×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જીએસટીની આવક રૂ.1.31 લાખ કરોડઃ બીજા ક્રમનું સૌથી વધુ કલેક્શન


- સૌથી વધુ આવક એપ્રિલમાં રૂ.1,39,708 કરોડ થઈ હતી

- ઓક્ટોબરમાં જીએસટીની આવક રૂ. 1.30 લાખ કરોડ હતી, સળંગ પાંચમાં મહિને એક લાખ કરોડથી વધુ આવક

- જીએસટીની આવકમાં વધારો આર્થિક રિકવરી વેગ પકડવાના અને ધંધાકીય પ્રવૃત્તિ સામાન્ય થઈ રહી હોવાના મળતા સંકેતો

નવી દિલ્હી : નવેમ્બરમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન (જીએસટી)ની આવક ૨૫ ટકા વધી ૧.૩૧ લાખ કરોડ થઈ હતી. જીએસટીનો અમલીકરણ શરૂ થયા પછી તેની આ બીજા નંબરની ઊંચી આવક છે. આ બાબત નિર્દેશ કરે છે કે આર્થિક નવસંચારની સાથે ધંધાકીય પ્રવૃત્તિઓ પણ હવે સામાન્ય થઈ રહી છે. તેના લીધે કોમ્પ્લાયન્સમાં પણ વધારો થયો છે. 

સળંગ પાંચમાં મહિને જીએસટીની આવક એક લાખ કરોડની ઉપર રહી છે. નવેમ્બર ૨૦૨૧માં જીએસટીનું કુલ કલેક્શન ૧,૩૧,૫૨૬ કરોડ થયુ હતુ, તેમા સીજીએસટી પેટે ૨૩,૯૭૮ કરોડ, એસજીએસટી પેટે ૩૧,૧૨૭ કરોડ અને આઇજીએસટી પેટે ૬૬,૮૧૫ કરોડની આવક થઈ હતી. તેમા આયાતી માલસામગ્રી પેટે એકત્રિત કરવામાં આવેલા ૩૨,૧૬૫ કરોડ અને સેસ પેટેના ૯,૬૦૯ કરોડનો સમાવેશ થાય છે. તેમા આયાતી માલસામગ્રી પર સેસ પેટે એકત્રિત કરાયેલા ૬૫૩ કરોડનો સમાવેશ થાય છે. 

સીજીએસટી એટલે સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી), એસજીએસટી (સ્ટેટ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) તથા આઇજીએસટી એટલે (ઇન્ટિગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)થાય છે. 

નવેમ્બરમાં જીએસટી પેટે થયેલી આવક નવેમ્બર ૨૦૨૦માં થયેલી ૧.૦૫ લાખ કરોડ ની આવક કરતાં ૨૫ ટકા વધારે છે. જ્યારે નવેમ્બર ૨૦૧૯ની આવક કરતા નવેમ્બર ૨૦૨૧ની જીએસટી આવક ૨૭ ટકા વધારે છે. 

નવેમ્બરમાં જીએસટીની થયેલી આવક એપ્રિલ ૨૦૨૧માં નોંધાયેલી ૧,૩૯,૭૦૮ કરોડની આવક પછી બીજા નંબરની સૌથી ઊંચી આવક છે. એપ્રિલમાં જીએસટીનો આંકડો ૧,૪૧,૦૦૦ લાખ કરોડનો હતો, જે પછી સુધારી ઉપરોક્ત આંકડો કરાયો છે. આ રીતે દરેક મહિનાના આંકડા સુધારાયા છે.

તેમા મેનો ૯૭,૮૨૧ કરોડ, જુનનો ૯૨૮૦૦ કરોડ, જુલાઈનો ૧.૧૬ લાખ કરોડથી વધુ, ઓગસ્ટનો ૧.૧૨ લાખ કરોડથી વધુ, સપ્ટેમ્બરનો ૧.૧૭ લાખ કરોડથી વધુ, ઓક્ટોબરનો ૧.૩૦ લાખ કરોડથી વધુ કરાયો છે.  જીએસટીની આવકમાં તાજેતરમાં જોવા મળેલો વધારે સરકારની વિવિધ નીતિગત અને વહીવટી પહેલને આભારી છે. તેના પગલે કોમ્પ્લાયન્સમાં સુધારો થયો છે. પહેલી જુલાઈ ૨૦૧૭થી અમલી બનેલા જીએસટીમાં બધા જ પ્રકારના પરોક્ષ વેરા એકસાઇઝ ડયુટી, સર્વિસ ટેક્સ, વેટનો સમાવેશ થઈ જાય છે.