×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'વેક્સિનેશનમાં મોડું થયું તો ફાંસી પર લટકાવી દઈશ'- ગ્વાલિયરના કલેક્ટરે આપી ધમકી


- છેલ્લા 4 દિવસથી વેક્સિનેશન શિબિરનું આયોજન નથી થયું તે જાણીને તેઓ રોષે ભરાયા હતા

નવી દિલ્હી, તા. 15 ડિસેમ્બર, 2021, બુધવાર

મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે કોરોના વેક્સિનેશનની કામગીરી પૂરી ન થવાને લઈ કલેક્ટર ગરમાઈ ગયા હતા. કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે અધિકારીઓને ફાંસી પર લટકાવવાની ધમકી પણ આપી દીધી હતી. 

કલેક્ટરે કહ્યું હતું કે, 'મને કોઈ મતલબ નથી, જો વેક્સિનેશનમાં એક પણ દિવસનું મોડું થયું તો હું ફાંસી પર લટકાવી દઈશ. મને કોઈ મતલબ નથી. એક પણ વેક્સિન છૂટી, ઘરે લગાવો...ખેતરમાં લગાવો, માણસના પગે પડો...24 કલાક તેના ઘરે બેસી રહો.'

હકીકતે મંગળવારે કલેક્ટરે ભિતરવારના સ્વાસ્થ્ય કેન્દ્ર ખાતે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓ પાસેથી વેક્સિનેશનની માહિતી મેળવી હતી. જ્યારે તેમને જાણવા મળ્યું કે, તે તહેસીલમાં છેલ્લા 4 દિવસથી વેક્સિનેશન શિબિરનું આયોજન નથી થયું તો તેઓ રોષે ભરાયા હતા. તેમણે ત્યાં ઉપસ્થિત અધિકારીઓને વેક્સિનેશન શિબિર ન યોજવાનું કારણ પુછ્યું હતું.

અધિકારીઓએ જવાબ આપ્યો ત્યાર બાદ કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે ધમકી આપી દીધી હતી. આ દરમિયાન તેઓ સતત અધિકારીઓને પુછી રહ્યા હતા કે, વેક્સિનેશન પૂર્ણ શા માટે નથી થઈ રહ્યું. કલેક્ટરની સાથે જિલ્લા પંચાયત સીઈઓ આઈએએસ આશીષ તિવારી પણ ઉપસ્થિત હતા. આ અંગે સવાલ પુછવામાં આવતા કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહ ચૌહાણે આ વીડિયો સાચો છે અને જ્યારે લોકો કામ નથી કરતા તો આવું બોલવું પડે છે તેવો જવાબ આપ્યો હતો.