×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું અવસાન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા હતા ઘાયલ


- વરૂણ સિંહના પિતા કૃષ્ણ પ્રતાપ સિંહ સેનામાં કર્નલ પદેથી રિટાયર્ડ થયા હતા

નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર, 2021, બુધવાર

તમિલનાડુના કુન્નૂર ખાતે હેલિકોપ્ટર ક્રેશમાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું પણ અવસાન થયું છે. ગત 08 ડિસેમ્બરના રોજ તમિલનાડુના કુન્નૂર ખાતે સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તે દુર્ઘટનામાં બિપિન રાવત, તેમના પત્ની સહિત 13 લોકોના અવસાન થયા હતા. દુર્ઘટનામાં માત્ર વરૂણ સિંહ જ બચ્યા હતા પરંતુ બુધવારે તેઓ જિંદગી સામેનો જંગ હારી ગયા હતા. ભારતીય એરફોર્સે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી. 

આઈએએફએ ટ્વિટમાં લખ્યું હતું કે, ભારતીય એરફોર્સને એ જણાવતા ખૂબ જ દુખ થઈ રહ્યું છે કે, ગ્રુપ કેપ્ટનનું આજે સારવાર દરમિયાન અવસાન થયું છે. તેઓ 08 ડિસેમ્બર, 2021ના રોજ થયેલી દુર્ઘટનામાં એકલા જીવીત બચ્યા હતા. એરફોર્સ ઓફિસર તેમના અવસાન પર સંવેદનાઓ વ્યક્ત કરે છે અને તેમના પરિવાર સાથે મજબૂતાઈથી ઉભા છે. 

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ યુપી ખાતે દેવરિયાના ખોરમા કન્હૌલી ગામના રહેવાસી હતા. વેલિંગ્ટન ખાતે આવેલી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. બેંગલુરૂ અને પુણેના ડોક્ટર્સ તેમની સારવાર કરી રહ્યા હતા. વરૂણ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનના બેચમેટ હતા. અભિનંદન વર્ધમાને જ 27 ફેબ્રુઆરી, 2019ના રોજ ભારતની સરહદમાં ઘૂસી આવેલા પાકિસ્તાની વિમાનોને ખદેડ્યા હતા. 

કેપ્ટન વરૂણ સિંહનો જન્મ દિલ્હી ખાતે થયો હતો. તેમની ઉંમર 42 વર્ષ હતી. તેમના પિતા કૃષ્ણ પ્રતાપ સિંહ સેનામાં કર્નલ પદેથી રિટાયર્ડ થયા હતા. વરૂણના નાના ભાઈ તનુજ સિંહ મુંબઈ ખાતે નેવીમાં છે. તેમના પત્નીનું નામ ગીતાંજલિ, દીકરાનું નામ રિદ રમન અને દીકરીનું નામ આરાધ્યા છે.