×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કેરળમાં લોહીયાળ સંઘર્ષઃ 12 કલાકની અંદર ભાજપ અને SDPIના 2 દિગ્ગજ નેતાઓની હત્યા, કલમ 144 લાગુ


- પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાની રાજકીય શાખા SDPIએ આ હુમલામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સંલિપ્તતાનો આરોપ લગાવ્યો 

નવી દિલ્હી, તા. 19 ડિસેમ્બર, 2021, રવિવાર

કેરળા અલઝુપ્પા ખાતે 12 કલાકની અંદર 2 નેતાઓની હત્યા બાદ ભારે સન્નાટો વ્યાપ્યો છે. જાણવા મળ્યા મુજબ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (એસડીપીઆઈ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના 2 રાજ્ય સ્તરીય નેતાઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. હત્યા બાદ ભારે તણાવમનો માહોલ વ્યાપ્યો છે જેથી સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 

જાણવા મળ્યા મુજબ રવિવારે સવારે ભાજપના ઓબીસી મોરચાના રાજ્ય સચિવ રંજીત શ્રીનિવાસનની તેમના ઘર સામે જ હત્યા કરી દેવામાં આવી હતી અને ત્યાર બાદ તે વિસ્તારમાં દહેશતનો માહોલ છે. પોલીસના કહેવા પ્રમાણે ભાજપના નેતા સવારે ફરવા માટે નીકળ્યા હતા ત્યારે 8 હુમલાખોરોની ટોળકીએ તેમના પર હુમલો કર્યો હતો અને તેમને ચાકૂ માર્યું હતું. હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ તેઓ મોતને ભેટ્યા હતા. 

SDPIના રાજ્ય સચિવ શાન કેએસની હત્યા 

SDPIના રાજ્ય સચિવ શાન કેએસ (38)ની અજ્ઞાત જૂથે શનિવારે રાતના સમયે ચાકૂ મારીને હત્યા કરી હતી. તેઓ જ્યારે સ્કૂટર દ્વારા મન્નાચેરી ખાતે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે તેમની હત્યા કરવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે કારમાં આવેલા હુમલાખોરોએ પહેલા તેમના ટુ વ્હીલરને ટક્કર મારી હતી અને તેઓ નીચે પડી ગયા ત્યાર બાદ તેમના પર અનેક વખત ચાકૂ વડે હુમલો કર્યો હતો. પીડિતને અનેક ફ્રેક્ચર થયા હતા અને માથામાં ઈજા પહોંચી હતી તથા બાદમાં એર્નાકુલમ ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની અને 2 બાળકો છે. 

કેરળના મુખ્યમંત્રીએ કરી નિંદા

કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને અલાપ્પુઝા ખાતે બે રાજકીય હત્યાઓ થઈ તેની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, સરકાર કોઈને પણ પોતાના હાથમાં કાયદો લેવાની મંજૂરી નહીં આપે. આવા ગુનેગારો સામે આકરી રીતે પગલાં લેવામાં આવશે. 

RSS પર આરોપ

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ની રાજકીય શાખા SDPIએ આ હુમલામાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ની સંલિપ્તતાનો આરોપ લગાવ્યો હતો પરંતુ RSSના જિલ્લા નેતાઓએ કોઈ પણ પ્રકારની ભૂમિકા હોવાનો ઈનકાર કરી દીધો હતો.