×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'શીના બોરા જીવે છે'- ઈન્દ્રાણી મુખર્જીનો દાવો… તો પછી રાયગઢના જંગલમાંથી મળેલી લાશ કોની હતી?


- ઈન્દ્રાણી મુખર્જીએ કરેલા દાવા પ્રમાણે તાજેતરમાં તે જેલમાં એક મહિલાને મળી હતી જેણે ઈન્દ્રાણીને પોતે કાશ્મીર ખાતે શીનાને મળી હોવાનું જણાવ્યું હતું

નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર, 2021, ગુરૂવાર

મહારાષ્ટ્રના ચર્ચિત શીના બોરા હત્યાકાંડની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીએ પોતાની દીકરી શીના બોરા જીવીત હોવાનો દાવો કરીને સનસનાટી મચાવી દીધી છે. ઈન્દ્રાણીએ CBI ડાયરેક્ટરને એક ચિઠ્ઠી લખીને દાવો કર્યો છે કે, તેની દીકરી શીના જીવે છે અને હાલ તે કાશ્મીરમાં છે. જો ઈંદ્રાણીની વાત સાચી માની લઈએ તો સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે, રાયગઢના જંગલમાંથી મળેલી લાશના અવશેષો શીનાના નહોતા તો તે લાશ કોની હતી?

રાયગઢના જંગલમાં દફનાવેલી લાશ

તપાસ દરમિયાન સીબીઆઈએ એવો ખુલાસો કર્યો હતો કે, શીના બોરાની હત્યા એપ્રિલ 2012માં થઈ હતી. તેની લાશને રાયગઢના પેન વિસ્તારમાં જંગલ વચ્ચે દફનાવી દેવામાં આવી હતી. એક રીતે આ કેસ રહસ્ય બની રહેત પરંતુ 23 મે, 2012ના રોજ સ્થાનિક ગામલોકોને જંગલ વચ્ચે દફનાવાયેલી લાશની ખબર પડી ગઈ હતી અને તેમણે પેન થાણા પોલીસને આ અંગે જાણ કરી હતી. 

પોલીસે કેસ ન નોંધ્યો

તે સમયે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે લાશને જમીનમાંથી બહાર કાઢીને ઓળખ મેળવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ કશું નહોતું જાણી શકાયું. ત્યાર બાદ લાશનું પરીક્ષણ કરવામાં આવેલું, કેટલાક સેમ્પલ લેવામાં આવેલા અને પછી પોલીસે લાશને દફનાવી દીધી હતી. સમય વીતવા લાગેલો પરંતુ 2015માં આ મુદ્દો ફરી ચર્ચામાં આવેલો કારણ કે, મૃતક શીના બોરા એક હાઈ પ્રોફાઈલ પરિવારની યુવતી હતી જે હત્યા પહેલાથી ઘરેથી ગાયબ હતી. 

ફોરેન્સિક રિપોર્ટમાં શીનાની લાશ ગણાવાઈ

એઈમ્સના ફોરેન્સિક રિપોર્ટે પણ રાયગઢના જંગલમાંથી મળેલી લાશના અવશેષ શીના બોરાના જ હોવાની પૃષ્ટિ કરી હતી. તે રિપોર્ટ સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો. આ રિપોર્ટ બનાવતા પહેલા જંગલમાંથી મળેલી લાશનું 3 રીતે પરીક્ષણ કરાયેલું અને ત્યાર બાદ પૃષ્ટિ કરાઈ હતી. 

આવી રીતે થયું હતું પરીક્ષણ

નિષ્ણાંતોએ સૌથી પહેલા તો હાડકાંનું ડીએનએ પરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ બીજા તબક્કામાં ખોપડીના અવશેષોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ત્રીજા તબક્કામાં ઘટના સ્થળે રહેલા પુરાવાઓની તપાસ અને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તમામ નમૂના શીના બોરાની લાશ સાથે મેળ ખાતા હતા. સૌથી મહત્વના હતા શીના બોરાના શરીરમાંથી લેવામાં આવેલા ડીએનએ નમૂના. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે હત્યાની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીના ડીએનએ સાથે મેચ કરી રહ્યા હતા. ત્યાર બાદ નિષ્ણાંતોએ વિસ્તૃત રિપોર્ટ બનાવ્યો હતો. 

ઈન્દ્રાણી મુખર્જીની ચિઠ્ઠી અને દાવો

સીબીઆઈ અધિકારીને લખેલા પત્રમાં ઈન્દ્રાણી મુખર્જીએ કરેલા દાવા પ્રમાણે તાજેતરમાં તે જેલમાં એક મહિલાને મળી હતી. તે મહિલાએ ઈન્દ્રાણીને પોતે કાશ્મીર ખાતે શીનાને મળી હોવાનું જણાવ્યું હતું. પત્રમાં ઈન્દ્રાણીએ જણાવ્યું કે, સીબીઆઈ હવે કાશ્મીરમાં શીનાની તપાસ કરે. ઉલ્લેખનીય છે કે, ઈન્દ્રાણી 2015થી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. 

ઈન્દ્રાણીના દાવા બાદ તપાસ સામે સવાલ

જેલમાં બંધ શીના મર્ડર કેસની મુખ્ય આરોપી એવી શીનાની માતા ઈન્દ્રાણી મુખર્જીએ કરેલા દાવાના કારણે સીબીઆઈ અને આ કેસ સાથે સંકળાયેલી તમામ એજન્સી સામે શંકાની સોય ઉભી થઈ છે. સૌથી મોટો સવાલ એ છે કે, જો ઈન્દ્રાણીના દાવામાં સચ્ચાઈ હોય તો રાયગઢના જંગલમાંથી જે યુવતીની લાશ મળી હતી તે કોણ હતી? તેની હત્યા કોણે કરી? તેની હત્યા પાછળનો ઉદ્દેશ્ય શું હતો? હત્યા પાછળ કોણ હતું? આ તમામ સવાલો છે જેના જવાબ સીબીઆઈએ નવેસરથી મેળવવા પડશે.