×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભૂતાને કર્યું PM મોદીનું સન્માન, સર્વોચ્ય નાગરિક પુરસ્કાર એનાયત કર્યો


- ભૂતાને આ પુરસ્કાર માટે પોતાના લોકો તરફથી શુભેચ્છા આપતા જણાવ્યું કે, તેમને હંમેશા એક મહાન અને આધ્યાત્મિક મનુષ્ય તરીકે જોયા છે

નવી દિલ્હી, તા. 17 ડિસેમ્બર, 2021, શુક્રવાર

ફરી એક વખત વિદેશમાં ભારતનો ડંકો વાગ્યો છે. ભૂતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર વડે સન્માન કર્યું છે. ભૂતાનના વડાપ્રધાને ટ્વિટરના માધ્યમથી આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને ભૂતાનના સર્વોચ્ય નાગરિક પુરસ્કાર Ngadag Pel gi Khorlo વડે સન્માનિત કરવામાં આવ્યા છે. 

ભૂતાને મિત્રતા અને આંતરિક સહયોગ માટે વડાપ્રધાન મોદીને આ પુરસ્કાર આપ્યો છે. ભૂતાન સરકારે જણાવ્યું કે, મહામારી દરમિયાન વડાપ્રધાન મોદીએ સહયોગ આપ્યો. ભૂતાને આ પુરસ્કાર માટે પોતાના લોકો તરફથી શુભેચ્છા આપતા જણાવ્યું કે, તેમને હંમેશા એક મહાન અને આધ્યાત્મિક મનુષ્ય તરીકે જોયા છે. ભૂતાને વડાપ્રધાન મોદીને તેમના દેશ પધારવા માટેનું આમંત્રણ પણ આપ્યું છે. 

આ એવોર્ડ્સ વડે સન્માનિત થઈ ચુક્યા છે PM મોદી

આ પહેલી વખત નથી બન્યું જ્યારે કોઈ દેશે વડાપ્રધાનને પોતાનું સર્વોચ્ય નાગરિક સન્માન એનાયત કર્યું હોય. અગાઉ પણ યુએઈ, માલદીવ્સ અને રશિયા જેવા દેશે તેમને સન્માનિત કર્યા છે. 

- 2016માં સાઉદી અરેબિયાએ પીએમ મોદીને પોતાનો સર્વોચ્ય નાગરિક પુરસ્કાર King Abdulaziz Sash Award એનાયત કર્યો હતો. તે જ વર્ષે અફઘાનિસ્તાને પણ સર્વોચ્ય નાગરિક સન્માન Ghazi Amir Amanullah Khan એનાયત કર્યું હતું. 

- ફેબ્રુઆરી 2018માં પેલેસ્ટાઈને પીએમ મોદીને પોતાના સર્વોચ્ય નાગરિક સન્માન Grand Collar વડે સન્માનિત કર્યા હતા. તે જ વર્ષે દક્ષિણ કોરિયાએ તેમનું Seoul Peace Prize વડે સન્માન કર્યું હતું. પર્યાવરણ ક્ષેત્રે ઐતિહાસિક કામ કરવાને લઈ સંયુક્ત રાષ્ટ્રએ પીએમ મોદીનું Champions of the Earth એવોર્ડ વડે સન્માન કર્યું હતું. 

-2019માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને પોતાના દેશના સર્વોચ્ય નાગરિક સન્માન Order of St. Andrew the Apostle વડે સન્માનિત કર્યા હતા. 

-2019માં જ UAEએ પણ પીએમ મોદીને પોતાના સર્વોચ્ય સન્માન Zayed Medal વડે પુરસ્કૃત કર્યા હતા. તે જ વર્ષે માલદીવ્સે પણ તેમને પોતાનું સર્વોચ્ય સન્માન Rule of Izzudeen એનાયત કર્યું હતું.