×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વિજય દિવસઃ કઈ રીતે પાકિસ્તાનના હાથમાંથી નીકળી ગયું બાંગ્લાદેશ, શા માટે થયો ભારત-પાક વચ્ચે જંગ?


- ભારત-પાક યુદ્ધ દરમિયાન એક સમયે અમેરિકા પાકિસ્તાનની મદદ માટે આગળ આવી ગયું હતું

નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર, 2021, ગુરૂવાર

1971ના વર્ષમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. 1965 બાદ પાકિસ્તાને ફરી એક વખત ભારતના હાથે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. તે સિવાય વિશ્વના નકશા પર વધુ એક દેશનો જન્મ થઈ ગયો પરંતુ સવાલ એ છે કે, પાકિસ્તાનના અસ્તિત્વમાં આવ્યાના માત્ર 24 વર્ષ બાદ જ શા માટે તેના ટુકડા થઈ ગયા? શા માટે તેનો એક હિસ્સો તૂટીને બાંગ્લાદેશ બની ગયો? શું બાંગ્લાદેશના જન્મની કહાની 1971માં જ શરૂ થઈ હતી કે તેના બીજ પણ 1947માં જ રોપી દેવાયા હતા અને શું ભારત તે લડાઈમાં ફક્ત બાંગ્લાદેશની મદદ કરવા માટે કૂદ્યું હતું કે, તેના પાછળ અન્ય કોઈ ઉદ્દેશ્ય પણ હતો? તો વિજય દિવસ જેને બાંગ્લામાં 'બિજોય દિબોસ' પણ કહે છે તેની 50મી વર્ષગાંઠ પર તમારા મનમાં ઉઠી રહેલા આ બધા સવાલોના જવાબ જાણો.

1950મા નખાયેલો ભાગલાનો પાયો 

જ્યારે પણ ભારત-પાકિસ્તાન વચ્ચે બીજા યુદ્ધ અને બાંગ્લાદેશના જન્મની વાત થાય ત્યારે સૌથી પહેલા 1971ના વર્ષનો ઉલ્લેખ થાય છે પરંતુ ઘણાં ઓછા લોકો એ વાત જાણે છે કે, બાંગ્લાદેશની રચનાનો પાયો એક રીતે ભારત-પાકિસ્તાનના વિભાજન બાદ તરત જ નખાઈ ગયો હતો. તત્કાલીન પૂર્વી પાકિસ્તાનમાં બંગાળી અસ્મિતા અને તેની ઓળખને લઈ જાતીય સંઘર્ષની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ અસલ શરૂઆત 1950મા થઈ હતી. તે વર્ષમાં જ ભારતે પોતાનું બંધારણ લાગુ કર્યું હતું અને તેની દેખાદેખીમાં પાકિસ્તાન પણ તે માટેની તૈયારીમાં લાગ્યુ હતું. તે દરમિયાન પૂર્વી પાકિસ્તાનમાં રહેતા બંગાળીઓએ બાંગ્લા ભાષાને ઉચિત પ્રોત્સાહન આપવાની માગણી કરીને આંદોલન શરૂ કરી દીધું હતું. થોડાં દિવસો બાદ તે આંદોલન ભલે ખતમ થઈ ગયું હોય પરંતુ તેમાં જે માગણીઓ ઉઠાવવામાં આવેલી તે ધીમે ધીમે ઉંચે ચઢી રહી હતી. 

પૂર્વ-પશ્ચિમ પાકિસ્તાનના સંબંધમાં કડવાશ

ભારત-પાક વિભાજન બાદ પાકિસ્તાનના પૂર્વીય અને પશ્ચિમી વિસ્તારોમાં રહેતા લોકો વચ્ચે મતભેદ વધી રહ્યો હતો. તે સંઘર્ષ ફક્ત અલગ-અલગ ક્ષેત્રોમાં રહેવાનો જ નહોતો પરંતુ ભાષા, સંસ્કૃતિ, રહેણી-કરણી અને વિચારોના આધાર પરનો પણ હતો. તેવામાં શેખ મુજીબુર્રહમાને પૂર્વીય પાકિસ્તાનની આઝાદી માટે સંઘર્ષ શરૂ કરી દીધો હતો અને આ માટે તેમણે 6 સૂત્રીય કાર્યક્રમની જાહેરાત પણ કરી દીધી હતી. આ તમામ પગલાંઓના કારણે તેમના સહિત અન્ય કેટલાય બંગાળી નેતાઓ પાકિસ્તાનના નિશાના પર આવી ગયા હતા. પાકિસ્તાને દમન નીતિ અંતર્ગત શેખ મુજીબુર્રહમાન અને અન્ય લોકો વિરૂદ્ધ કેસ ચલાવ્યો પરંતુ તે ચાલ તેના પર જ ભારે પડી ગઈ.

1970ની સામાન્ય ચૂંટણીમાં અંતિમ ચોટ

1950મા શરૂ થયેલા આંદોલનને પશ્ચિમી પાકિસ્તાને ભલે દબાવી દીધું પરંતુ પૂર્વીય પાકિસ્તાનમાં રહેતા બંગાળીઓની માગણીઓનો કોઈ ઉકેલ ન આવ્યો. આ કારણે જ તે તણાવ છેક 1970 સુધી પહોંચી ચુક્યો હતો. વર્ષનો અંતિમ સમય હતો અને પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓની શરૂઆત થઈ ગઈ હતી. તે દરમિયાન શેખ મુજીબુર્રહમાને પોતાની લોકપ્રિયતા સાબિત કરી અને તેમની રાજકીય પાર્ટી પૂર્વી પાકિસ્તાની અવામી લીગે પૂર્વીય પાકિસ્તાનની 169માંથી 167 બેઠકો પર વિજય મેળવ્યો. આ કારણે મુજીબુર્રહમાન પાસે 313 બેઠકોવાળી પાકિસ્તાની સંસદમાં સરકાર બનાવવા માટે જોરદાર બહુમત હતો પરંતુ પશ્ચિમી પાકિસ્તાન પર શાસન કરી રહેલા લોકોને રાજકારણમાં તેમની દખલ મંજૂર નહોતી. આ કારણે પૂર્વીય પાકિસ્તાનના લોકોની નારાજગી વધી ગઈ અને તેમણે આંદોલન શરૂ કરી દીધું જેને દબાવવા માટે પૂર્વીય પાકિસ્તાનમાં સેના મોકલી દેવામાં આવી. 

