×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

AIUDFના ધારાસભ્યનો દાવોઃ ઔરંગઝેબે કામાખ્યા મંદિર માટે દાનમાં આપી હતી જમીન


- જો અમીનુલ ફરી આ પ્રકારનું નિવેદન આપશે તો તેણે જેલમાં જવું પડશેઃ મુખ્યમંત્રી હિમંતા બિસ્વા 

નવી દિલ્હી, તા. 08 ડિસેમ્બર, 2021, બુધવાર

આસામના ઢિંગ વિધાનસભા ક્ષેત્રથી AIUDFના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામે કરેલા દાવા પ્રમાણે માતા કામાખ્યા મંદિર માટે ઔરંગઝેબે જમીન દાન કરી હતી. ધારાસભ્યના આ નિવેદનને લઈ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે, તમારો એક ધારાસભ્ય જેલમાં છે અને જો ફરી કોઈ આ પ્રકારનું નિવેદન આપશે તો તેને પણ જેલમાં મોકલી દેવામાં આવશે. 

અમીનુલ ઈસ્લામે કહ્યું હતું કે, ઔરંગઝેબે ભારતમાં અનેક સો મંદિરો માટે જમીનનું દાન કર્યું હતું. તેણે વારાણસી ખાતે જંગમવાડી મંદિરને પણ 178 હેક્ટર ભૂમિનું દાન કર્યુ હતું. કામાખ્યા મંદિર માટે ઔરંગઝેબનું ભૂમિ અનુદાન હજુ પણ બ્રિટિશ સંગ્રહાલયમાં પ્રદર્શિત છે. 

આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમાએ એઆઈયુડીએફના ધારાસભ્યની વિવાદિત ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, તેમની સરકારમાં આ પ્રકારના નિવેદનો નહીં સહન કરવામાં આવે. આ પ્રકારના નિવેદનના કારણે જ ધારાસભ્ય શર્મન અલી હજુ પણ જેલમાં છે. જો અમીનુલ ફરી આ પ્રકારનું નિવેદન આપશે તો તેણે પણ જેલમાં જવું પડશે. મારી સરકારમાં આપણી સભ્યતા અને સંસ્કૃતિ વિરૂદ્ધના નિવેદનો નહીં સહન કરવામાં આવે. જો તે બહાર રહેવા માગે છે તો તે અર્થશાસ્ત્રની વાત કરી શકે છે અને અમારી ટીકા પણ કરી શકે છે. મા કામાખ્યા, શંકરદેવ, બુદ્ધ, મહાવીર જૈન અને ત્યાં સુધી કે પૈગંબર મોહમ્મદને પણ કોઈએ પોતાની વાતમાં ઢસડવાના નથી. 

આ બધા વચ્ચે કુટુંબ સુરક્ષા મિશન નામના એક હિંદુ સંગઠને એઆઈયુડીએફના ધારાસભ્ય અમીનુલ ઈસ્લામના નિવેદનો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.