×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તેજસ્વી જો મારી વાત માની લેત તો આજે બિહારનો CM હોતઃ ઓવૈસી


- ઓવૈસીની પાર્ટીએ બિહારની ચૂંટણીમાં સીમાંચલની કેટલીક બેઠકો પર સારા પ્રદર્શન ઉપરાંત 5 બેઠકો પર વિજય પણ નોંધાવ્યો હતો

નવી દિલ્હી, તા. 3 ડિસેમ્બર, 2021, શુક્રવાર

ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ રાજકીય માહોલ સેટ થઈ ગયો છે અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ આ વખતે સંપૂર્ણ તૈયારી સાથે યુપીના ચૂંટણી મેદાનમાં ઉતરી ગયા છે. તેઓ 100 કરતા પણ વધારે બેઠક ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. રાજકીય અંદાજા પ્રમાણે ઓવૈસીના લડવાથી ભાજપને ફાયદો થશે. 

ઓવૈસીને એક ઈન્ટરવ્યુ દરમિયાન એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, તમે 100 બેઠકો પર ભાજપને ફાયદો કરાવશો. તમે જ્યાં-જ્યાં લડશો ત્યાં ભાજપને ફાયદો થશે? તેના જવાબમાં ઓવૈસીએ કહ્યું હતું કે, અમારા કારણે તેમને કોઈ ફાયદો નહીં મળે, ઉપરથી અમે તો નુકસાન પહોંચાડી રહ્યા છીએ. આ સાથે જ ઓવૈસીએ બિહારનું ઉદાહરણ પણ આપ્યું હતું. ઓવૈસીના કહેવા પ્રમાણે જો બિહારમાં RJDવાળા તેમની વાત માની લેતા તો તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનેત.

ઓવૈસીના કહેવા પ્રમાણે તેમણે RJDવાળાઓ સાથે અનેક વખત પ્રયત્ન કર્યો પરંતુ તેઓ માન્યા નહીં. ઉલ્લેખનીય છે કે, બિહારમાં 2020ની વિધાનસભા ચૂંટણીમાં RJD તેજસ્વી યાદવના નેતૃત્વમાં ચૂંટણી લડ્યું હતું જ્યારે બીજી બાજુ નીતિશ કુમાર અને ભાજપનું ગઠબંધન હતું. 

જોકે આરજેડી માટે ચૂંટણીના પરિણામો ખૂબ સારા જ હતા પરંતુ છતાં તેઓ સરકાર બનાવવાથી ચૂકી ગયા હતા. બાદમાં એવું કહેવામાં આવ્યું કે, ઓવૈસીએ આરજેડીને નુકસાન પહોંચાડ્યું. હકીકતે સીમાંચલની કેટલીક બેઠકો પર ઓવૈસીની પાર્ટીએ સારા પ્રદર્શન ઉપરાંત 5 બેઠકો પર વિજય પણ નોંધાવ્યો હતો. ચૂંટણી દરમિયાન બંનેના ગઠબંધનને લઈ પણ ચર્ચા થઈ પરંતુ તે શક્ય ન બન્યું.