×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માંઝીનો બફાટ- 'પંડિત **** આવે છે, કહે છે તમારા ત્યાં ખાઈશું નહીં, બસ રોકડા આપી દો'


- માંઝીના કહેવા પ્રમાણે એ શબ્દનો પ્રયોગ તેમણે પોતાના સમાજના લોકો માટે કર્યો હતો

નવી દિલ્હી, તા. 19 ડિસેમ્બર, 2021, રવિવાર

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝી ફરી એક વખત વિવાદોમાં ઘેરાયા છે. માંઝી સતત વિવાદિત નિવેદનો આપવા માટે પ્રખ્યાત છે અને હવે તેમણે એક નવો વિવાદ ઉભો કર્યો છે. એક કાર્યક્રમ દરમિયાન જીતન રામ માંઝીએ પંડિતો માટે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. 

હકીકતે શનિવારે પટનામાં ભુઈયાં મુસહર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જીતન રામ માંઝી તે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બન્યા હતા અને ભાષણ દરમિયાન તેમણે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો. માંઝીએ ધર્મના નામે જે રાજકારણ ચાલે છે તેનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ દરમિયાન પંડિતો માટે અપશબ્દો વાપર્યા હતા. 

માંઝીએ કહ્યું હતું કે, 'આજકાલ ગરીબ લોકોમાં ધર્મ પારાયણતા વધી રહી છે. આપણે લોકો સત્યનારાયણ ભગવાનની પૂજાનું નામ નહોતા જાણતા. **** હવે દરેક વસ્તીમાં આપણા લોકોના ત્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા થાય છે. એટલી પણ લાજ શરમ નથી કે, પંડિત **** આવે છે અને કહે છે કે, તમારા ત્યાં કંઈ ખાઈશું નહીં... બસ કંઈક રોકડ આપી દો.'

માંઝીના આ નિવેદન બાદ ભારે વિવાદ થયો હતો પરંતુ પાર્ટીના પ્રવક્તા દાનિશ રિઝવાન તેમના બચાવ માટે મેદાનમાં કૂદી પડ્યા હતા. તેમના કહેવા પ્રમાણે માંઝીના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યું છે.

માંઝીની સ્પષ્ટતા

આ મામલે વિવાદ વકર્યા બાદ જીતન રામ માંઝીએ માફી માગતા કહ્યું હતું કે, તેમણે બ્રાહ્મણો માટે કોઈ અપશબ્દ નથી વાપર્યો. જો બ્રાહ્મણ સમાજને તેમના નિવેદનથી ઠેસ પહોંચી હોય તો તેઓ માફી માગે છે. માંઝીના કહેવા પ્રમાણે એ શબ્દનો પ્રયોગ તેમણે પોતાના સમાજના લોકો માટે કર્યો હતો કે અમારા સમાજના લોકો એવા લોકો પાસે પૂજા કરાવી રહ્યા છે જે અમારા ત્યાં ખાવાનું પણ પસંદ નથી કરતા. 

જોકે જીતન રામ માંઝીના આ નિવેદન બાદ બ્રાહ્મણ સમાજ રોષે ભરાયો છે. રાષ્ટ્રીય બ્રાહ્મણ મહાસભા પરશુરામ સેવા સંસ્થાના પ્રવક્તા રજનીશ કુમાર તિવારીએ આ નિવેદન મુદ્દે આકરો વિરોધ નોંધાવ્યો હતો. આ સંસ્થાએ માંઝીની માફીની માગણી કરી હતી અને સંગઠનના કહેવા પ્રમાણે તેઓ પૂર્વ સીએમના આ નિવેદન વિરૂદ્ધ કોર્ટમાં જશે.