×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સ્વચ્છ સર્વેક્ષણ : ઈન્દોર સતત પાંચમી વખત ટોચે, છત્તિસગઢ સ્વચ્છ રાજ્ય


નવી દિલ્હી, તા.૨૦
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે 'સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧' એવોર્ડની જાહેરાત કરી હતી, જેમાં છત્તીસગઢને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે જ્યારે મધ્ય પ્રદેશના ઈન્દોરે શહેરોમાં સતત પાંચમી વખત સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ જીત્યો છે. વાર્ષિક સ્વચ્છતા સર્વેક્ષણમાં છત્તિસગઢને સૌથી સ્વચ્છ રાજ્યનો એવોર્ડ અપાયો છે જ્યારે ઉત્તર પ્રદેશના વારાણસીને સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ના એવોર્ડમાં સૌથી સ્વચ્છ ગંગા શહેરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ગુજરાતના સુરત શહેરે ગયા વર્ષે સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં બીજો ક્રમ મેળવ્યો હતો. આ વર્ષે પણ સુરતે તેનો બીજો ક્રમ જાળવી રાખ્યો છે. આ યાદીમાં આંધ્ર પ્રદેશના વિજયવાડાએ ત્રીજો ક્રમ મેળવ્યો છે. વર્ષ ૨૦૨૦માં મહારાષ્ટ્રનું નવી મુંબઈ દેશનું ત્રીજા ક્રમનું સૌથી સુંદર શહેર હતું. સ્વચ્છ સર્વેક્ષણને ૨૦૨૧ આવૃત્તિમાં કુલ ૪,૩૨૦ શહેરોએ ભાગ લીધો હતો.

શહેરોને સામાન્ય રીતે સ્ટાર સિસ્ટમનો ઉપયોગ કરીને રેટ આપવામાં આવે છે અને આ વર્ષે ૩૪૨ શહેરોને, ૨૦૧૮માં ૫૬ શહેરોની સરખામણીમાં કેટલાક સ્ટાર રેટિંગ હેઠળ પ્રમાણપત્ર અપાયા હતા. તેમાંથી નવ ફાઈવ સ્ટાર શહેર, ૧૧૬ થ્રી સ્ટાર શહેર, ૧૬૭ સિંગલ સ્ટાર શહેરનો સમાવેશ થાય છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, આ સ્વચ્છ સર્વેક્ષણની છઠ્ઠી આવૃત્તિ છે, જે દુનિયાનું સૌથી મોટું શહેરી સ્વચ્છતા સર્વેક્ષણ બની ગયું છે.
દરમિયાન સ્વચ્છ ભારત મિશને છેલ્લા સાત વર્ષમાં ભારતના શહેરોની સિકલ બદલી નાંખી છે. સ્વચ્છ અમૃત મહોત્સવ ૨૦૨૧ હેઠળ આજે ૧૨૯ સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ્સ, ૧૨ સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ એવોર્ડ અને કચરા મુક્ત શહેરો માટે ૧૫૨ એવોર્ડ્સ એનાયત કરાયા હતા. વધુમાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧ના ભાગરૂપે 'પ્રેરક દૌર સન્માન' નામથી એવોર્ડની એક નવી કેટેગરીનો સમાવેશ કરાયો છે, જેમાં દિવ્ય (પ્લેટિનમ), અનુપમ (ગોલ્ડ), ઉજ્જવલ (સિલ્વર), ઉદિત (બ્રોન્ઝ) અને આરોહિ (એસ્પિરિંગ) એમ કુલ પાંચ વધારાની પેટા કેટેગરી છે. પ્રેરક દૌર સન્માન કેટેગરી હેઠળ શહેરોને સુકો, ભીનો અને જોખમી કચરાને અલગ પાડવા, શહેરોના શૌચાલયોની સ્થિતિ,  લેન્ડફિલમાં જતા કચરાની ટકાવારી અને અન્ય પરિબળનો આધારે શહેરોને રેટિંગ આપવામાં આવશે.
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ઈન્દોર અને તેના લોકો, રાજકીય નેતૃત્વ અને કોર્પોરેશનને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે મહાત્મા ગાંધીનું કહેવું હતું કે સ્વચ્છતા સર્વોચ્ચ પ્રાથમિક્તા હોવી જોઈએ અને ગાંધીજીની આ પ્રાથમિક્તાને ધ્યાનમાં રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશનને જનઆંદોલનનારૂપમાં આગળ વધાર્યું છે.
તેમણે કહ્યું કે તેમને જણાવાયું છે કે ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા શહેરી ક્ષેત્ર ખુલ્લામાં શૌચથી મુક્ત થયા છે. કોવિંદે કહ્યું કે સ્વચ્છ ભારત મિશનની સૌથી મોટી સફળતા દેશની વિચારસરણીમાં પરિવર્તન આવવાનું છે, જ્યાં હવે ઘરના નાના બાળકો પણ મોટાને ગંદકી ફેલાવતા રોકે - ટોકે છે.
રાષ્ટ્રપતિ કોવિંદે ઉમેર્યું કે મનુષ્ય દ્વારા માથા પર મેલું ઉપાડવાની એક શરમજનક પ્રથા છે અને તેને રોકવાની જવાબદારી સરકારની જ નહીં, પરંતુ સમાજ અને દેશના બધા નાગરિકોની  છે. તેમણે સૂચન કર્યું કે બધા જ શહેરોમાં મશીનથી સફાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ. રાષ્ટ્રપતિએ સ્વચ્છતા એવોર્ડ વિજેતા શહેરોની સારી પ્રથાઓ અને ચલણ અપનાવવાની વાત પણ કરી હતી.

