×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુએસમાં કોરોનાના નવા 1.81 લાખ અને બ્રિટનમાં એક લાખથી વધુ કેસ


- યુએસમાં કોરોનાના 1811 દર્દીના મોત  કુલ મરણાંક 8,30,990

- બ્રિટનમાં ઓમિક્રોનથી વધુ 7નાં મોત, યુરોપમાં ઓમિક્રોનના નવા વિકરાળ મોજાની વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી    

- ઓમિક્રોન દુનિયાના અર્થતંત્રના ચોથા ક્વાર્ટરની વૃદ્ધિ અડધી કરી નાંખશે

- ફ્રાન્સમાં બાળકોને રસી આપવા 350 રસી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા


લંડન : ઓમિક્રોનના ૧૨૯ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ઓમિક્રોનના ૧૪ દર્દીઓના મોત થઇ ગયા હોવાનું બ્રિટનના રાજ્ય કક્ષાના આરોગ્ય પ્રધાન ગિલિયન કિગને જણાવ્યું હતું. બ્રિટનમાં કોરોનાના નવા ૧૦૬૧૨૨ કેસ જ્યારે વધુ ૧૪૦નાં મૃત્યુ નોંધાયા છે. જો ઓમિક્રોનનો ચેપ બેકાબૂ બનશે તો સરકાર આકરાં પ્રતિબંધ મુકતાં અચકાશે નહીંં. બીજી તરફ યુકેની સરકારે ઓમિક્રોન સામે લડવા માટે નવી રસી મેળવવા માટે બે નવા કરાર કર્યા છે.મર્ક શાર્પની ડોહમેના મોલનુપિરાવરના ૧.૭૫ મિલિયન ડોઝ અને ફાઇઝરની પેક્સલોવિડટીએમના ૨.૫ મિલિયન ડોઝ મેળવવા માટે યુકેની સરકારે કરાર કર્યા છે. 

આ નવી રસીઓ ઓમિક્રોન સામે અસરકારક હોવાનું મનાય છે અને તે આવતાં વર્ષથી ઉપલબ્ધ થઇ જશે. આરોગ્ય પ્રધાન સાજિદ નાવિદે જણાવ્યું હતું કે યુકે સરકાર માટે આ મોટો સોદો છે જેનાથી થકી મળનારી એન્ટી વાઇરલ દવાઓથી દેશભરના દર્દીઓને આગામી મહિનાઓમાં લાભ થશે. તેમણે બીજી એક મહત્વની જાહેરાત એ કરી હતી કે જે દર્દીઓ ક્વોરન્ટાઇનના છટ્વા અને સાતમા દિવસે બે નેગેટિવ લેટરલ ફલો ટેસ્ટ-એલએફટી રજૂ કરે તેમનો ક્વોરન્ટાઇન સમય દસ દિવસમાંથી ઘટાડીને સાત દિવસ કરવામાં આવશે.મહત્વની સેવાઓ તથા અન્ય કામગીરી ખોરવાઇ ન જાય તે માટે યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી સાથે ચર્ચા વિચારણા કરીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું. 

દરમ્યાન યુરોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર ડો. હાન્સ કલુજે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે યુરોપમાં ઓમિક્રોનનું નવું વિકરાળ મોજું આવી રહ્યું છે. યુરોપના ૫૩ દેશોમાંથી ૩૮ દેશોમાં ઓમિક્રોન પગપેસોરો કરી ચૂક્યો છે અને યુકે, ડેનમાર્ક અને પોર્ટુગલમાં તે પ્રભાવી વેરિઅન્ટ બની ચૂક્યો છે. ગયા સપ્તાહે યુરોપમાં ૨૭,૦૦૦ જણાના કોરોનાના ચેપના કારણે મોત થયા હતા અને નવા ૨૬ લાખ કેસો નોંધાયા હતા. 

