×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સંસદમાં કૃષિ કાયદા રદ કરતું બિલ પાસ : 12 સાંસદો સસ્પેન્ડ


શિયાળુ સત્રના પ્રથમ દિવસે સંસદની કામગીરીમાં ભાવિ ઘર્ષણના એંધાણ

સરકારે ચર્ચા વગર બિલ પસાર કરી ટેકાના ભાવ, 700 ખેડૂતોના મોતનો મામલો દબાવી દીધાના આક્ષેપ સાથે વિપક્ષનો હોબાળો : સંસદ સ્થગિત

ચોમાસુ સત્રમાં હંગામો મચાવનારા 12 સાંસદોને શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરાતા આજે વિપક્ષ વિરોધ માટે બેઠક યોજશે

નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રની સંસદમાં સોમવારથી શરૂઆત થઇ ગઇ છે. જોકે પ્રથમ દિવસે જ વિપક્ષના ભારે વિરોધ અને હોબાળા વચ્ચે સંસદના બન્ને ગૃહને સૃથગિત કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન સરકારે વિવાદો વચ્ચે પણ કૃષિ કાયદાઓને પરત લેતા બિલને લોકસભા અને રાજ્યસભા બન્નેમાં પસાર કરી દીધુ છે.

જોકે વિપક્ષે આ બિલ પર ચર્ચા કરવા અને ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો. દરમિયાન ચોમાસુ સત્રમાં હંગામો મચાવનારા વિપક્ષના 12 સાંસદોને પુરા શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેથી વિપક્ષે વધુ હોબાળો મચાવ્યો હતો. 

પરીણામે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીને મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષે ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગણી કરી હતી. જ્યારે કૃષિ કાયદા પરત લેતા બિલ અંગે ચર્ચા કરવામાં આવે તેવી પણ માગણી કરી હતી. દરમિયાન સંસદમાં કૃષિ કાયદા પરત લેતુ બિલ રજુ કરાયાની થોડી જ મિનિટોમાં તેને ધ્વની મતથી પસાર કરી દેવામાં આવ્યું હતું.

લોકસભા બાદ તેને રાજ્યસભામાં પણ પસાર કરી દેવાયું હતું જેથી હવે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ત્રણેય કૃષિ કાયદા સત્તાવાર રીતે રદ થઇ જશે. આ કાયદા રદ કરાવવાની માગ સાથે ખેડૂતો છેલ્લા એક વર્ષથી આંદોલન ચલાવી રહ્યા હતા. સરકારે હવે જ્યારે કૃષિ કાયદા રદ કરતુ બિલ પસાર કરી દીધુ છે ત્યારે આ પગલાના સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચે વખાણ કર્યા હતા.  

દરમિયાન વિપક્ષની માગણી હતી કે કૃષિ કાયદા ઘડતુ બિલ રજુ કરાયું ત્યારે પણ કોઇ ચર્ચા સંસદમાં નહોતી થવા દીધી જ્યારે હવે આ જ કાયદા રદ કરવા માટેનું બિલ પણ કોઇ જ ચર્ચા વગર સંસદમાં પસાર કરી દેવાયું હતું.

વિપક્ષે દાવો કર્યો હતો કે ચર્ચા વગર બિલ પસાર કરાયું કેમ કે સરકાર નહોતી ઇચ્છતી કે ટેકાના ભાવ માટે કાયદો ઘડવા મુદ્દે સંસદમાં ચર્ચા થાય. આ બિલને ચર્ચા વગર પસાર કરી દઇને સરકારે ટેકાના ભાવના કાયદાની માગનો છેદ ઉડાવી દીધો હતો. 

વિપક્ષે બાદમાં સંસદના બન્ને ગૃહોમાં આ મુદ્દે હોબાળો મચાવ્યો હતો જેને પગલે પ્રથમ દિવસ માટે સંસદની કાર્યવાહીને બન્ને ગૃહોમાં સ્થગિત કરી દેવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારે બિલ પર ચર્ચા કરવી હતી કેમ કે એ જાણવું હતું કે કૃષિ કાયદા ઘડવા પાછળ કોનો હાથ છે, 

આ કાળા કાયદા ઘડવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ છે. અમારે લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા કરવામાં આવી તે મુદ્દે પણ ચર્ચા કરવી હતી. આંદોલનમાં જે 700 ખેડૂતોએ જીવ ગૂમાવ્યો તે મુદ્દે પણ ચર્ચા થવી જોઇતી હતી. જોકે વિપક્ષને આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક ન આપવામાં આવી.   

જોકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે સરકાર દરેક સવાલોનો જવાબ આપવા માટે તૈયાર છે. જે પણ સવાલો કે મુદ્દા સંસદમાં ઉઠી રહ્યા છે તેના પર ચર્ચા કરવા તૈયાર છીએ પણ સંસદના અધ્યક્ષનું માન જળવાઇ રહેવું જરૂરી છે. સંસદના શિયાળુ સત્રના 18 સિટિંગ દરમિયાન સરકાર સંસદમાં 25થી વધુ બિલો રજુ કરવાની તૈયારીમાં છે.