૨૦૨૧માં દેશના સૌથી સ્વચ્છ શહેરો
ક્રમ    શહેર    સ્કોર
૧    ઈન્દોર    ૫૬૧૮.૧૪
૨    સુરત    ૫૫૫૯.૧૨
૩    વિજયવાડા    ૫૩૬૮.૩૭
૪    નવી મુંબઈ    ૫૩૦૭.૬૮
૫    પૂણે    ૪૯૦૦.૯૪
૬    રાયપુર    ૪૮૧૧.૪૦
૭    ભોપાલ    ૪૭૮૩.૫૩
૮    વડોદરા    ૪૭૪૭.૯૬
૯    વિશાખાપટ્નમ    ૪૭૧૭.૯૨
૧૦    અમદાવાદ    ૪૬૯૦.૫૫

સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડની હાઈલાઈટ

•    ઈન્દોર, સુરત, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ, નવી મુંબઈ, અંબિકાપુર, મૈસુર, નોઈડા, વિજયવાડા અને પાટણને ફાઈવ સ્ટાર રેટિંગ.
•    જિલ્લા કેટેગરીમાં સુરત પહેલા, ઈન્દોર બીજા અને નવી મુંબઈ ત્રીજા ક્રમે.
•    ૧૦૦થી ઓછી શહેરી લોકલ બોડી ધરાવતા રાજ્યોમાં ઝારખંડ ટોચના ક્રમે, હરિયાણા બીજા, ગોવા ત્રીજા ક્રમે.
•    સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં અંતિમ ૨૫ શહેરોમાં લખનઉનો સમાવેશ.
•    ૧થી ૩ લાખની વસતીના નાના શહેરોની કેટેગરીમાં નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ ટોચના ક્રમે.
•    નોઈડા દેશનું 'સૌથી સ્વચ્છ મધ્યમકદનું શહેર'.
•    સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ કેટેગરીમાં ઈન્દોર, નવી મુંબઈ, નેલ્લોર અને દેવાસ ટોચના પરફોર્મર
•    ૧૦થી ૪૦ લાખની વસતીના મોટા શહેરોની કેટેગરીમાં નવી મુંબઈ 'સૌથી સ્વચ્છ મોટું શહેર'.