×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બ્રિટનમાં ઓમિક્રોનનો હાહાકાર, વધુ છનાં મોત, નવા ૧૨ હજાર કેસ


લંડન, તા. ૧૯
દુનિયામાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનું ભયાનક સ્વરૂપ દેખાવા લાગ્યું છે. ઓમિક્રોન વેરિઅન્ટ અત્યાર સુધીમાં ૮૯ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. બ્રિટનમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટે હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં ઓમિક્રોનથી મરનારા દર્દીઓની સંખ્યા વધીને ૭ થઈ ગઈ છે જ્યારે ઓમિક્રોનના દૈનિક ૧૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ સાથે બ્રિટનમાં ઓમિક્રોનના નવા દૈનિક ૧૨,૧૩૩ કેસ થયા છે અને કુલ સંખ્યા વધીને ૩૭.૧૦૧ થઈ છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે ચેતવણી આપી છે કે ક્રિસમસની ઊજવણી પહેલાં નિયંત્રણો નહીં લદાય તો ઓમિક્રોનના કેસ ૨૦ લાખ સુધી પહોંચી શકે છે.
બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ વાજિદે કહ્યું કે ઓમિક્રોનથી મૃતકોની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. અહીં ગયા સપ્તાહે ઓમિક્રોનથી પહેલું મોત થયું હતું. ઓમિક્રોનનો સામનો કરવા માટે રસીકરણની ગતિ વધારવામાં આવી છે. બ્રિટનમાં શનિવારે એક જ દિવસમાં કોરોના વિરોધી રસીના વિક્રમી ૯,૦૬,૬૬૫ ડોઝ અપાયા હતા, જેમાં ૮,૩૦,૦૦૦ બુસ્ટર ડોઝનો સમાવેશ થાય છે. બ્રિટનમાં રવિવારે કોરોનાના નવા ૮૨,૮૮૬ કેસ નોંધાયા હતા અને વધુ ૪૫ દર્દીઓનાં મોત થયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ ૧,૧૩,૬૧,૩૮૭ જ્યારે મૃત્યુઆંક ૧,૪૭,૨૧૮ થયો હતો.
બ્રિટનમાં કોરોનાના વધતા કેસને પગલે યુરોપના દેશોએ પણ ઓમિક્રોનનો પ્રસાર રોકવા માટે પ્રતિબંધો મૂકવાનું શરૂ કર્યું છે. જર્મનીએ બ્રિટનથી પાછા ફરતા લોકોને ક્વોરન્ટાઈન કરવાના નિર્દેશ આપ્યા છે. એટલું જ નહીં જર્મનીમાં માત્ર કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હોય એવા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે.
નેધરલેન્ડે યુરોપમાં હાહાકાર મચાવનારા ઓમિક્રોન વેરિઅન્ટ અને કોરોનાની નવી લહેરને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કર્યું છે. નેધરલેન્ડના કાર્યપાલક વડાપ્રધાન માર્ક રુટ્ટેએ જણાવ્યું હતું કે, સ્કૂલો, યુનિવર્સિટીઓ, થીયેટર્સ, કોન્સર્ટ હોલ, અમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝીયમ અને બધા જ બિન આવશ્યક સ્ટોર્સ, બાર અને રેસ્ટોરાં ૧૪મી જાન્યુઆરી સુધી બંધ રહેશે. ક્રિસમસ અને નવા વર્ષની ઊજવણી સિવાય માત્ર બે લોકોને સાથે ફરવાની છૂટ અપાશે. રુટે જણાવ્યું કે નેધરલેન્ડમાં રવિવારથી ફરી એક વખત લોકડાઉન લાગુ કરવામાં આવે છે. આ સિવાય ફ્રાન્સ, સાયપ્રસ અને ઓસ્ટ્રિયાએ પણ પ્રવાસ નિયંત્રણોને આકરા બનાવ્યા છે. પેરિસે તેની નવા વર્ષની પૂર્વ સંઘ્યાની ફટાકડાની ઊજવણી રદ કરી નાંખી છે.
દરમિયાન રશિયામાં પણ કોરોનાએ કેર મચાવ્યો છે. રશિયામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧,૦૨૩ લોકોનાં મોત થયા છે જ્યારે નવા ૨૭,૯૬૭ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રશિયામાં કોરોનાના કુલ કેસ ૧,૦૨,૧૪,૭૯૦, જ્યારે મૃત્યુઆંક ૨,૯૭,૨૦૩ થયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ જણાવ્યું હતું કે, કોરોનાનો ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા સ્ટ્રેનની સરખામણીમાં અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે. ઓમિક્રોનના કેસની સંખ્યા ૧.૫થી ૩ દિવસમાં બમણી થઈ ગઈ છે.
અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનો પ્રકોપ આંશિક હળવો થયો હતો અને કોરોનાના દૈનિક કેસ દોઢ લાખથી ઘટીને ૮૫,૯૨૪ થયા હતા જ્યારે વધુ ૪૮૭નાં મોત નીપજ્યાં હતા. આ સાથે અમેરિકામાં કોરોનાના કુલ કેસ ૫,૧૬,૯૬,૨૦૫ થયા હતા જ્યારે મૃત્યુઆંક ૮,૨૭,૨૦૬ થયો હતો. દુનિયામાં કોરોનાના કુલ કેસ ૨૭,૪૮,૦૨,૩૧૮ થયા હતા અને મૃત્યુઆંક ૫૩,૬૯,૩૪૯ થયો હતો.