વિપક્ષે પ્રથમ દિવસે જ ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગ સાથે હોબાળો શરૂ કરી દીધો હતો તેથી સ્પષ્ટ છે કે આ માગણીને લઇને હવે આગામી દિવસોમાં પણ સંસદમાં વિવાદો થતા રહેશે. સરકાર ટેકાના ભાવ માટે કાયદો ઘડવા પર ચર્ચા વિચારણા કરવા એક પેનલની રચના કરવા તૈયાર છે તેમ અગાઉ કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે કહ્યું હતું.

ગત ચોમાસુ સત્રમાં હોબાળો મચાવનારા કોંગ્રેસ, ટીએમસી, શિવસેના સહિતના પક્ષના 12 સાંસદોને પુરા શિયાળુ સત્ર સુધી રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે વિપક્ષે વધુ  ઉગ્ર વિરોધ કરવાની જાહેરાત કરી છે. સંસદનું આ શિયાળુ સત્ર 29મી નવેંબરથી 23મી ડિસેંબર સુધી ચાલવાનું છે. 

12 સાંસદોને સસ્પેન્ડ કરવા મુદ્દે લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સાંસદોને આ રીતે સસ્પેન્ડ ન કરી શકાય, સ્પીકરના આ પગલા મુદ્દે અમે મંગળવારે એક બેઠક યોજવા જઇ રહ્યા છીએ.

બીજા માટે અવાજ ઉઠાવનારા સાંસદોનો અવાજ જ દબાવી દેવામાં આવે તો તે લોકતંત્રનું ગળુ દબાવવા સમાન છે. અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું હતું કે પુરૂષ માર્શલોએ મહિલા સાંસદોની સાથે મારપીટ કરી છે જે સીસીટીવી ફૂટેજમાં પણ જોઇ શકાશે. 

કોઇ પણ ચર્ચા વિના ચાર જ મીનિટમાં બિલ પાસ

વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરતું બિલ સરકારે આજે કોઇપણ ચર્ચા કર્યા વિના માત્ર ચાર જ મિનિટમાં સંસદના બંને ગૃહોમાં પાસ કરી દીધું હતું.

સસ્પેન્ડ કરાયેલા 12 સાંસદો

સાંસદ

પક્ષ

- ફુલો દેવી નેતમ

કોંગ્રેસ

- આર બોરા

કોંગ્રેસ

- રાજામણી પટેલ

કોંગ્રેસ

- સૈયદ નાસીર

કોંગ્રેસ

- અખિલેશ પ્રસાદ

કોંગ્રેસ

- છાયા વર્મા

કોંગ્રસ

- એલામરમ કરીમ

(સીપીઆઇએમ)

- બિનોય વિશ્વમ

સીપીઆઇ

- ડોલા સેન

ટીએમસી

- શાંતા ચેટ્રી

ટીએમસી

- પ્રિયંકા ચતુર્વેદી

શિવસેના

- અનિલ દેસાઇ

શિવસેના


30મી સુધી સરકાર જવાબ આપે  

ટેકાના ભાવ માટે કાયદો ઘડવા ખેડૂતોનું સરકારને અલ્ટિમેટમ

કૃષિ કાયદા પરત લેવાનો નિર્ણય ખેડૂતોના આંદોલનની જીત : કિસાન મોરચો 

અમૃતસર : કૃષિ કાયદાના વિરોધમાં એક વર્ષથી આંદોલન ચલાવનારા સંયુક્ત કિસાન મોર્ચાએ કૃષિ કાયદાને પરત લેવાના નિર્ણયને આંદોલનની જીત ગણાવી હતી. સાથે હવે ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગણી કરી છે. ખેડૂત નેતાઓએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે 30મી નવેંબર સુધીમાં ટેકાના ભાવ માટે કાયદો ઘડવાની માગ મુદ્દે જવાબ આપવો. બીજી તરફ ખેડૂતોના અન્ય મુદ્દાઓને લઇને સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા પહેલી ડિસેંબરે એક બેઠક યોજાવા જઇ રહી છે. ખેડૂતોએ સરકાર સમક્ષ છ માગણીઓ મુકી છે જેમાં ટેકાના ભાવ માટે કાયદો ઘડવો, ખેડૂતોની સામે આંદોલન દરમિયાન જે પણ કેસો થયા હોય તેને પરત લેવા વગેરેનો સમાવેશ થાય છે. ખેડૂતોએ હવે ચેતવણી આપી છે કે ટેકાના ભાવ માટે કાયદો ઘડવા સહિતની માગણીઓ મુદ્દે સરકાર 30મી તારીખ સુધીમાં જવાબ આપે, પહેલી ડિસેંબરે ખેડૂતોની બેઠક યોજાશે જેમાં આગામી રણનીતી પર ચર્ચા થશે.