અને બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું...

પૂર્વીય પાકિસ્તાનમાં શરૂ થયેલો પાકિસ્તાની સેનાનો અત્યાચાર સતત વધી રહ્યો હતો. માર્ચ 1971માં પાકિસ્તાની સેનાએ નિર્દયતાની તમામ હદો પાર કરી દીધી અને પૂર્વીય પાકિસ્તાનની આઝાદીની માગ કરનારા લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. મહિલાઓ સાથે દુષ્કર્મ જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ. તેવામાં પૂર્વીય પાકિસ્તાનથી ભાગીને ભારત આવનારા શરણાર્થીઓની સંખ્યા વધવા લાગી અને ભારત પર પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરવાના દબાણમાં પણ વધારો થયો. તેવામાં માર્ચ 1971ના અંતમાં ભારત સરકારે પૂર્વીય પાકિસ્તાનની મુક્તિવાહિનીની મદદ કરવાનો નિર્ણય લઈ લીધો. હકીકતે મુક્તિવાહિનીએ પૂર્વીય પાકિસ્તાનના લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલી સેના હતી જેનો ઉદ્દેશ્ય પૂર્વીય પાકિસ્તાનને આઝાદ કરાવવાનો હતો. 31 માર્ચ, 1971ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ભારતીય સંસદમાં આ અંગે મહત્વની જાહેરાત કરી હતી. 29 જુલાઈ, 1971ના રોજ ભારતીય સંસદમાં સાર્વજનિકરૂપે પૂર્વીય બંગાળના ફાઈટર્સની મદદ કરવાની ઘોષણા કરવામાં આવી. જોકે ત્યાર બાદ પણ અનેક મહિનાઓ સુધી બંને દેશ વચ્ચે શીત યુદ્ધ ચાલતું રહ્યું. 03 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાને ભારતના અનેક શહેરો પર હુમલો કર્યો તો ભારતે પણ યુદ્ધની જાહેરાત કરવી પડી. માત્ર 13 દિવસ બાદ એટલે કે, 16 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાની સેનાના આત્મસમર્પણની સાથે જ દુનિયાના નકશા પર બાંગ્લાદેશ નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો. જોકે આજે પણ બાંગ્લાદેશ 26 માર્ચને પોતાના સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવે છે કારણ કે, 1971માં તે તારીખે જ શેખ મુજીબુર્રહમાને પૂર્વીય પાકિસ્તાનની આઝાદીની જાહેરાત કરી હતી. 

ભારતે અનેક ડિપ્લોમેટિક પરિમાણ નિર્ધારિત કર્યા 

1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા આ જંગમાં ભારતે અનેક ડિપ્લોમેટિક પરિમાણો પણ નિર્ધારિત કર્યા હતા. તેના દ્વારા ભારતે ફક્ત પૂર્વીય પાકિસ્તાનને પાકિસ્તાનના જુલમમાંથી મુક્ત જ નહોતું કરાવ્યું પરંતુ વિશ્વ સમક્ષ પોતાના નિર્ણયોની ધાક પણ મનાવ હતી. ડિસેમ્બર 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ થયું તે પહેલા બંને દેશ વચ્ચે શીત યુદ્ધ ચાલ્યું હતું. તે દરમિયાન ઓક્ટોબર-નવેમ્બરના મહિનામાં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ યુરોપ અને અમેરિકાની મુલાકાત લીધી હતી. આ સાથે જ ભારતના પરિપ્રેક્ષ્યને વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું. રાજકીય જાણકારોના કહેવા પ્રમાણે તે સમયે અમેરિકા પાકિસ્તાનનું સમર્થન કરીને પોતાના ચીન સાથેના સંબંધો સુધારવા માગતું હતું. આ કારણે તેણે ભારતની વાત સાંભળવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. તેવામાં ભારતે સોવિયત સંઘ સાથે સહયોગ સંધિ કરી જેનો ફાયદો તેને 1971ના જંગમાં ખૂબ સારી રીતે મળ્યો. હકીકતે ભારત-પાક યુદ્ધ દરમિયાન એક સમયે અમેરિકા પાકિસ્તાનની મદદ માટે આગળ આવી ગયું હતું. તેણે જાપાન પાસે તૈનાત પોતાની નૌસેનાના સાતમા કાફલાને પાકિસ્તાનની મદદ માટે બંગાળની ખાડી તરફ મોકલી દીધો હતો. તેવામાં રશિયાએ ભારતની મદદ માટે પરમાણુ ક્ષમતાથી સજ્જ પોતાની સબમરીન અને વિધ્વંસક જહાજોને પ્રશાંત મહાસાગરમાંથી હિંદ મહાસાગર તરફ મોકલી દીધા હતા. તેવામાં અમેરિકી સેના પાકિસ્તાનની મદદ માટે ન પહોંચી શકી અને 1971ના જંગનું પરિણામ ભારતના પક્ષમાં આવ્યું.