×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સહકર્મી સાથે દુષ્કર્મનો વિરોધ કરવા પર ઝારખંડની 200 મહિલા શ્રમિકોને કંપનીએ કરી બરતરફ, જાણો સમગ્ર કેસ


- પીડિત સગીરા અન્ય કર્મચારીઓ સાથે પાછી નથી આવી કારણ કે, કંપની મેનેજમેન્ટે તેને કંપનીના કાર્યસ્થળની બહાર જવાની મંજૂરી નથી આપી

નવી દિલ્હી, તા. 28 નવેમ્બર, 2021, રવિવાર

મહિલા સહકર્મી સાથે દુષ્કર્મનો વિરોધ કરવા પર એક કંપનીએ 200 લોકોને બહારનો રસ્તો દેખાડી દીધો હતો. તમામ 200 મહિલા શ્રમિક ઝારખંડના પૂર્વીય સિંહભૂમ જિલ્લાની રહેવાસી હોવાનું જણાવવામાં આવ્યું છે. જાણવા મળ્યા મુજબ આ તમામ મહિલાઓ આંધ્ર પ્રદેશની એક માછલી એક્સપોર્ટ કંપનીમાં કામ કરતી હતી. તમામ મહિલાઓને અચાનક જ કોઈ નોટિસ આપ્યા વગર નોકરીમાંથી દૂર કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં, કંપની મેનેજમેન્ટે તેમને તરત જ શહેર છોડી દેવાનો આદેશ પણ આપ્યો હતો. ત્યાર બાદ તમામ મહિલાઓ જમશેદપુર પહોંચી હતી. 

કંપનીએ તેમના વિરૂદ્ધ આ કાર્યવાહી એટલા માટે કરી હતી કારણ કે, તેમણે એક સગીર મહિલા કર્મચારી સાથે બનેલી દુષ્કર્મની ઘટનાનો વિરોધ કર્યો હતો. મહિલાઓએ જમશેદપુર પહોંચ્યા બાદ ફરિયાદ નોંધાવી છે. ડીડીસી પરમેશ્વર ભગતે પ્રવાસી શ્રમિક મહિલાઓને કેસની વિસ્તૃત તપાસ અને દોષિતો વિરૂદ્ધ કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. તેમના કહેવા પ્રમાણે પોલીસને આ કેસની તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. 

નોકરીમાંથી કાઢી મુકવામાં આવી છે તે મોટા ભાગની મહિલા શ્રમિકો ચાકુલિયા, મુસાબની, ધાલભૂમગઢ અને ઘાટશિલાની રહેવાસી છે. ડુમરિયાની રહેવાસી ગીતારાની કુમારીએ જણાવ્યું કે, તે નિકેતી ફૂડ્સ લિમિટેડમાં કામ કરે છે જે આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં સમુદ્રી માછલીનું પેકેજિંગ અને એક્સપોર્ટ કરે છે. 

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ધાલભૂમગઢની રહેવાસી છે. તે અન્ય કર્મચારીઓ સાથે પાછી નથી આવી કારણ કે, કંપની મેનેજમેન્ટે તેને કંપનીના કાર્યસ્થળની બહાર જવાની મંજૂરી નથી આપી. મહિલાઓના કહેવા પ્રમાણે 19 નવેમ્બરના રોજ ફ્લોર મેનેજરે સગીરાને પોતાના રૂમમાં બોલાવીને તેના સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાએ જ્યારે પોતાના સહકર્મીઓને આ અંગે જાણ કરી તો સૌએ કંપની મેનેજમેન્ટ સમક્ષ દોષિત વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. પરંતુ કંપનીએ તેમને જ કામમાંથી કાઢી મુક્યા હતા. આ ઉપરાંત મહિલાઓએ કરેલી ફરિયાદ પ્રમાણે કંપની તેમને યોગ્ય વળતર અને ભોજનની સુવિધા પણ નહોતી આપતી.