×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં માવઠું, ભરશિયાળે અષાઢી માહોલ


- ઓમિક્રોનની દહેશત વચ્ચે વાતાવરણ ડહોળાતા લોકો ચિંતિત

- ઇંટો પકવનારા ઉદ્યોગોની મુશ્કેલી વધી, લગ્ન પ્રસંગોમાં પણ વિધ્ન ઊભું થયું : સુરતમાં પોંકની ભઠ્ઠીઓ બંધ કરવાની ફરજ પડી

- ગુજરાતના 108 તાલુકાઓમાં વરસાદ : સુરતના ઉમરપાડામાં એક ઇંચ અને દીવમાં ત્રણ ઇંચ વરસાદ

- તાલાળા યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીને 1500 ગુણી પલળી, આગાહી છતાં ગુણીઓ ન હટાવાતા ખેડૂતોમાં રોષ

અમદાવાદ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં અત્યારે ઠેર-ઠેર માવઠાની પરિસ્થિતિ છે અને ભરશિયાળે અષાઢી માહોલ જામ્યો છે.. કમોસમી વરસાદના કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે. ઘઉં, ચણા, કપાસ, તુવેર અને શેરડી સહિતના પાકને માવઠાંના કારણે ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં રખાયેલો ખેતપેદાશોનો જથ્થો પલળી ગયો હોવાના બનાવ પણ રાજ્યમાં ઘણાં સ્થળો પર સામે આવ્યા છે. આવતીકાલે બીજી ડિસેમ્બર મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં સવારથી જ ઠંડા પવન સાથે વાદળછાંયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સાંજના સમયે ધીમો વરસાદ શરૂ થયો હતો. જેનાં કારણે સાંજે અને રાતના સમયે ખૂબ ઠંડી અનુભવાઇ હતી.  ખેડા જિલ્લામાં બુધવારે સવારથી જ કમોસમી વરસાદના ઝાપટા શરૂ થયા હતા અને મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન ખેડામાં બે મીમી અને નડિયાદમાં ત્રણ મીમી વરસાદ પડયો હતો. ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર અને વડોદરામાં પણ આજે વહેલી સવારે ચારેક  વાગ્યાથી વરસાદ પડયો હતો. ગોધરા એ.પી.એમ.સી.માં પાકની ગુણીઓ પર તાડપત્રી ઢાંકી હોવા છતાં ખેતઉત્પાદનો પલળી જતાં ખેડૂતો અને વેપારીઓ ચિંતામાં મૂકાયા છે.

સૌરાષ્ટ્રમાં ફરી એક વાર આજે માવઠાંરૂપી મુસીબત વરસી હતી જેમાં અમરેલી જિલ્લાના ખાંભામાં અને સોમનાથ જિ.ના ઉનામાં ૧ ઈંચ વરસાદ અને ઉના પાસેના કેન્દ્રશાસિત દિવમાં ધોધમાર ૩ ઈંચ વરસાદ  વરસાદ નોંધાયો છે. તલાલા પંથકના આંબાથી માંડીને સૌરાષ્ટ્રમાં સોમનાથ,અમરેલી,જુનાગઢ પંથકમાં જીરુ,ઘંઉ,કપાસ, ચણા, લસણ, ડુંગળી સહિતના કૃષિપાકને ાુક્શાન થયાના તથા માર્કેટ યાર્ડની ખરીદ-વેચાણની કામગીરી ખોરવાઈ ગયાના અહેવાલ મળ્યા છે.  માવઠાંની સાથે બપોરે જામનગરમાં ૨૫ કિ.મી. સહિત સૌરાષ્ટ્રમાં તીવ્ર પવન ફૂંકાયો  હતો. સૌરાષ્ટ્રના ૨૪ સહિત રાજ્યના ૧૦૮ તાલુકામાં આજે વરસાદ સાથે બપોરનું તાપમાન ૫થી ૭ સે.સુધી ઘટતા લોકોએ રેઈનકોટ અને સ્વેટર એક સાથે પહેરવાની ફરજ પડી હતી. 

બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧.૫ ઇંચ જ્યારે કામરેજ, બારડોલી, ચોર્યાસી, માંગરોળ, પલસાણા અને સુરત સિટીમાં અડધો ઇંચ વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું હતું. મંગળવારે મોડીરાતે શરૂ થયેલો વરસાદ બુધવારે રાત સુધી જારી રહ્યો હતો. વાતાવરણ ઠંડુગાર થઇ જતા દિવસ દરમિયાન પણ ગરમ વસ્ત્રો પહેરવા પડયા હતા. નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે માવઠાથી ખેતીવાડીને વ્યાપક નુકસાન થયું છે. ડાંગ જિલ્લામાં દિવસે ૬ કલાકમાં આહવામાં ૮,  વઘઇમાં ૫, સાપુતારામાં ૪, સુબિરમાં ૧ મી.મી મી વરસાદ વરસતા વાતાવરમ ઠંડીગાર બન્યું હતું. વલસાડ જિલ્લામાં બુધવારે દિવસે ૧૦ કલાકમાં સૌથી વધુ વાપીમાં ૫ મી.મી  વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ  ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને વહેલી સવારથી આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અન સાંજના સમયે વરસાદ વરસ્યો હતો.

ઘઉં અને કપાસના પાકમાં નુકસાનીનો ભય

ગુજરાતના મોટાંભાગના વિસ્તારોમાં અત્યારે ખેડૂતોએ ઘઉં અને કપાસની વાવણી કરી છે. માવઠાંના કારણે બન્ને પાકને સારું એવું નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે.મધ્ય ગુજરાતમાં ચણા, કપાસ, તુવેર અને ઘઉંના પાકને ઘણો ફટકો પડયો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં શેરડીનું વાવેતર થયું છે અને છેલ્લં એકાદ માસથી શેરડી કાપવાની કામગીરી ચાલી રહી છે. વરસાદના કારણે શેરડીના તૈયાર પાકને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે. 

લગ્ન - રિસેપ્શનના રંગમાં ભંગ : મહેમાનો માટે છત્રીની વ્યવસ્થા કરવી પડી

કોરોના સંબંધિત નિયંત્રણોમાં છૂટછાટ તેમજ સંખ્યાબંધ મુહૂર્તના કારણે અત્યારે સંખ્યાબંધ લગ્ન સમારંભ અને રિસેપ્શન યોજાઇ રહ્યા છે. જો કે ગઇકાલથી વરસાદી માહોલના કારણે પ્રસંગોના રંગમાં પણ ભંગ પડયો છે. તેમાં પણ પાર્ટીપ્લોટમાં આયોજિત કરાયેલા પ્રસંગોને ભારે મુશ્કેલી પડી છે અને કેટલાંક પરિવારો છેલ્લી ઘડીએ બેન્કવેટ અને ઇનડોર જગ્યાઓ પર લગ્ન યોજવા દોડાદોડી કરી રહ્યા છે. બીજી તરફ ઘણાં લગ્નોમાં જાનૈયાઓ માટે છત્રીની વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. કેટલાંક પ્રસંગોમાં છેલ્લી ઘડીએ તાડપત્રી બાંધી મહેમાનો માટે જમણવાર આયોજીત કરાયો છે અને ઘણાં લગ્નોમાં વરઘોડા અને સંગીત સંધ્યા જેવાં આયોજનો રદ કરાયા છે.

સુરતના ઉમરપાડામાં દોઢ ઇંચ, દીવમાં ત્રણ ઇંચ વરસાદ

આજે સવારે છથી સાંજે છ વાગ્યા સુધી સુરત જિલ્લના ઉમરપાડામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના ખાંભા અને ગીર-સોમનાથના ઉનમાં ૨૫ મીમી વરસાદ નોંધાયો છે.  

સુરતના કામરેજમાં પણ ૨૧ મીમી વરસાદ નોંધાયો છે. આજના દિવસ દરમિયાન ગુજરાતના ૧૦૮ તાલુકાઓમાં માવઠું થયું છે. ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે ત્રણ ઇંચ વરસાદ પડયો હતો.