×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

RLD બાદ AAP પણ સપા સાથે હાથ મિલાવવા તૈયાર? લખનૌમાં અખિલેશને મળ્યા સંજ સિંહ


- અખિલેશ યાદવે એક દિવસ પહેલા ચૌધરી જયંત સિંહને મળીને સપા-આરએલડી વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરી હતી

નવી દિલ્હી, તા. 24 નવેમ્બર, 2021, બુધવાર

ઉત્તર પ્રદેશના રાજકારણમાં આજે ભારે મોટી હલચલ જોવા મળી હતી. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ આજે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને મળ્યા હતા. બંને વચ્ચે આશરે એક કલાક સુધી મુલાકાત ચાલી હતી. 

આ મુલાકાત બાદ હવે એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે, શું સમાજવાદી પાર્ટી હવે આરએલડી બાદ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની તૈયારીમાં છે. અખિલેશ પોતે પણ અનેક પ્રસંગે એવું કહી ચુક્યા છે કે, તેઓ આગામી ચૂંટણી નાની નાની પાર્ટીઓ સાથે મળીને લડશે. 

સંજય સિંહ આમ આદમી પાર્ટીના સાંસદ હોવાની સાથે સાથે યુપીના પ્રભારી પણ છે. સંજય સિંહ અને અખિલેશ યાદવ વચ્ચે આ ત્રીજી વખત મુલાકાત યોજાઈ છે. આશરે 2 મહિના પહેલા પણ અખિલેશ અને સંજય સિંહ મળ્યા હતા અને મુલાયમ સિંહના જન્મ દિવસ વખતે પણ બંને વચ્ચે મુલાકાત યોજાઈ હતી. 

બુધવારે ત્રીજી વખત લોહિયા ટ્રસ્ટના કાર્યાલય ખાતે અખિલેશ અને સંજય સિંહ વચ્ચે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે ગઠબંધન મુદ્દે વાતચીત થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મુલાયમના જન્મ દિવસ વખતે પણ બંને વચ્ચે ગઠબંધન મુદ્દે ચર્ચા થઈ હતી. જોકે હજુ સુધી સીટોની વહેંચણી નક્કી નથી થઈ શકી. 

અખિલેશ યાદવે એક દિવસ પહેલા ચૌધરી જયંત સિંહને મળીને સપા-આરએલડી વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા નક્કી કરી હતી. જોકે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત બાકી છે. આ બધા વચ્ચે સૂત્રો દ્વારા મળતા અહેવાલ પ્રમાણે 23 ડિસેમ્બરના રોજ ચૌધરી ચરણ સિંહની જયંતિ પર સમાજવાદી પાર્ટી અને આરએલડીની સંયુક્ત રેલી યોજાશે.