દરમ્યાન ઇઝરાયલે ઓમિક્રોનના ચેપને નાથવા માટે આરોગ્ય કર્મચારીઓ અને ૬૦ વર્ષથી વધારે વયના લોકોને કોરોનાની રસીનો ચોથો ડોઝ આપવાની તૈયારી કરવા માંડી છે. મંગળવારે નિષ્ણાતોની પેનલે કોરોનાની રસીનો ચોથો ડોઝ આપવાની ભલામણ કરી હતી. પેનલે જણાવ્યું હતું કે જેમને કોરોનાની રસીના ત્રીજો ડોઝ લીધા બાદ ચાર મહિના થયા હોય તેમને ચોથો ડોઝ આપી શકાય. વડાપ્રધાન નફતાલી બેનેટે આ સમાચારને આવકાર્યા હતા.  

દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગુરૂવારે દેશમાં સૌથી વધારે ૨૭,૦૦૦ કેસો નોંધાયા બાદ મંગળવારે કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટીને ૧૫,૪૨૪ થઇ હતી જે દર્શાવે છે કે કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યા બાદ તેનો ચેપ ઝડપથી ઘટી પણ શકે છે. 

બીજી તરફ ફ્રાન્સમાં બાળકોને કોરોનાની રસી ઍાપવા માટે ૩૫૦ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આરોગ્ય પ્રધાન ઓલિવિયર વેરાને જણાવ્યું હતું કે બાળકો માટે કોરોનાની આપવાનું શરૂ કરવાનો સમય પાકી ગયો છે. બાળકને રસી આપવા માટે માતાપિતામાંથી એકની મંજૂરી મેળવવી જરૂરી છે તથા બાળકને કોરોનાની રસી આપવામાં આવે ત્યારે માતા કે પિતાએ હાજર રહેવું જરૂરી છે. હાલ ફ્રાન્સમાં કોરોનાની ગંભીર બિમારીથી પીડાતાં ૧૪૫ બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 

કોરોના મહામારી ત્રીજા વર્ષમાં પ્રવેશવા સાથે વર્લ્ડ ઇકોનોમીને ઓમિક્રોન એક ફટકો ઓર મારતાં ગ્લોબલ ઇકોનોમી ચોથા ક્વાર્ટરમાં માત્ર ૦.૭ ટકા જ વિસ્તરશે, યુએસમાં ઇકોનોમી હાલ ૧.૨ ટકાના દરે વિકસી રહી છે. ઇમર્જિંગ માર્કેટમાં આ ક્વાર્ટરમાં ચીનનો દર સાડા ચાર ટકા ઘટયો છે. રશિયા, ભારત અને દક્ષિણ આફ્રિકામાં પણ વૃદ્ધિનો દર ઘટયો છે. યુરોપમાં ઇકોનોમીની હાલત વધારે ગંભીર બનશે તેમ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું.  

જીવન કેન્સલ થાય તેના કરતાં ઇવેન્ટ કેન્સલ થાય તે વધારે સારૂ: 'હૂ'

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપી છે કે જે લોકો કોરોનાના ચેપમાંથી સાજા થયા છે તેમને પણ ઓમિક્રોનનો ચેપ લાગી રહ્યો છે અને ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઓમિક્રોન વેરિઅન્ટ વધારે ઝડપથી પ્રસરી રહ્યો છે.

 હૂના મહામંત્રી ડો. ટેડરોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે જીવન કેન્સલ થાય તેના કરતાં ઇવેન્ટ કેન્સલ થાય તે બહેતર છે. હાલ ઉજવણી કરીને અફસોસ કરવા કરતાં બાદમાં ઉજવણી કરવી બહેતર છે.

 જે લોકોએ કોરોનાની રસીઓ લીધી હોય તેમને અને જે લોકો કોરોનાનો ચેપનો ભોગ બની ચૂક્યા છે તેમને ફરી ઓમિક્રોનનો ચેપ લાગી શકે છે. આપણે બધા મહામારીથી થાકી ગયા છીએ આપણે બધા સામાન્ય જીવન જીવવા માગીએ છીએ પણ દરેક જણે લોકોનું રક્ષણ કરવા માટે સાવધ રહેવું જોઇએ.