×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારતમાં વધુ ૧૨ સાથે ઓમિક્રોનના કુલ કેસ ૧૫૫ : ૧૨ રાજ્યોમાં પ્રસાર


નવી દિલ્હી, તા.૧૯
દુનિયામાં કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનનો ભય ફેલાયો છે. દેશમાં રવિવારે ઓમિક્રોનના વધુ ૧૨ કેસ નોંધાતા કુલ કેસ ૧૫૫ થયા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ઓમિક્રોનના છ-છ કેસ નોંધાયા છે. દેશમાં ઓમિક્રોનના પ્રસારની વધતી ચિંતાઓ વચ્ચે દિલ્હીમાં રવિવારે કોરોનાના ૧૦૭ નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. દરમિયાન ભારતમાં કોરોનાના નવા ૭,૦૮૧ કેસ સામે આવ્યા હતા અને વધુ ૨૬૪ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં ઓમિક્રોનના કેસ વધવાની સાથે ૧૨ રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૫૪, દિલ્હીમાં ૨૨, તેલંગાણામાં ૨૦, રાજસ્થાનમાં ૧૭, કર્ણાટકમાં ૧૪, ગુજરાતમાં ૧૩, કેરળમાં ૯, ઉત્તર પ્રદેશમાં ૨, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ચંડીગઢમાં ૧-૧ કેસ નોંધાયા છે. આ સાથે ઓમિક્રોનના કુલ કેસ ૧૫૫ થયા છે.
વિશ્વની સાથે ભારતમાં પણ કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના પ્રસારનો ભય ફેલાયો છે ત્યારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ જણાવ્યું હતું કે, દેશમાં હજુ પણ ડેલ્ટા વેરિઅન્ટનો વધુ પ્રસાર થઈ રહ્યો છે. આઈસીએમઆરના અધિક ડિરેક્ટર જનરલ ડો. સમીરન પાંડાએ જણાવ્યું કે, દેશમાં ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી શકે છે, પરંતુ તે હેલ્થ સિસ્ટમ પર ભારે બોજ નાંખે તે જરૂરી નથી. તેમ છતાં રાજ્યોએ સાવચેત રહેવાની જરૂર છે.
દરમિયાન કોરોનાના વધતા કેસોએ ફરી એક વખત લોકોને ચોંકાવી દીધા છે. દિલ્હીમાં રવિવારે કોરોનાના ૧૦૭ કેસ નોંધાયા હતા. રાજધાનીમાં અંદાજે છ મહિનામાં પહેલી વખત કોરોનાના કેસ ૧૦૦થી વધુ સામે આવ્યા છે. આ પહેલાં દિલ્હીમાં ૨૫મી જૂને એક દિવસમાં કોરોનાના ૧૧૫ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં પણ રવિવારે કોરોનાના ૯૦૨ કેસ નોંધાયા હતા અને ૯નાં મોત નીપજ્યાં હતા.
દરમિયાન દેશમાં રવિવારે એક દિવસમાં કોરોનાના નવા ૭,૦૮૧કેસ નોંધાયા હતા અને વધુ ૨૬૪નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૩,૪૭,૪૦,૨૭૫ થયા હતા જ્યારે એક્ટિવ કેસ ઘટીને ૮૩,૯૧૩ થયા છે, જે ૫૭૦ દિવસમાં સૌથી ઓછા છે. કોરોનાનો મૃત્યુઆંક ૪,૭૭,૪૨૨ થયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૬૫૨નો ઘટાડો નોંધાયો હતો અને અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩,૪૧,૭૮,૯૪૦ દર્દીઓ સાજા થઈ ગયા છે.