાહીદે પોતે કોરોના પોઝિટિવ હોવાની જાહેરાત કરી ઘરમાં આઇસોલેટ થઇ ગયા છે. ૫૯ વર્ષના માલદીવના વિદેશ પ્રધાન શાહીદે કોરોનાની બંને રસીઓ તથા બૂસ્ટર ડોઝ પણ લીધો હતો.  બીજી તરફ બ્રિટનમાં વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે. એક જ દિવસમાં ૩૯ હજાર સહિત કુલ ૫,૧૬,૧૭,૦૯૧ લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. ત્રણ કરોડ કરતાં વધુ લોકો બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યા છે. કોરોનાના કેસમાં ધરખમ વધારો થયા બાદ બ્રિટનમાં બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ થયુ છે. મોટી સંખ્યામાં લોકો વેક્સિનનો ત્રીજો ડોઝ લેવા ઉમટી પડયા હતા.