×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લખીમપુર ઘટના ખેડૂતોની હત્યાનું પૂર્વાયોજિત કાવતરૂં, અમારી પાસે પુરાવા : એસઆઈટી


ખેડૂતો પર કાર ચડાવવાની ઘટના સામાન્ય નથી : એસઆઇટીનો કોર્ટમાં ઘટસ્ફોટ

સામાન્ય કલમોને હટાવી 307 (હત્યાનો પ્રયાસ)ની કલમ ઉમેરવામાં આવી, કેન્દ્રિય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષની મુશ્કેલીમાં વધારો

મોદીજી સત્ય તમારી સામે આવ્યું, મંત્રી અજય મિશ્રા હત્યામાં સામેલ હતા, તમે માફી માગો : રાહુલ

લખીમપુરની આ ગોઝારી ઘટનામાં  ચાર ખેડૂતો સહિત કુલ આઠનાં મૃત્યુ થયા હતા

લખીમપુર ખીરી : ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર કાર ચડાવી દેવા ઉપરાંત થયેલી હિંસાની ઘટનામાં કુલ આઠ લોકો માર્યા ગયા હતા. આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી એસઆઇટીએ કોર્ટમાં ઘટસ્ફોટ કર્યો છે કે કાવતરૂ કરીને લખીમપુરમાં ખેડૂતો પર કાર ચડાવી દેવામાં આવી હતી.

આ કોઇ સામાન્ય ઘટના નહીં પણ હત્યાનું પૂર્વાયોજિત કાવતરૂં હતું. સાથે જ એસઆઇટીએ કોર્ટને કહ્યું છે કે કેસમાં જે સામાન્ય કલમો લગાવવામાં આવી છે તેના સૃથાને આકરી સજાની કલમો ઉમેરવામાં આવી છે.  

આ સમગ્ર મામલામાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિશ મિશ્રા સહિત 14 લોકોની સામે કેસ ચાલી રહ્યો છે. દરમિયાન એસઆઇટીએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને જણાવ્યું હતું કે આ કેસમાં આઇપીસીની સામાન્ય કલમો લગાવવામાં આવી હતી

જેમ કે આઇપીસીની કલમ 279 (પુર ઝડપે ગેર જવાબદારી ભર્યું ડ્રાઇવિંગ કરવું), 338 (લોકોને બેજવાબદાર બનીને ઘાયલ કરી દેવા), 304એ (ગેરબજવાબદારી ભર્યા ડ્રાઇવિંગથી મોત નિપજાવવું). માટે આ કલમોના સૃથાને હવે 307 (હત્યાનો પ્રયાસ)ની કલમ લગાવવામા આવી છે જ્યારે અન્ય કલમોને યથાવત રાખવામાં આવી છે. નોંધનીય છે કે કેન્દ્રીય મંત્રીના પુત્ર ઉપરાંત કેટલાક પોલીસકર્મીઓના નામ પણ આ કેસમાં સામેલ છે.   

બીજી તરફ સ્પેશિયલ પ્રોસિક્યૂશન ઓફિસર (એસપીઓ) એસપી યાદવે પીટીઆઇને કહ્યું હતું કે એસઆઇટીના એસપીઓ વિદ્યારામ દિવાકરે સીજેએમ ચિંતારામની કોર્ટમાં અરજી કરીને કહ્યું છે કે તપાસ દરમિયાન મળેલા પુરાવાથી સામે આવ્યું છે કે લખીમપુર ખીરીમાં પૂર્વાયોજિત કાવતરાથી ખેડૂતો પર કાર ચડાવી દેવામાં આવી હતી.

એસઆઇટીએ કહ્યું છે કે ખેડૂતોની હત્યા કરવાના ઇરાદાથી અગાઉથી જ કાવતરૂ ઘડીને કાર ચડાવી દેવામાં આવી હતી. સાથે એસઆઇટીએ કોર્ટને કહ્યું છે કે આ સમગ્ર ઘટનાને કોઇ સામાન્ય બેદરકારી નહીં પણ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે જોવામાં આવે. એસઆઇટીના આ ખુલાસા બાદ કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિશ મિશ્રાની મુશ્કેલી વધી શકે છે. 

દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માગણી કરી છે કે આ સમગ્ર કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાનો પણ હાથ હોવાથી તેમને મંત્રી પદેથી હટાવવામાં આવે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માફી માગવી જોઇએ. રાહુલે ટ્વીટ કરીને કહ્યું હતું કે મોદીજી સત્ય તમારી સામે આવી ગયું છે.

દેશ સમક્ષ બીજી વખત માફી માગવાનો સમય આવી ગયો છે. તમે માફી માગો તે પહેલા કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને મંત્રી પદેથી હટાવી દો કેમ કે તે એક આરોપી પુત્રના પિતા છે. મંત્રીએ જ ખેડૂતોની હત્યાનો પ્રયાસ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેની જાણકારી હતી કેમ કે આ મંત્રી મોદીની ટીમના સભ્ય છે. 

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના સૃથળની મુલાકાત માટે આવી રહેલા  ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના વિરોધ માટે ખેડૂતો પર રસ્તા પર ઉભા હતા.

આ દરમિયાન પુર ઝડપે તેમના પર કાર ચડાવી દેવામાં આવી હતી. જેમાં ચાર ખેડૂતો અને એક પત્રકારનું મોત નિપજ્યું હતું જ્યારે બાદમાં થયેલી હિંસામાં ભાજપના ત્રણ કાર્યકર્તા માર્યા ગયા હતા. કુલ આઠ લોકોનો ભોગ લેનારી આ ઘટનામાં ઉત્તર પ્રદેશ સરકારે એસઆઇટીની રચના કરી તપાસના આદેશ આપ્યા હતા.

બાદમાં સુપ્રીમ કોર્ટે એસઆઇટીની નવેસરથી રચના કરી હતી જે હાલ આ મામલાની તપાસ કરી રહી છે. આ કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિશ મિશ્રાનું પણ નામ સામે આવ્યું છે. ખેડૂતો પર ગોળીબાર થયો હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા. આ સમગ્ર મામલે હવે વિપક્ષ કેન્દ્ર સરકારને ઘેરી રહ્યો છે. 

અજય મિશ્રાને મંત્રી પદેથી હટાવી ધરપકડ કરો : બીકેયુની માગ

લખીમપુર ખીરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાના પિતા અજય મિશ્રાની સામે કાર્યવાહીની માગ ઉઠી રહી છે. ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)એ માગ કરી છે કે અજય મિશ્રાને તાત્કાલીક ધોરણે મંત્રી પદેથી હટાવવામાં આવે અને તેમની ધરપકડ પણ કરવામાં આવે. બીકેયુના પ્રવક્તા ધર્મેન્દ્ર મલીકે કહ્યું હતું કે અમે ઘટનાની બની તે દિવસથી કહી રહ્યા છીએ કે આ મામલામાં મંત્રી અને તેમના પુત્ર બન્ને સામેલ છે.