×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

26/11 મુંબઈ એટેકઃ આજના દિવસે ધણધણી ઉઠેલું મુંબઈ શહેર, આતંકવાદીઓએ કર્યું હતું મોતનું તાંડવ


- મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસમાં લોહીની હોળી રમનારો આતંકવાદી અજમલ કસાબ અથડામણ બાદ તાડદેવ વિસ્તારમાંથી જીવતો પકડાયો હતો

નવી દિલ્હી, તા. 26 નવેમ્બર, 2021, શુક્રવાર

આજે મુંબઈ હુમલાની 13મી વરસી છે. આજના દિવસે જ સરહદ પારથી આવેલા કેટલાક આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોતનું એવું તાંડવ કર્યું હતું કે જે કોઈ ભારતીય કદી ભૂલી નહીં શકે. 26 નવેમ્બર. 2008ના રોજ આખો દેશ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાથી ચોંકી ઉઠ્યો હતો. 

26 નવેમ્બર, 2008ની સાંજે મુંબઈ શહેરનો એક વિસ્તાર અચાનક જ ગોળીઓના અવાજથી ધણધણી ઉઠ્યો હતો. કોઈને બિલકુલ અંદાજો નહોતો કે, આ ગોળીઓ સરહદ પારથી આવેલા આતંકવાદીઓ ચલાવી રહ્યા છે. હકીકતે મુંબઈ હુમલાની શરૂઆત લિયોપોલ્ડ કેફે અને છત્રપતિ શિવાજી ટર્મિનસ (સીએસટી) ખાતેથી થઈ હતી. બાદમાં ધીમે ધીમે મુંબઈના અન્ય વિસ્તારોમાંથી ધમાકા અને ગોળીબારના સમાચાર આવવા લાગ્યા હતા. અડધી રાત થતાં સુધીમાં તો મુંબઈ શહેર પર આતંકવાદની ચાદર છવાઈ ગઈ હતી. 

મુંબઈના સૌથી વ્યસ્ત એવા છત્રપતિ શિવાજી ટર્મિનસ ખાતે આતંકવાદનું તાંડવ શરૂ થયું હતું. 2 આતંકવાદીઓએ ત્યાં પહોંચીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું અને હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા હતા. આ કારણે 58 જેટલા નિર્દોષ મુસાફરો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા. તે સિવાય ગોળી વાગવાના કારણે ભાગદોડમાં પડી જવાના કારણે અનેક મુસાફરો ઘાયલ પણ થયા હતા. અજમલ આમિર કસાબ અને ઈસ્માઈલ ખાન નામના આતંકવાદીઓએ તે હુમલાને અંજામ આપ્યો હતો. 

તે સિવાય આતંકવાદીઓએ તાજ હોટેલ, હોટેલ ઓબેરોય, લિયોપોલ્ડ કેફે, કામા હોસ્પિટલ અને દક્ષિણ મુંબઈના અનેક વિસ્તારોમાં હુમલો શરૂ કરી દીધો હતો. અડધી રાત થઈ ત્યાં સુધીમાં તો મુંબઈના અનેક વિસ્તારોમાં હુમલા થવા લાગ્યા હતા. શહેરમાં 4 સ્થળોએ અથડામણ થઈ રહી હતી. પોલીસ ઉપરાંત અર્ધસૈનિક દળ પણ મેદાનમાં ઉતર્યા હતા. એકસાથે આટલી જગ્યાઓએ હુમલાના કારણે સૌ ચોંકી ઉઠ્યા હતા. આ કારણે આતંકવાદીઓની સંખ્યાનો અંદાજો મેળવવો પણ મુશ્કેલ બન્યો હતો. 

26 નવેમ્બરની રાતે આતંકવાદીઓ તાજ હોટેલ તરફ વળ્યા હતા અને અનેક મહેમાનોને બંધક બનાવી લીધા હતા જેમાં 7 વિદેશી નાગરિકો પણ સામેલ હતા. તાજ હોટેલના હેરિટેજ વિંગમાં આગ લગાવી દીધી હતી. 27 નવેમ્બરની સવારે એનએસજીના કમાન્ડો આતંકવાદીઓનો સામનો કરવા માટે પહોંચી ચુક્યા હતા. સૌથી પહેલા હોટેલ ઓબેરોયમાં બંધકોને મુક્ત કરાવાયા હતા અને 28 નવેમ્બરના રોજ બપોરના સમયે ઓપરેશન પૂરૂ થયું હતું. તે દિવસે સાંજે નરીમાન હાઉસના આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. જોકે હોટેલ તાજના ઓપરેશનને અંજામ સુધી પહોંચવામાં 29 નવેમ્બરની સવાર સુધીનો સમય લાગી ગયો હતો. 

મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસમાં લોહીની હોળી રમનારો આતંકવાદી અજમલ કસાબ અથડામણ બાદ તાડદેવ વિસ્તારમાંથી જીવતો પકડાયો હતો. તે ગંભીર રીતે ઘાયલ હતો. બાદમાં તેણે પાકિસ્તાનની આતંકવાદી ષડયંત્રની પોલ ખોલીને મુકી દીધી હતી. તેણે પોતાના મૃત સાથીઓના નામનો પણ ખુલાસો કર્યો હતો. બાદમાં તેના પર કેસ ચાલ્યો હતો અને તેને સજા-એ-મોત મળી હતી.