×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાગાલેન્ડ ફાયરિંગ મુદ્દે સંસદમાં અમિત શાહનું નિવેદન, ખોટી ઓળખના લીધે ગોળીબાર થયો


- સ્થાનિક ગ્રામીણોએ સેનાની ટુકડીને ઘેરી લીધી હતી, તેમના વાહનો સળગાવ્યા હતા અને તેમના પર હુમલો કરી દીધો હતો. આ કારણે એક જવાનનું મોત થયું હતું 

નવી દિલ્હી, તા. 06 ડિસેમ્બર, 2021, સોમવાર

ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં નાગાલેન્ડ ફાયરિંગ મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર કેસ ખોટી ઓળખનો છે. સેનાએ સંદિગ્ધ સમજીને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં 6 લોકો માર્યા ગયા હતા. પેરા કમાન્ડોને એવી માહિતી મળી હતી કે, મોન જિલ્લાના તિરૂ વિસ્તારમાં સંદિગ્ધ વિદ્રોહીઓની અવર-જવર થઈ શકે છે. ત્યાર બાદ સેનાએ ત્યાં જાળ બિછાવી હતી. શનિવારે સાંજના સમયે જ્યારે એક ગાડી ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે સેનાએ તે વાહનને રોકાવા માટે કહ્યું હતું. પરંતુ તે ગાડી રોકાવાના બદલે ઝડપથી જવા લાગી હતી. આ કારણે તેમાં સંદિગ્ધો સવાર હોવાની આશંકાથી સેનાએ ગોળીબાર કર્યો હતો. તે વાહનમાં 8 લોકો સવાર હતા. ફાયરિંગમાં 6 લોકો માર્યા ગયા હતા. 

વધુમાં ગૃહ મંત્રીએ જણાવ્યું કે, વાહનમાં સવાર 2 લોકોને સેનાએ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. આ સમાચાર મળ્યા બાદ સ્થાનિક ગ્રામીણોએ સેનાની ટુકડીને ઘેરી લીધી હતી, તેમના વાહનો સળગાવ્યા હતા અને તેમના પર હુમલો કરી દીધો હતો. આ કારણે એક જવાનનું મોત થયું હતું અને અનેક જવાનો ઘાયલ થયા હતા. પોતાની સુરક્ષા માટે અને ટોળાને વિખેરવા માટે સુરક્ષા દળોએ ગોળીબાર કરવો પડ્યો હતો જેમાં વધુ 7 નાગરિકોના મોત થયા હતા અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. 

આ સાથે જ અમિત શાહે સ્થાનિક પ્રશાસન સ્થિતિ સંભાળવા પ્રયત્ન કરી રહ્યું હોવાની માહિતી આપી હતી. હાલ તે વિસ્તારમાં તણાવ વ્યાપેલો છે પરંતુ સ્થિતિ કાબૂમાં છે. રાજ્યના વરિષ્ઠ અધિકારીઓએ તે સ્થળની મુલાકાત લીધી છે.