×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે 6 મહિલા સાંસદો સાથેનો ફોટો પોસ્ટ કરીને કહી આ વાત, લોકોમાં રોષ


- ટ્વિટર પર ટ્રોલ થયા બાદ કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે માફી માગી લીધી

નવી દિલ્હી, તા. 29 નવેમ્બર, 2021, સોમવાર

કોંગ્રેસી સાંસદ શશિ થરૂરની 6 મહિલા સાંસદો સાથેની એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. શશિ થરૂરે પોતે જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ તસવીરને શેર કરી છે. આ તસવીર સંસદના શીતકાલીન સત્રના પહેલા દિવસની છે. આ તસવીરને લઈ લોકો દ્વારા આકરા પ્રતિભાવો આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અનેક મહિલાઓએ શશિ થરૂરની વિચારસરણી સામે સવાલ ઉઠાવ્યો છે. 

કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે તસવીર શેર કરીને લખ્યું હતું કે, 'કોણ કહે છે કે, કામ કરવા માટે લોકસભા આકર્ષક જગ્યા નથી? આજે સવારે મારા 6 સાથી સાંસદો સાથે.' આ તસવીરમાં કોંગ્રેસી સાંસદ પરનીત કૌર અને જોથિમની, ટીએમસી સાંસદ નુસરત જહાં અને મિમી ચક્રવર્તી, એનસીપી સાંસદ સુપ્રિયા સુલે, ડીએમકે સાંસદ થમિજાચી થંગાપાંડિયન જોવા મળી રહ્યા છે. 

લોકો કોંગ્રેસી સાંસદ શશિ થરૂરની આ પોસ્ટને લઈ ટીખળ કરી રહ્યા છે. આ પોસ્ટની કોમેન્ટમાં વકીલ કરૂણા નંદીએ લખ્યું હતું કે, 'શશિ થરૂરે ચૂંટાયેલા રાજનેતાઓને તેમના દેખાવ પૂરતા સીમિત કરવાનો પ્રયત્ન કર્યો અને પોતાને કેન્દ્રમાં રજૂ કર્યા છે.'

અન્ય એક ટ્વિટર યુઝર મોનિકાએ લખ્યું હતું કે, 'મને વિશ્વાસ છે કે, આ ખુલ્લેઆમ સેક્સીઝમ પર વામપંથી ઉદારવાદીઓ તરફથી કોઈ જ પ્રતિક્રિયા નહીં આવે, જેમ ઉત્તરાખંડના સીએમ તીરથ રાવતના ફાટેલા જીન્સના વિવાદ પર આવી હતી.'

અલીશા રહમાન સરકાર નામની એક ટ્વિટર યુઝરે લખ્યું હતું કે, 'આ સાચું છે, લોકસભામાં મહિલાઓને ફક્ત ગ્લેમર વધારવા માટે જ ચૂંટવામાં આવે છે. આ કારણે જ કેટલાક દળ મહિલા અનામત બિલ પર ભાર આપી રહ્યા છે. બકવાસ!'

વિદ્યા નામની એક યુઝરે લખ્યું હતું કે, 'મહિલાઓ લોકસભાને આકર્ષક બનાવવા માટેનો સજાવટનો સામાન નથી, તેઓ સાંસદ છે અને તમે અપમાન કરી રહ્યા છો.'

ટ્વિટર પર ટ્રોલ થયા બાદ કોંગ્રેસી સાંસદ શશિ થરૂરે માફી માગી લીધી છે. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, 'સેલ્ફી (મહિલા સાંસદોની પહેલ પર લેવામાં આવી)નો ઉદ્દેશ્ય હાસ્ય હતો અને તેમણે જ મને આ ભાવની ટ્વિટ કરવા માટે કહ્યું હતું, મને દુખ છે કે કેટલાક લોકોને ખરાબ લાગ્યું, પરંતુ મને આ સૌહાર્દપૂર્ણ માહોલમાં કામ કરવું પસંદ છે, આ જ બધું છે.'