×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ખેડૂતોના વિજયનું પ્રથમ પગલું, કૃષિ કાયદા પરત ખેંચવાનું બિલ લોકસભામાં પાસ


- કોંગ્રેસ દ્વારા MSPની ગેરન્ટી પર કાયદો બનાવવાની અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાની માગ

નવી દિલ્હી, તા. 29 નવેમ્બર, 2021, સોમવાર

આજથી સંસદનું શીતકાલીન સત્ર શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભામાં કૃષિ કાયદા અંગેનું બિલ રજૂ કર્યું હતું જે પાસ થઈ ગયું છે. હવે આ બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. તોમરે જ્યારે લોકસભામાં આ બિલ રજૂ કર્યું ત્યારે વિપક્ષ ચર્ચાની માગણીને લઈ હંગામો કરી રહ્યું હતું. ત્યાર બાદ સ્પીકર ઓમ બિરલાએ 2:00 વાગ્યા સુધી સદનની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. હંગામાના પગલે રાજ્યસભાની કાર્યવાહીને પણ 2:00 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

વિપક્ષ દ્વારા કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવાની માગણી કરવામાં આવી રહી છે. જોકે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે સરકાર કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર નથી. સરકારના કહેવા પ્રમાણે જ્યારે વડાપ્રધાન મોદી પોતે જ માફી માગી ચુક્યા છે તો પછી ચર્ચા કઈ વાતની કરવાની. 

કોંગ્રેસ દ્વારા એમએસપીની ગેરન્ટી પર કાયદો બનાવવાની અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાની માગણી કરવામાં આવી હતી. કોંગ્રેસે તેલની વધી રહેલી કિંમતો અંગે ચર્ચા કરવા માટે પણ સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. રાજ્યસભામાં ખેડૂતો સાથે સંકળાયેલા મુદ્દે ચર્ચા કરવા માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને માકપાએ સ્થગન પ્રસ્તાવ આપ્યો છે.