×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તર ભારત ઠંડીમાં ઠુંઠવાયું : કાતિલ શીત લહેરની આગાહી


- ગુજરાતનું નલિયા 3.8 ડિગ્રીએ ઠંડુગાર, ઓડિશાના કાશ્મીર દરિંગબાડીમાં તાપમાન 7 ડિગ્રી

- પાંચ દિવસમાં પારો બેથી ચાર ડિગ્રી ગગડશે, પૂર્વોત્તર ભારતમાં ગાઢ ધૂમ્મસ છવાશે : તામિલનાડુ સહિત દક્ષિણ ભારતમાં હળવા વરસાદની સંભાવના

- દિલ્હીમાં ઠંડી વધવાની સાથે હવાની ગુણવત્તા સતત ચોથા દિવસે 'અતિ ખરાબ'

નવી દિલ્હી : કાશ્મીરના ગુલમર્ગ ખાતે તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી સુધી નીચે ગગડી જવાની સાથે ઉત્તર ભારતમાં શીત લહેરની સ્થિતિ વધુ આકરી બની છે. આવા સમયે હવામાન વિભાગે ગુજરાત, ઉત્તર ભારત સહિતના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ સુધીમાં કાતિલ શીત લહેરની આગાહી કરી છે. આ વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસમાં પારો સરેરાશ કરતાં બેથી ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે. મધ્ય ભારત અને પૂર્વ ભારતમાં પણ આગામી બે દિવસમાં શીત લહેરની અસર જોવા મળશે. ગુજરાતમાં નલિયા ૩.૮ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. ઓડિશાના કાશ્મીર ગણાતા દરિંગબાડીમાં પણ તાપમાન ઘટીને ૭ ડિગ્રી થયું હતું. 

દેશના અનેક રાજ્યોમાં આગામી ચારથી પાંચ દિવસમાં ઠંડીના કારણે લોકોની મુશ્કેલીઓ વધશે. હવામાન વિભાગ મુજબ આગામી કેટલાક દિવસોમાં અનેક રાજ્યો શીતલહેરની ઝપેટમાં આવી જશે. આ સિવાય વિભાગે હળવાથી મધ્યમ વરસાદનો પણ અંદાજ વ્યક્ત કર્યો છે. હવામાન વિભાગે માછીમારોને સમુદ્રી વિસ્તારોમાં જવા અંગે ચેતવણી આપી છે.

હવામાન વિભાગ મુજબ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૭થી ૨૧ ડિસેમ્બર સુધીમાં શીત લહેર ચાલી શકે છે. આ સિવાય ૧૮થી ૨૧ ડિસેમ્બર સુધી ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ગુજરાતના અનેક વિસ્તારોમાં શીત લહેર જોવા મળી શકે છે. હવામાન વિભાગે કહ્યું કે, જમ્મુ અને પડોશી વિસ્તારોમાં સાઈક્લોનિક સરક્યુલેશન રચાતા પશ્ચિમી વિક્ષોભ જોવા મળ્યું છે. તેની અસર હેઠળ જમ્મુમાં છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.

હવામાન વિભાગ મુજબ આગામી ત્રણ દિવસમાં જમ્મુ, કાશ્મીર-લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ અથવા હિમવર્ષાની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે. તામિલનાડુ-પુડુચેરી-કરાઈકાલ, અંદામાન અને નિકોબાર ટાપુઓ, કેરળ-માહેના છુટાછવાયા વિસ્તારોમાં આગામી પાંચ દિવસમાં વરસાદની પણ સંભાવનાઓ છે. હિન્દ મહાસાગરમાં પવન પ્રતિ કલાક ૪૦-૫૦ કિ.મી.થી ૬૦ કિ.મી. સુધીની ઝડપે ફુંકાઈ શકે છે.  હવામાન વિભાગે ઉત્તર ભારત, રાજસ્થાન, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં સવારના સમયમાં લોકોએ ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે.

દરમિયાન ઉત્તર કાશ્મીરના ગુલબર્ગમાં પારો ગગડીને માઈનસ ૧૦ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જોકે, કાશ્મીર ખીણના દક્ષિણ અને મધ્ય ભાગોમાં ઠંડીથી આંશિક રાહત મળી હતી. શ્રીનગરમાં તાપમાન માઈનસ ૨.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહલગામમાં પારો માઈનસ ૬.૯ ડિગ્રી સે. નીચે અને દક્ષિણ કાશ્મીરમાં પારો માઈનસ ૬.૪ ડિગ્રી સે.પહોંચી ગયો હતો. ઉત્તર કાશ્મીરના કુપવારામાં તાપમાન માઈનસ ૪.૫ ડિગ્રી સે. અને કાઝિગંદ તથા કોકેરનાગમાં તાપમાન માઈનસ ૩ ડિગ્રી સે. નોંધાયું હતું.

દિલ્હીમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન ૮.૭ ડિગ્રી સે. નોંધાયું હતું. આગામી ત્રણ દિવસમાં સરેરાશ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. દિલ્હીમાં આકાશ વાદળછાયું રહ્યું હતું અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ નોંધાયો હતો. 

દિલ્હીમાં ગુરુવારે ઠંડી વધવાની સાથે હવાની ગુણવત્તા સતત ચોથા દિવસે 'અતિ ખરાબ' કેટેગરીમાં આવી હતી. જોકે, શુક્રવારથી પવનની ગતિ વધવાની સાથે હવાની ગુણવત્તા પણ સુધરવાની શક્યતા છે. દિલ્હીમાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ૩૬૩થી વધીને ૩૬૮ થયો હતો. ઉપરાંત પડોશી વિસ્તારો ફરિદાબાદ (૩૩૪), ગાઝિયાબાદ (૩૨૬), ગ્રેટર નોઈડા (૩૦૮), ગુરુગ્રામ (૩૩૧) અને નોઈડા (૩૧૪) પણ હવા 'અતિ ખરાબ' કેટેગરીમાં નોંધાઈ હતી. 

ઓડિશામાં પણ ગુરુવારે શીત લહેરની સ્થિતિ જોવા મળી હતી. ઓડિશામાં ૨૨ સ્થળો પર તાપમાન ગગડીને ૧૫ ડિગ્રી નીચે ગયું હતું. રાજ્યમાં સૌથી નીચું તાપમાન ઓડિશાના કાશ્મીર ગણાતા દરિંગબાડી ખાતે ૭ ડિગ્રી સે. નોંધાયું હતું, જે અગાઉના દિવસ કરતાં -૦.૫ ડિગ્રી ઓછું હતું. કંધમાલના જિલ્લા મુખ્યાલય ફુલબની શહેરમાં પણ તાપમાન ઘટીને ૯ ડિગ્રી સે. થયું હતું. રાજ્યના અન્ય સ્થળો પર પણ તાપમાન સરેરાશ કરતાં ૩થી ચાર ડિગ્રી સે. ઘટયું હતું. આગામી ત્રણ દિવસમાં તાપમાન વધુ ઘટવાની હવામાન વધુ છે.